ઇન્ટરેસ્ટ રેટ વધારવા કે નહીં એ વિશે ફેડનું સ્ટૅન્ડ હજીય અનિશ્ચિત હોવાથી સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ

11 May, 2023 02:30 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ ઇન્ફ્લેશનને કાબૂમાં રાખશે કે રિસેશનની શક્યતાને ટાળશે એના પરથી સોનાની દિશા નક્કી થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ફેડનું સ્ટૅન્ડ હજી પણ અનિશ્ચિત હોવાથી સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૮ રૂપિયા ઘટ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના ઊંચા ઇન્ફ્લેશન સામે ઇકૉનૉમિક ક​ન્ડિશન બગડી રહી હોવાથી ફેડ હવે લાંબો સમય ઇન્ટરેસ્ટ રેટ વધારો કરી શકે એમ નથી છતાં ઇન્ફ્લેશનના વધારાનું દબાણ વધે તો ફેડને હજી એક વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારો કરવો પડે એમ હોવાથી સોનામાં દરેક ઉછાળે પ્રૉફિટ બુકિંગ આવી રહ્યું છે. મંગળવારે સોનું વધીને ૨૦૩૮.૬૦ ડૉલરે પહોંચતાં ફરી પ્રૉફિટ બુકિંગ આવતાં સોનું બુધવારે ઘટીને ૨૦૨૩.૧૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૯થી ૨૦૩૦ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ગવર્મેન્ટની ડેબ્ટ સીલિંગ ક્રાઇસિસનું હલ શોધવામાં બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન નિષ્ફળ જતાં ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. અમેરિકાની ૩૧.૪ ટ્રિલ્યન ડૉલરની ડેબ્ટ લિમિટ વધારવામાં નહીં આવે તો બાઇડન ગવર્મેન્ટ આગામી એક સપ્તાહમાં ડિફૉલ્ટ જાહેર થશે. જોકે ડેબ્ટ લિમિટ વધારવા બાબત હવે પછીની મીટિંગ શુક્રવારે કરવાનું નક્કી થયું છે. ડેબ્ટ સીલિંગ ક્રાઇસિસની અનિશ્ચિતતાને પગલે ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૧.૫૫ના લેવલે પહોંચ્યો હતો. 

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ મેમાં ૫.૮ પૉઇન્ટ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ  ૪૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૪૮.૨ પૉઇન્ટની ધારણા કરતાં ઘણો નીચો રહ્યો હતો. એપ્રિલમાં ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ૧૬ મહિનાની ઊંચાઈએ ૪૭.૪ પૉઇન્ટ હતો. આગામી છ મહિના માટે અમેરિકાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ સાત પૉઇન્ટ ઘટીને ૩૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પણ છ મહિનાની નીચી સપાટીએ હતો. પર્સનલ ફાઇનૅન્શનની ઍક્ટિવિટીને બતાવતો ઇન્ડેક્સ ૫.૨ પૉઇન્ટ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ગવર્મેન્ટનો ઇકૉનૉમિક પૉલિસીને સપોર્ટ કરતો ઇન્ડેક્સ પણ ૫.૩ પૉઇન્ટ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. 

અમેરિકાનો સ્મૉલ બિઝનેસનો ઑ​પ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને દસ વર્ષની નીચી સપાટીએ ૮૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૯૦.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૮૯.૬ પૉઇન્ટની હતી. સ્મૉલ બિઝનેસ ઓનરોને હાલ ક્વૉલિફાઇડ વર્કરો શોધવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી છ મહિનાની બિઝનેસ ક​ન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ બે પૉઇન્ટ ઘટીને ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ૪૫ ટકા બિઝનેસ ઓનરોના મતે તેઓ તેમના બિઝનેસમાં વર્કરોની ખાલી જગ્યાઓ પૂરી કરી શકવાની સ્થિતિમાં નથી. 

જપાનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ એપ્રિલના અંતે આઠ મહિનાની ઊંચી સપાટીએ ૧.૨૬૫ ટ્રિલ્યન (લાખ કરોડ રૂપિયા) ડૉલરે પહોંચી હતી જે માર્ચના અંતે ૧.૨૫૭ ટ્રિલ્યન ડૉલર
હતી. ગયા ઑક્ટોબરમાં જપાનીઝ ગવર્મેન્ટ ઑથોરિટીએ યેનને વધુ ઘટતો અટકાવવા ૬.૩૫ ટ્રિલ્યન યેન ઇન્ટરવેશન સપોર્ટ માટે ખર્ચ્યા હતા, ત્યાર બાદ ફૉરેન એક્સચેન્જ રિઝર્વ સતત વધી રહી છે. 

જપાનની ઇકૉનૉમિક ઍ​ક્ટિવિટીને બતાવતો લીડિંગ ઇકોનોમિક ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૯૭.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૯૮.૨ પૉઇન્ટ હતો. આ ઇન્ડેક્સ જપાનની જૉબ ઑફરિંગ ઍક્ટિવિટી અને કન્ઝ્યુમર સે​ન્ટિમેન્ટને પણ બતાવે છે. જ્યારે ઇન્ડ​સ્ટ્રિયલ આઉટપુટ, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ૯૮.૭ પૉઇન્ટે જળવાયેલો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

અમેરિકાની ઇકૉનૉમિક સિચુએશન અને ફેડની ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી બન્ને સોનાની માર્કેટની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બનશે. અમેરિકાની ઇકૉનૉમિક સિચુએશન બતાવતો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ મે મહિનામાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ગયો હતો. આગામી છ મહિનાનું ઇકૉનૉમિક આઉટલુક પણ ઘણું નીચું ગયું છે. આ ઉપરાંત ફેડે છેલ્લા દસ મહિનામાં ૫૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યો એના કારણે અમેરિકાની નાની બૅન્કો એક પછી એક તૂટી રહી છે. આ તમામની અસર જોતાં હવે ફેડ જો ઇન્ટરેસ્ટ રેટ વધુ વધારશે તો પગ પર કુહાડો મારવા જેવી સ્થિતિ બનશે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે અમેરિકન ગવર્મેન્ટ ડિફૉલ્ટ થવાની કગારે પહોંચી ગઈ છે. જોકે આવું પહેલી વખત બન્યું નથી. અમેરિકામાં આવું વારંવાર બને છે અને એનો ઉકેલ પણ પૉલિટિકલી લાવવામાં આવે છે. ખેર, અમેરિકન ફેડ જો ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં બ્રેક મારે તો ડૉલર ઇન્ડેક્સ ૧૧૪ના લેવલથી ગગડીને હાલ ૧૦૧ના લેવલે પહોંચ્યો છે એ વધુ ગગડીને ૯૦ના લેવલે પહોંચી શકે છે. ડૉલર ઇન્ડેક્સમાં ૧૩ પૉઇન્ટનો ઘટાડો થયો એ દરમ્યાન સોનું ૧૮૫૦ ડૉલરથી વધીને ૨૦૫૦ ડૉલર સુધી ગયું તો ડૉલર ઇન્ડેક્સમાં વધુ ૧૦ પૉઇન્ટનો ઘટાડો થાય તો સોનું ૨૦૫૦ ડૉલરથી વધીને ઍટ લીસ્ટ ૨૨૦૦ ડૉલર સુધી જઈ શકે.

business news commodity market inflation