સોનું ૬૦,૦૦૦ અને ચાંદી ૭૦,૦૦૦ રૂપિયા નજીક પહોંચ્યાં, હજી કેટલી તેજી થશે?

27 March, 2023 03:05 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાની બે અને યુરોપની એક બૅન્ક કાચી પડતાં રાતોરાત સોના-ચાંદીમાં તેજીનો પવન ફૂંકાવા લાગ્યોઃ શૅરબજાર, કૉમોડિટી બજાર, બૉન્ડ બજાર તૂટતાં રોકાણકારો બધું વેચીને સોના-ચાંદી ખરીદવા દોડ્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં સોનાના ભાવ હાલ પ્રતિ ૧૦ ગ્રામ ૬૦,૦૦૦ રૂપિયા નજીક અને ચાંદીના ભાવ પ્રતિ કિલો ૭૦,૦૦૦ નજીક પહોંચી ગયા છે. સવા મહિના અગાઉ મુંબઈની બજારમાં સોનાનો ભાવ ૫૫,૯૦૦ અને ચાંદીનો ભાવ ૬૫,૦૦૦ રૂપિયા હતો. સવા મહિનામાં સોના અને ચાંદીમાં ૫૦૦૦ રૂપિયાની તેજી જોવા મળી છે અને હજી વધુ તેજી થવાના ચાન્સિસ દેખાઈ રહ્યા છે. સવા મહિના અગાઉ સોના-ચાંદીમાં ટૂંકા ગાળા માટે મોટો ઘટાડો આવશે એવું આખું વિશ્વ માનતું હતું, કારણ કે મંદીનાં વાદળ જે આખા વિશ્વ પર ઘેરાયેલાં હતાં એ વિખરાવા લાગ્યાં હતાં, પણ અમેરિકાની સિલિકૉન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્ક કાચી પડતાં રાતોરાત આખી સ્થિતિ પલટાઈ હતી. અધૂરામાં પૂરું યુરોપની ક્રેડિટ સુઈસ નામની બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની પણ કાચી પડી હતી. આમ, એકસાથે વિશ્વના ટોચનાં અર્થતંત્રમાં સમાવેશ થતાં દેશોની બૅન્કો ડિફૉલ્ટ થતાં સોના-ચાંદીમાં નાણાંનું રોકાણ કરવું બધાને એકદમ સલામત દેખાવા લાગ્યું હતું. ત્રણ બૅન્કો ડિફૉલ્ટ થતાં શૅરબજાર, કૉમોડિટી બજાર અને બૉન્ડ બજારમાં મોટો કડાકો બોલાતાં તમામ રોકાણકારોને તેમની મૂડીની અસલામતી દેખાવા લાગતાં મોટા ભાગના રોકાણકારોએ બધું વેચીને સોના-ચાંદીમાં નાણાં રોકવાનું ચાલુ કર્યું છે એને કારણે સોના-ચાંદીમાં તેજીનો ધમધમાટ ચાલુ થયો હતો. 

