09 October, 2024 09:06 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ઑગસ્ટમાં એકદમ ધીમી પડતાં તેમ જ ચીને સતત પાંચમા મહિને સોનાની ખરીદી ન કરતાં સોનામાં ઊંચા મથાળે રુકાવટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૨૮ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી છેલ્લા બે દિવસમાં ૨૪૮૮ રૂપિયા ઘટી હતી જે અગાઉના ત્રણ દિવસમાં ૩૫૦૦ રૂપિયા વધી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ નજીવો ૦.૦૭ ટકા ઘટીને ૧૦૨.૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો એ અગાઉ ઇન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચાઈએ ૧૦૨.૫૪ પૉઇન્ટ થયા બાદ પ્રત્યાઘાતી ઘટ્યો હતો, કારણ કે સ્ટ્રૉન્ગ જૉબ ડેટા બાદ પચાસ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ ઓછા થયા છે, પણ પચીસ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ હજી પણ ૮૭ ટકા હોવાથી ડૉલરની તેજી અટકી હતી. ટ્રેજરી બૉન્ડનાં યીલ્ડ અઢી મહિના પછી પ્રથમ ચાર ટકા ઉપર જતાં ડૉલરમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આમ બેતરફી કારણોથી ડૉલરમાં મૂવમેન્ટ રેન્જ બાઉન્ડ હતી.
અમેરિકામાં કન્ઝ્યુમર ક્રેડિટ ઑગસ્ટમાં ૮.૯૩ અબજ ડૉલર વધી હતી જેના વિશે માર્કેટની ધારણા બાર અબજ ડૉલર વધવાની હતી તેમ જ ગયા મહિને ૨૬.૬૩ અબજ ડૉલર વધી હતી, કન્ઝ્યુમર ક્રેડિટ વધી હતી, પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટ્યો હતો.
ચીનની ફૉરેક્સ રિઝર્વ સપ્ટેમ્બરમાં ૨૮.૧ અબજ ડૉલર વધીને નવ વર્ષની ઊંચાઈએ ૩.૩૧૬ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે માર્કેટની ૩.૩ ટ્રિલ્યન ડૉલરની ધારણાથી સહેજ વધુ હતી. ફૉરેક્સ રિઝર્વ સતત ત્રીજે મહિને વધી હતી. ચીનની સેન્ટ્રલ બૅન્કે સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને ગોલ્ડ રિઝર્વમાં કોઈ વધારો કર્યો નહોતો, પણ સોનાના ભાવ વધતાં ગોલ્ડ રિઝર્વની વૅલ્યુ સપ્ટેમ્બરમાં ૧૮૩ અબજ ડૉલરથી વધીને ૧૯૧.૫ અબજ ડૉલરે પહોંચી હતી.
યુરો એરિયાના રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો જે જુલાઈમાં ફ્લૅટ રહ્યો હતો, ખાસ કરીને ઑટોમોટિવ ફ્યુઅલ અને નૉન ફૂડ પ્રોડક્ટના સેલ્સમાં મોટો વધારો થયો હતો. છેલ્લા એક વર્ષમાં રીટેલ સેલ્સમાં ૦.૮ ટકાનો વધારો થયો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીને સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને રિઝર્વ માટે સોનાની ખરીદી કરી નથી તેમ જ ઑગસ્ટ મહિનામાં વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ માત્ર આઠ ટનની જ ખરીદી કરી હતી. છેલ્લા ૧૨ મહિનાની ઍવરેજ દર મહિનાની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૩૩ ટનની હોવાથી હવે સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો સપોર્ટ સોનાની તેજીને મળવાનો બંધ થયો છે. ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ ૨૦૨૩માં પણ સેન્ટ્રલ બૅન્કોએ ૧૦૦૦ ટનથી વધુ ખરીદી કરી હતી. આમ છેલ્લાં બે વર્ષથી સેન્ટ્રલ બૅન્કોની સતત વધતી ખરીદીથી સોનાની તેજીને આગળ ધપાવવામાં મહત્ત્વનો સપોર્ટ મળી રહ્યો હતો એમાંય ચીનની ખરીદી છેલ્લાં બે વર્ષથી એકધારી હતી જે છેલ્લા પાંચ મહિનાથી સાવ ઝીરો થઈ ચૂકી છે. હાલ સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ છે, પણ મૉનિટરી પૉલિસી અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો સપોર્ટ ન હોવાથી જો ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ નહીં મળે તો સોનામાં વધુપડતી તેજીની શક્યતા ઘટી જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૭૨૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૪૨૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૪૧૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)