અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની સંભાવનાએ સોનું ઊછળીને ઑલ ટાઇમ હાઈ સપાટીએ

05 December, 2023 07:38 AM IST  |  Mumbai | Mayur Mehta

ભારતમાં સોનાનો ભાવ પણ ઑલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં ચાંદીમાં પણ તેજી વધી : મુંબઈમાં ચાંદી સતત પાંચમા દિવસે વધી, પાંચ દિવસમાં ચાંદીમાં ૩૩૮૪ રૂપિયાનો ઉછાળો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી ધારણાને પગલે સોનું વર્લ્ડ માર્કેટ અને ભારતમાં ઑલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિએશનના પ્રાઇસ ડેટા પ્રમાણે મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૦ રૂપિયા વધ્યાં હતાં. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ જુદા-જુદા જવેલરી શો-રૂમો પર ૬૪,૨૦૦થી ૬૫,૧૭૦ રૂપિયા સુધી બોલાયો હતો, પણ ઑફિશ્યલ પ્રાઇસ ૬૩.૨૮૧ રૂપિયા હતો. મુંબઈમાં ચાંદી સતત પાંચમા દિવસે વધી હતી અને પાંચ દિવસમાં ચાંદી ૩૩૮૪ રૂપિયા ઊછળી હતી.

વિદેશ પ્રવાહ
ફેડ ૨૦૨૪ના માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી માત્ર ધારણાને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું ઑલ ટાઇમ હાઈ ૨૧૧૧.૩૯ ડૉલર સુધી વધ્યું હતું, જે ગયા સપ્તાહે ૨૦૭૦ ડૉલર બંધ રહ્યુ હતું. માત્ર ગણતરીના કલાકોમાં ૫૦ ડૉલરનો ઉછાળો આવ્યા બાદ મોટે પાયે પ્રૉફિટ બુકિંગ આવતાં સોનું ઘટીને સાંજે ૨૦૬૬થી ૨૦૬૭ ડૉલર હતું. ફેડ ચૅરમૅને શુક્રવારની સ્પીચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા વિશે કોઈ ઉલ્લેખ ન કરતાં ડૉલર પણ વધીને ૧૦૩.૩૮ પૉઇન્ટ અને ટ્રેઝરી યીલ્ડ પણ વધતાં સોનુ ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ઍટલાન્ટાની સ્પેલમેન કૉલેજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે ખૂબ જ સાવચેતી રાખશે. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની સાઇકલ માર્ચ ૨૦૨૨થી શરૂ થયા બાદ હજી સુધી ઇન્ફ્લેશનનો બે ટકાનો લક્ષ્યાંક હાંસલ થઈ શક્યો નથી, પણ ઇન્ફ્લેશન ૯.૨ ટકાથી ઘટીને ત્રણ ટકા સુધી આવ્યું છે. ફેડની ઊંચા ઇન્ફ્લેશન સામેની લડાઈ હજી પૂરી થઈ નથી. ઇન્ફ્લેશનને નીચે લાવવા માટે હજી જરૂરત પડશે અને અનુકૂળ સ્થિતિ ઊભી થશે તો ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે. 

જેરોમ પૉવેલની કમેન્ટમાં ક્યાંય ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડા કરવામાં આવશે એવો ઉલ્લેખ થયો ન હોવાથી ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૧૧ ટકા વધીને ૧૦૩.૩૮ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૧૯ ટકા વધીને ૪.૨૪ ટકા થયાં હતાં. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની મીટિંગ અગાઉ ઑસ્ટ્રેલિયન ડૉલર ઘટતાં અમેરિકન ડૉલરને મજબૂતી મળી હતી. 
અમેરિકાનો મૅન્યુફૅકચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટામાં નવેમ્બરમાં ૪૬.૭ પૉઇન્ટે સ્ટેડી રહ્યો હતો, પણ માર્કેટની ધારણા ૪૭.૬ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન અને એમ્પ્લૉયમેન્ટ ઘટ્યા હતા તેમ જ નવા ઑર્ડર અને સ્ટૉકનો વધારો ધીમો પડ્યો હતો. પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના ડેટામાં અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર હજી એક વર્ષ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતો રહેવાની ધારણા છે. 
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૪૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૩.૧ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત સત્તરમાં મહિને ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બિઝનેસ કૉન્ફિડન્સ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો.