વ્યાજદર વધારવાની હોડને એકાએક બ્રેક લાગી

અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કો સતત વધી રહેલા ફુગાવાને નાથવા વ્યાજદર ઝડપથી વધારી રહી હતી. તમામ સેન્ટ્રલ બૅન્કો છેલ્લા એક વર્ષથી સતત વ્યાજદર વધારી રહી હતી. અમેરિકન ફેડે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં નવ વખત વ્યાજદર વધારીને ૦.૧૦ ટકા વ્યાજદરને પાંચ ટકા સુધી પહોંચાડ્યા હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે તાજેતરમાં સતત અગિયારમી વખત વ્યાજદર વધાર્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ જુલાઈથી સતત વ્યાજદર વધારી રહી છે. દરેક દેશોના વ્યાજદર શૂન્ય અથવા શૂન્ય નજીક હતા એ વ્યાજદર માત્ર એક જ વર્ષમાં ચારથી પાંચ ટકાની ઊંચાઈએ પહોંચી જતાં બૅન્કો પર દબાણ વધ્યું હતું અને બૅન્કો એક પછી એક કાચી પડવા લાગી હતી. ત્રણ બૅન્કો ડિફૉલ્ટ થઈ છે, પણ હજી અમેરિકા, યુરોપ, બ્રિટન સહિત વેસ્ટર્ન દેશોની અનેક બૅન્કો હાલ મુશ્કેલીમાં છે. ઇકૉનૉમિસ્ટોના મતે હજી ઘણી બૅન્કો કાચી પડશે અને બૅન્કિંગ કટોકટી હજર મોટા પાયે વકરશે. બૅન્કિંગ કટોકટીને નિવારવા અમેરિકા અને યુરોપની સરકારની રાતની ઊંઘ હરામ થઈ ચૂકી છે. બૅન્કો ડિફૉલ્ટ થતાં ડિપોઝિટરોની સલામતી માટે સરકારને પગલાં લેવાની ફરજ પડી રહી છે અને હવે વધુ બૅન્કો કાચી ન પડે એ માટે સરકારે તેમની સેન્ટ્રલ બૅન્કને વ્યાજદર વધારવાને બ્રેક લગાવવાની સૂચના આપવી પડી છે. અમેરિકન ફેડ માર્ચ મહિનામાં વ્યાજદરમાં ૦.૫૦ ટકા વધારો કરવાનું મન મનાવીને બેઠી હતી, પણ બૅન્કિંગ કટોકટી વકરતાં છેલ્લી ઘડીએ ૦.૨૫ ટકા જ વ્યાજદર વધારીને સંતોષ માનવો પડ્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ પણ સતત દસ વખત વ્યાજદરમાં વધારો કર્યા બાદ હવે વ્યાજદર વધારાને બ્રેક લગાવવાનો નિર્ણય લીધો છે એ રીતે અમેરિકા, યુરોપ અને બ્રિટન તમામ દેશોએ પણ વ્યાજદર વધારવાની હોડનો અંત બૅન્કિંગ કટોકટીને કારણે લાવવો પડે એવી સ્થિતિ આવી પડી છે. 

વ્યાજદર ઘટતાં ડૉલર સહિત તમામ કરન્સી ઘટશે

તમામ બૅન્કો વ્યાજદર વધારાને બ્રેક લગાવશે એમાં અમેરિકન ફેડને પણ સામેલ થવું પડશે. ગયા સપ્તાહે અમેરિકન ફેડની મીટિંગમાં ૦.૨૫ ટકા વ્યાજદર વધાર્યા બાદ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ફુગાવાના વધારાને કાબૂમાં લેવા ફેડ હજી એક વખત જરૂર પડે તો વ્યાજદર વધારશે, પણ વિશ્વના અર્થશાસ્ત્રીઓ માને છે કે ફેડે માર્ચમાં ૦.૨૫ ટકા વ્યાજદર વધાર્યા એ છેલ્લો વ્યાજદર વધારો હશે અને ફેડ જૂન-જુલાઈથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું ચાલુ કરશે. બૅન્કિંગ કટોકટીને આગળ વધતી અટકાવવી હશે તો વ્યાજદર વધારાને બ્રેક લગાવવી અનિવાર્ય છે. ફેડની આગામી મીટિંગ ૨-૩ મે, ૧૩-૧૪ જૂન, ૨૫-૨૬ જુલાઈ અને ૧૯-૨૦ સપ્ટેમ્બરે છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યા અનુસાર કદાચ ફેડ ૨-૩ મેની મીટિંગમાં ૦.૧૫થી ૦.૨૫ ટકા વ્યાજદર વધારી શકે છે, પણ ત્યાર બાદ જૂન અને જુલાઈ મીટિંગમાં વ્યાજદર વધારો કરવાનું મુલતવી રાખે અથવા જુલાઈમાં ૦.૧૫થી ૦.૨૫ ટકા વ્યાજદર ઘટાડી પણ શકે છે. સપ્ટેમ્બર કે એ પછીની મીટિંગમાં પણ એક વખત વ્યાજદર ઘટાડે તો ડૉલર પર દબાણ વધશે. આમેય અમેરિકન ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે ૧૧૪ના લેવલે પહોંચ્યો હતો એ હાલ ૧૦૨ના લેવલે છે. ફેડ વ્યાજદર વધારાને બ્રેક લગાવે કે વ્યાજદરમાં ઘટાડો કરે તો ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૯૦થી ૯૫ના લેવલે પહોંચી શકે છે. ડૉલર ઘટે તો સ્વાભાવિક સોનામાં નવેસરથી તેજીનો આરંભ થશે. 

