01 December, 2023 08:15 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના સૉલિડ ઇકૉનૉમિક ગ્રોથના ડેટા બાદ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શરૂઆત મોડી થવાની શક્યતા વધતાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૨ રૂપિયા ઘટ્યું હતું, પણ ચાંદી પ્રતિ કિલો ૨૩૪ રૂપિયા વધી હતી. ચાંદી સતત ત્રીજે દિવસે વધી હતી અને ભાવ ૭૬,૦૦૦ રૂપિયાની નજીક પહોંચ્યા હતા. ચાંદી ત્રણ દિવસમાં ૨૮૮૮ રૂપિયા વધી હતી. નવેમ્બર મહિનામાં સોનું ૧૨૩૭ રૂપિયા અને ચાંદી ૩૭૬૯ રૂપિયા વધી હતી.
વિદેશ પ્રવાહ
અમેરિકાનો થર્ડ ક્વૉર્ટરના ઇકૉનૉમિક ગ્રોથના સેકન્ડ એસ્ટિમેન્ટમાં સૉલિડ ગ્રોથ થયો હોવાથી તેમ જ કૉર્પોરેટ પ્રૉફિટ પણ થર્ડ ક્વૉર્ટરમાં એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો મોડો શરૂ થવાની શક્યતાએ સોનામાં ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી. સોનું બુધવારે વધીને ૨૦૫૦.૪૦ ડૉલર થયું હતું, જે ગુરુવારે દિવસ દરમ્યાન ઘટીને ૨૦૩૫.૪૦ ડૉલર થયા બાદ સાંજે સોનાનો ભાવ ૨૦૩૫થી ૨૦૩૬ ડૉલર હતો. સોનું ઘટતાં ચાંદી અને પૅલેડિયમ પણ ઘટ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના સેકન્ડ ક્વૉર્ટરના ઇકૉનૉમિક ગ્રોથના સેકન્ડ એસ્ટિમેટમાં ગ્રોથ વધીને ૫.૨ ટકાએ પહોંચ્યો હતો, જે ફર્સ્ટ એસ્ટિમેટમાં ૪.૯ ટકા હતો અને માર્કેટની ધારણા પાંચ ટકાની હતી. સેકન્ડ એસ્ટિમેટનો ગ્રોથ રેટ છેલ્લાં સાત ક્વૉર્ટરનો સૌથી ઊંચો ગ્રોથ હતો. સેકન્ડ ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથ રેટ ૨.૧ ટકા હતો. અમેરિકામાં નૉન-રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ સેકન્ડ ક્વૉર્ટરમાં ૧.૩ ટકા વધ્યું હતું જે શરૂઆતમાં એક ટકા ઘટ્યું હતું. ખાસ કરીને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ૧.૪ ટકાનો ગ્રોથ બતાવતાં ઓવરઑલ ગ્રોથ વધ્યો હતો.
અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ થર્ડ ક્વૉર્ટરમાં ૪.૧ ટકા વધીને ૨.૭૦ ટ્રિલ્યન ડૉલર રહ્યો હતો, જે છેલ્લા એક વર્ષનો સૌથી ઊંચો હતો. સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ગ્રોથ ૦.૫ ટકા વધ્યો હતો. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટર કરતાં કૉર્પોરેટ પ્રૉફિટ ૧.૭ ટકા નીચો રહ્યો હતો.
અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૨૪ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ચાર બેસિસ પૉઇન્ટ ઘટીને ૭.૩૭ ટકાએ પહોંચ્યા હતા, જે છેલ્લાં ૧૦ સપ્તાહના સૌથી નીચા હતા. નવેમ્બર મહિનામાં મૉર્ગેજ રેટ ૪૯ પૉઇન્ટ ઘટ્યા હતા. જોકે એક વર્ષ અગાઉ મૉર્ગેજ રેટ ૬.૪૯ ટકા હતા અને બે વર્ષ અગાઉ ૩.૩૧ ટકા હતા. મૉર્ગેજ રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશન સતત ચોથે સપ્તાહે વધી હતી અને ૨૪ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે મૉર્ગેજ ઍપ્લિકેશન ૦.૩ ટકા વધી હતી. મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યા નવેમ્બરમાં ત્રણ ટકા વધી હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ નવેમ્બર મહિનામાં ચાર ટકા ઘટ્યો હતો, જે ગુરુવારે નીચા મથાળેથી સહેજ ૦.૨ ટકા સુધરીને ૧૦૨.૭૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. રિચમોડના ફેડ પ્રેસિડન્ટ થોમસ બારકીને જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની વાતો હાલ પ્રીમૅચ્યોર છે, પણ હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વોલર દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાનો સંકેત મળતાં તમામ ફેડ ઑફિશ્યલ્સની કમેન્ટનો ટોન ફરી ગયો છે અને હવે ૨૦૨૪માં મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ ૮૦ ટકા અને જુલાઈ મહિનામાં ૯૭.૮ ટકાએ પહોંચી ગયા છે.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૯.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૭ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર ઝડપથી ઘટી રહ્યા છે તેમ જ ફૉરેન સેલ્સ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સેલ્સ ઘટી રહ્યું હોવાથી એમ્પ્લૉયમેન્ટમાં એકધારો કાપ મુકાઈ રહ્યો છે. ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન પાંચ મહિનાની નીચી સપાટીએ અને આઉટપુટ કૉસ્ટ સતત બીજે મહિને ઘટી હોવા છતાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં કોઈ સુધારો થયો નથી.
ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૬ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત અગિયારમાં મહિને વધ્યો હતો, પણ મન્થ્લી બેઇઝ પર ગ્રોથ અગિયાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર વધ્યા હતા, પણ ફૉરેન સેલ્સ ઘટતાં એમ્પ્લૉયમેન્ટ પણ ઘટ્યું હતું. ઇન્પુટ કૉસ્ટ સતત બીજે મહિને ઘટી હતી અને સેલિંગ પ્રાઇસ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં બિઝનેસ સેન્ટિમેન્ટ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું, પણ સેલ્સ ઘટી રહ્યું હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટ્યો હતો.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ છ મહિનાની અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ અગિયાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૦.૭ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત બીજે મહિને ઘટ્યો હતો. ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇકૉનૉમિક સ્લોડાઉનને અટકાવવા અનેક મૉનિટરી પગલાં લેવામાં આવી રહ્યાં છે, પણ એક પણ પગલાં કારગત નિવડ્યાં નથી.
જપાનના રીટેલ સેલ્સમાં ઑક્ટોબરમાં ૪.૨ ટકાનો વધારો થયો હતો, જે સતત બીજે મહિને વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં રીટેલ સેલ્સ ૬.૨ ટકા વધ્યું હતું. માર્કેટની ધારણા રીટેલ સેલ્સ ૫.૯ ટકા વધવાની હતી. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં એક ટકો વધ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ૦.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૮ ટકાના વધારાની હતી. જપાનનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૩૬.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૩૫.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૩૫.૬ પૉઇન્ટની હતી. ડ્યુરેબલ ગુડ્સ, લાઇવહુડ પ્રોડક્ટનું સેલ્સ વધ્યું હતું. જપાનમાં હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૬.૩ ટકા ઘટ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૬.૮ ટકા ઘટ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ થર્ડ ક્વૉર્ટરના સેકન્ડ એસ્ટિમેટમાં સૉલિડ રહ્યો છે આથી આગામી દિવસોમાં ફરી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની ચર્ચામાં યુ-ટર્ન આવી શકે છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા બાદ જો નવેમ્બરના નૉન ફાર્મ પે-રોલ ડેટા પણ સ્ટ્રૉન્ગ આવશે તો ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ મેને બદલે ઑક્ટોબર સુધી લંબાશે એવી શક્યતા બતાવાઈ રહી છે. આથી ૨૦૨૪માં અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એવી ચર્ચાનો અંત હજી આગામી ત્રણથી ચાર મહિના આવવાનો નથી અને આ ચર્ચાને આધારે જ સોનામાં વધ-ઘટ જોવા મળશે, પણ હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ નથી. આથી સોનામાં મોટી મંદી થવાની હવે કોઈ શક્યતા રહી નથી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૨,૬૦૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૨,૩૫૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૫,૯૩૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)