ચાલુ સપ્તાહે અમેરિકાના નવેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા જાહેર થશે. માર્કેટની ધારણા ૧.૬૦ લાખ આવવાની છે ઑક્ટોબરમાં અમેરિકામાં ૧.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેની ધારણા ૧.૯૦ લાખની હતી. અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા સપ્ટેમ્બરમાં ૨.૯૭ લાખ, ઑગસ્ટમાં ૧.૬૫ લાખ, જુલાઈમાં ૨.૩૬ લાખ, જૂનમાં ૧.૦૫ લાખ, મેમાં ૨.૮૧ લાખ અને માર્ચ-એપ્રિલ બન્ને મહિનામાં ૨.૧૭ લાખ આવ્યા હતા. જાન્યુઆરીમાં ૪.૭૨ લાખના ડેટા આવ્યા બાદ એકધારા ઓછા નંબર્સ આવી રહ્યા છે. અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા તેમ જ અમેરિકાના સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા, ફૅક્ટરી ઑર્ડર્સ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. આમ ચાલુ સપ્તાહ અમેરિકાના ઇકૉનૉમિક ડેટાથી ભરપૂર હશે. 

ચાલુ સપ્તાહે ચીન, ટર્કી, ​સ્વિટ્ઝરલૅન્ડ, દક્ષિણ કોરિયા અને ફિલિપીન્સના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે તેમ જ ભારત, ઑસ્ટ્રેલિયા, કૅનેડાની સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વિશે નિર્ણય લેવાશે. ચીન, જર્મની, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નવેમ્બર મહિનાના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 
ઑસ્ટ્રેલિયાનો ઇકૉનૉમિક ગ્રોથ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રણ મહિના દરમ્યાન ૦.૫ ટકા ઘટ્યો હતો જેની ધારણા ૦.૬ ટકા ઘટાડાની હતી અને અગાઉના ક્વૉર્ટરમાં ગ્રોથ ૧.૧ ટકા ઘટ્યો હતો. ઑસ્ટ્રેલિયન ઇકૉનૉમી રિસેશનનો સામનો કરી રહી છે, કારણ કે હાઉસ હોલ્ડ કન્ઝમ્પ્શન ૧.૧ ટકા ઘટ્યું હતું. વાર્ષિક ધોરણે ગ્રોથરેટ ૧.૮ ટકા ઘટ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૪૪ ટકા ઘટ્યો હતો. 

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ દિવસે-દિવસે ગંભીર બની રહી છે. પાકિસ્તાનનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં નવી ઊંચાઈએ ૨૯.૨ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૨૬.૨ ટકા હતું. હાઉસિંગ અને યુટિલિટી કૉસ્ટ નવેમ્બરમાં ૩૩ ટકા વધી હતી જે ઑક્ટોબરમાં ૨૦.૫ ટકા વધી હતી. ફુડ ઇન્ફ્લેશન ૨૬.૮ ટકાથી વધીને ૨૮ ટકા થયું હતું. ઇન્ફ્લેશન મન્થ્લી ૨.૭ ટકા વધ્યું હતું જે છેલ્લા ચાર મહિનાનું સૌથી ઊંચું હતું. પાકિસ્તાનનું કોર ઇન્ફ્લેશન પણ ૧૮.૫ ટકાથી વધીને ૧૮.૬ ટકા થયું હતું. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનું-ચાંદી, શૅરબજાર, બૉન્ડ માર્કેટ, ક્રિપ્ટો કરન્સી તમામ ફાઇનૅન્શિયલ ઍસેટમાં એકસાથે તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે જે એક નવું આશ્ચર્ય છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ગયા શુક્રવારે આપેલી સ્પીચમાં ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાનો ઉલ્લેખ કર્યો નથી એમ છતાં સીએમએ ફેડ વૉચમાં ૨૦૨૪ના માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ પૉઇન્ટનો ઘટાડો થવાના ચાન્સ ૫૧.૭ ટકા અને ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થવાના ચાન્સ ૭.૬ ટકા બતાવવામાં આવ્યા છે. આમ મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસથી ૭૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થવાના ચાન્સ ૮૭.૪ ટકા અને જૂન મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનો ચાન્સ વધીને ૯૬.૮ પૉઇન્ટ બતાવાયો છે. ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની ધારણા બાબતે કોઈ અતિરેક થઈ રહ્યો હોવાથી માત્ર ધારણા આધારિત સોના-ચાંદીની તેજી હાલ લાંબી ચાલવા વિશે શંકા વધી રહી છે. સોના-ચાંદીમાં લૉન્ગ ટર્મ ફૅક્ટર તેજીનાં છે, પણ હાલની તેજી બબલ બનવાનું જોખમ વધી રહ્યું છે. 

sensex nifty stock market share market business news bombay stock exchange