સોના કરતાં ચાંદીમાં તેજીના વધુ ચાન્સ

ચીન વિશ્વનું સૌથી મોટું કૉપર, ઍલ્યુમિનિયમ, ઝિન્ક, નિકલ સહિતની બેઝમેટલનું વપરાશકાર છે. ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ ત્યાંનું અર્થતંત્ર એકાએક ધમધમવા લાગ્યું છે. ચાઇનીઝ સરકારે પણ અર્થતંત્રને બેઠું કરવા શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે, જેને કારણે બેઝ મેટલનો વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ચાંદીને હંમેશાં સોનાની તેજી અને બેઝમેટલની તેજી બન્નેનો લાભ થાય છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનો અને સોલર ઊર્જાના વપરાશનો ક્રૅઝ વધી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો અને સોલર પૅનલની બનાવટમાં ચાંદીનો વપરાશ થાય છે આથી ચાંદીનો વપરાશ વધતાં ચાંદીમાં તેજીનો પવન ફૂંકાવા લાગ્યો છે. ચાંદીની તેજીને સોના અને બેઝમેટલની તેજીનો અને ઇલેક્ટ્રિક વાહનો અને સોલર પૅનલમાં વધી રહેલા વપરાશનો સપોર્ટ મળી રહ્યો છે. 

સોના-ચાંદીની ખરીદી કરવી કે રાહ જોવી?

સોના-ચાંદીની ખરીદી કરનારાઓએ શું કરવું? એ પ્રશ્નનો ઉત્તર જાણવામાં બધાને રસ હોય એ સ્વાભાવિક છે. સવા મહિના અગાઉ આખા વિશ્વને સોના-ચાંદીમાં મંદી દેખાતી હતી, પણ રાતોરાત બૅન્કો કાચી પડવા લાગતાં સોના-ચાંદીના ભાવ ઘટવાને બદલે ઝડપથી વધવા લાગ્યા છે. માત્ર સવા મહિનામાં સોનું અને ચાંદી બન્નેમાં ૫૦૦૦ રૂપિયાની તેજી થઈ હોવાથી જો બૅન્કિંગ કટોકટી આગળ નહીં વધે તો બન્નેમાં ૫૦૦થી ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો આવી શકે છે અથવા ભાવ વધતાં અટકી શકે છે, પણ મોટો ઘટાડો થવાની શક્યતા હાલ દેખાતી નથી. જો બૅન્કોની કટોકટી વકરશે તો સોનામાં હજી ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા અને ચાંદીમાં વધુ ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયાનો ઉછાળો આવી શકે છે. જૂનમાં અમેરિકન ફેડ વ્યાજદર વધારાને બ્રેક લગાવશે ત્યારે ડૉલર ઘટશે અને સોના-ચાંદી વધશે એ નિશ્ચિત દેખાય છે. ઓવરઑલ સોના-ચાંદીમાં હાલ ભાવ ઘટવાની જગ્યા ઓછી છે, પણ ભાવ વધવાની જગ્યા વધારે છે. 

business news commodity market inflation