04 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના પ્રમુખ આજે ભારત સહિતના દેશો પર ટૅરિફ નાખવાના હોવાથી એ પૂર્વે ગઈ કાલે પણ સોનામાં આગેકૂચ બરકરાર રહી હતી, જ્યારે ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે સવારે મુંબઈમાં સોનાનો ભાવ ૯૯.૯ ટચ, દસ ગ્રામ સોનાનો ભાવ ૯૦,૯૬૬ અને ૯૯.૫ ટચ, દસ ગ્રામ સોનાનો ભાવ ૯૦,૬૦૨ રૂપિયા ખૂલ્યો હતો જે અનુક્રમે ૯૧,૧૧૫ રૂપિયા અને ૯૦,૭૫૦ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે કિલોદીઠ ચાંદી ૯૯,૮૩૨ રૂપિયાએ ખૂલીને ૯૯,૬૪૧ રૂપિયા બંધ રહી હતી.
સોનામાં નવા શિખર સાથે જ્વેલરી શૅરોમાં પણ વધતી ઝમક
સરકારે એનાં ૩૬,૯૫૦ કરોડનાં લેણાંને વોડાફોનના શૅરમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે. એને કારણે કંપનીમાં એનો હિસ્સો ૨૨.૬ ટકાથી વધીને લગભગ ૪૯ ટકા થઈ જશે. આ કન્વર્ઝન શૅરદીઠ ૧૦ના ભાવે કરાયું છે. આના પગલે વોડાફોનનો શૅર સવાચાર ગણા વૉલ્યુમે ૧૯ ટકાના ઉછાળે ૮.૧૦ બંધ આપી ગઈ કાલે એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. સરકારે અગાઉ ૨૦૨૩માં પણ ૧૬,૧૩૩ કરોડ રૂપિયાનાં લેણાંને વોડાફોનના શૅરમાં ભાવોભાવ કન્વર્ટ કર્યાં હતાં. સરકારનું હોલ્ડિંગ હવે થોડુંક વધીને ૫૧ ટકા થઈ જાય તો વોડાફોન પીએસયુ બની જશે, પરંતુ આ સહેલું નથી. કેટલાક માને છે કે વોડાફોનને હસ્તગત કરી એને BSNL સાથે મર્જ કરી દેવી જોઈએ. જોકે મુકેશ અંબાણીને આ નહીં ગમે. બીજો એક વિકલ્પ છે કે સરકારે એનો સમગ્ર હિસ્સો કોઈકને વેચી મારવો જોઈએ. સવાલ છે અદાણી તૈયાર થશે? શું થશે અને શું નહીં એ વિશે હાલ કંઈ કહી શકાય નહીં, પરંતુ એક વાત નક્કી છે, વોડાફોન એની હાલની સ્થિતિમાં કોઈ કાળે ટકી શકે એમ નથી. ગઈ કાલે તાતા ટેલિ, MTNL, ઇન્ડ્સ ટાવર, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ, સુયોગ ટેલિમેટિક્સ, રાઉટ મોબાઇલ, તેજસ નેટ, વિન્દય ટેલિ જેવા ટેલિકૉમ શૅર પણ પોણાચારથી પોણાછ ટકા રણક્યા હતા.
વિશ્વબજારમાં હાજર સોનું ૩૧૫૦ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ ૩૧૭૦ ડૉલર જેવું દેખાયું છે. બોફા સિક્યૉરિટીઝવાળાને ૩૫૦૦ ડૉલરનો ભાવ દેખાઈ રહ્યો છે. ઘરઆંગણે કેટલાંક સેન્ટરમાં સોનું ૯૪,૦૦૦ નજીક સરક્યું છે. આ ભાવે નવી માગ મળવી મુશ્કેલ કહેવાય છે, પણ જ્વેલરી શૅર ઝમકમાં છે. ગઈ કાલે ખરાબ બજારમાં પણ ભક્તિ જેમ્સ ૨૦ ટકા, સ્વર્ણ સરિતા બાર ટકા, આશાપુરી ગોલ્ડ સવાતેર ટકા, રાધિકા જ્વેલ સાડાચાર ટકા, ટીબીઝેડ પાંચ ટકા, એશિયન સ્ટાર સવાચાર ટકા, મોતીસન્સ જ્વેલર્સ સાડાસાત ટકા, સેન્કો ગોલ્ડ પાંચ ટકા, રાજેશ એક્સપોર્ટ્સ પોણાપાંચ ટકા, પીસી જ્વેલર્સ પાંચેક ટકા, વૈભવ ગ્લોબલ સાડાત્રણ ટકા, મનોજ વૈભવ સાડાત્રણ ટકા, આરબીઝેડ તથા ઉદય જ્વેલરી ત્રણ-ત્રણ ટકા, રેનેસાં ગ્લોબલ ૨.૪ ટકા ઝળક્યા હતા. કુલ ૫૪માંથી ફક્ત ૮ જ્વેલરી શૅર નરમ હતા.