08 May, 2024 08:49 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને હમાસ યુદ્ધ-સમાપ્તિ બાબતે બન્ને પક્ષ વચ્ચે સહમતી ન થતાં અનિશ્ચિતતા વધી હતી જેને કારણે સોનું રેન્જ બાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૮ રૂપિયા ઘટ્યો હતો, પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૬૯ રૂપિયા વધ્યો હતો.
વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ નજીવી વધ-ઘટ પછી ૧૦૫.૨૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડનાં જુદાં-જુદાં ઑફિશ્યલ્સ વચ્ચે હજી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા વિશે સહમતી સધાઈ નથી. ન્યુ યૉર્ક ફેડ પ્રેસિડન્ટ જૉન વિલિયમે જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાનો નિર્ણય આગામી ઇન્ફ્લેશન અને અન્ય ઇકૉનૉમિક ડેટાને આધારે લેવાશે, જ્યારે રિચમોન્ડ પ્રેસિડન્ટ થૉમસ બાર્કીને જણાવ્યું હતું કે
ઇન્ટરેસ્ટ રેટમાં સતત થઈ રહેલા વધારાની અસર ઑલરેડી થઈ ચૂકી હોવાથી આગામી સમયમાં ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી નિશ્ચિતપણે પહોંચશે. ફેડનાં જુદાં-જુદાં ઑફિશ્યલ્સના ભિન્ન નિવેદનને પગલે ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૪.૪૭ ટકાએ સ્ટેડી હતાં. અમેરિકન ફેડ દ્વારા સપ્ટેમ્બર કે નવેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના સંકેતો મળવાના શરૂ થતાં પ્રતિસ્પર્ધી કરન્સીઓમાં મજબૂતી જોવા મળી હતી. યુરોનું મૂલ્ય મંગળવારે એક મહિનાની ઊંચી સપાટીએ ૧.૦૭ ડૉલરે પહોંચ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ફેડની પહેલાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવું લગભગ નિશ્ચિત હોવા છતાં યેનનું મૂલ્ય વધ્યું હતું.
ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે સતત ચોથી વખત ઇન્ટરેસ્ટ રેટ ૪.૩૫ ટકાએ જાળવી રાખ્યા હતા. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી ત્રણ ટકાનો રાખ્યો છે અને ઇન્ફ્લેશનના ટાર્ગેટ હાંસલ થવાની ધારણાએ નવેમ્બર પછી ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ વધારો કરાયો નથી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેની યુદ્ધ-સમાપ્તિની મંત્રણા ફરી ખોરંભે ચડી છે. હમાસે યુદ્ધ-સમાપ્તિની શરતો સ્વીકારી હતી, પણ ઇઝરાયલની મિલિટરી કૅબિનેટે હમાસની દરખાસ્તને નકારી કાઢી હતી અને ગાઝા પટ્ટીમાં રફાહ પર અટૅક ચાલુ રાખ્યો હતો. સોનાના ભાવને ફરી જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળવાનો ચાલુ થતાં હવે મૉનિટરી પૉલિસીની અસર ન્યુનતમ રહેશે. જોકે અમેરિકન ફેડ સપ્ટેમ્બર કે નવેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે કે કેમ એ વિશે હજી ફેડના ઑફિશ્યલ્સમાં સહમતી નથી. ફેડની સપ્ટેમ્બર મીટિંગ અગાઉ અમેરિકાના એપ્રિલ, મે, જૂન અને જુલાઈના ઇન્ફ્લેશન અને અન્ય ઇકૉનૉમિક ડેટા કેવા આવે છે એના આધારે ફેડ નિર્ણય લેશે. આગામી દિવસોમાં જિયોપૉલિટિકલ ટેન્શન વધશે તો સોનામાં ધીમી ગતિએ ભાવ વધતા રહેશે. મૉનિટરી પૉલિસીનું ડેવલપમેન્ટ ઇકૉનૉમિક ડેટાના આધારે થવાનું હોવાથી ઇકૉનૉમિક ડેટા નબળા કે સબળા આવશે એના આધારે નજીવી વધ-ઘટ જોવા મળશે.