01 November, 2024 07:34 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે હજી પણ ડોનલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસ સર્વેક્ષણમાં નેક ટુ નેક ચાલી રહ્યાં હોવાથી ઇલેક્શનની અનિશ્ચિતતાના કારણે સોનામાં મજબૂતી જળવાયેલી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ઑક્ટોબર મહિનામાં છ ટકા વધ્યું હતું જે વધારો છેલ્લા સાત મહિનાનો સૌથી મોટો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૭૦ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો થર્ડ ક્વૉર્ટરનો ગ્રોથ-રેટ ઍડ્વાન્સ એસ્ટિમેટમાં ઘટીને ૨.૮ ટકા રહ્યો હતો જે સેકન્ડ ક્વૉર્ટરના ફાઇનલ રીડિંગમાં ત્રણ ટકા રહ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ઑક્ટોબરમાં ૨.૩૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે વધારો છેલ્લા ૧૫ મહિનાનો સૌથી વધુ હતો. ઑક્ટોબરમાં માર્કેટની ધારણા ૧.૧૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી અને સપ્ટેમ્બરમાં ૧.૫૯ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ નબળ ગ્રોથ-રેટ ડેટા બાદ ઘટીને ૧૦૩.૯૯ પૉઇન્ટે પહોંચ્યા બાદ પ્રાઇવેટ સેક્ટરના જૉબ-ડેટા સ્ટ્રોન્ગ આવતાં ગુરુવારે ફરી ૧૦૪.૨૨ પૉઇન્ટ સુધી વધ્યો હતો. અમેરિકી ડૉલરને હાલ અન્ય કરન્સીની નબળાઈનો સપોર્ટ મળી રહ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૧૦૪ પૉઇન્ટની નીચે જઈ શકતો નથી.
અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ પચીસમી ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૧ બેસિસ પૉઇન્ટ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૬.૭૩ ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૬.૫૨ ટકા હતા. મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશન કરનારાઓની સંખ્યા ૦.૧ ટકા ઘટી હતી. અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ સપ્ટેમ્બરમાં ૭.૪ ટકા વધ્યું હતું જે ઑગસ્ટમાં ૦.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ૧.૧ ટકા વધારાની ધારણા કરતાં ઘણું વધુ વધ્યું હતું.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑક્ટોબરમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૪૯.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત વધારો થયો હતો. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૦ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૪ પૉઇન્ટની હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૦.૪ પૉઇન્ટ હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના બહુચર્ચિત પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને હવે પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે પણ સર્વેક્ષણમાં ડોનલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસ નેક ટુ નેક ચાલી રહ્યાં છે. કેટલાંક સર્વેક્ષણમાં હૅરિસ આગળ છે તો કેટલાંક સર્વેક્ષણમાં ટ્રમ્પ આગળ છે પણ બે સપ્તાહ અગાઉ ટ્રમ્પ ક્યાંય આગળ નહોતા, તેનો ગ્રાફ ઝડપથી સુધરી રહ્યો છે. તમામ સર્વેક્ષણનું તારણ એ છે કે હૅરિસના તરફેણમાં હાલ ૪૮.૧ ટકા વોટ છે અને ટ્રમ્પની તરફેણમાં ૪૬.૭ ટકા વોટ છે પણ ૫.૨ ટકા વોટ એવા છે કે જે કઈ તરફ જશે? એનું તારણ નીકળી શકે એમ નથી. આમ, પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની અનિશ્ચિતતા છેલ્લા દિવસ સુધી રહેશે આથી અનિશ્ચિતતાની સેફ હેવન ડિમાન્ડ સોનામાં હજી વધતી રહેશે જે સોનાને વધુ ઊંચકાવશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૯,૫૫૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૯,૨૩૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૬૭૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)