29 December, 2022 02:26 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ચીને કોરોનાનાં નિયંત્રણો એક પછી એક દૂર કરવાનું ચાલુ કરતાં ઇન્ફ્લેશન વધવાની ધારણાએ બૉન્ડ યીલ્ડ સુધરતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું, જેને પગલે ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી-માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૨૦ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ ધીમી ગતિએ વધી રહ્યા હોવાથી ઇન્ફ્લેશન ફરી માથું ઊંચકે એવી શક્યતાએ અમેરિકન અને અન્ય દેશોના ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધતાં ડૉલર પણ ૦.૧ ટકા સુધર્યો હતો, જેને પગલે સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. સોનું છ મહિનાની ઊંચી સપાટીએથી ઘટીને ૧૭૯૮.૬૦ ડૉલર થયું હતું. જોકે બુધવારે સાંજે સોનું ૧૮૦૦ ડૉલર ઉપર ટકેલું હતું. સોનું ઘટતાં ચાંદી અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં, જ્યારે પ્લૅટિનમના ભાવ વધ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીન દરરોજ સવાર પડે ત્યારે કોરોનાનાં નિયંત્રણો એક પછી એક રદ કરી રહ્યું છે. બુધવારે ચીને નવા પાસપોર્ટ રિલીઝ કરવા પરનો પ્રતિબંધ રદ કરીને નવા પાસપોર્ટ રિલીઝ કરવાનું ચાલુ કર્યું હતું અને ચાઇનીઝ રેસિડન્ટને હૉન્ગકૉન્ગની ટ્રાવેલ પરમિટ આપવાનું ચાલુ કર્યું હતું તેમ જ હૉન્ગકૉન્ગ અને મકાઉ બૉર્ડર પરની ચેક-પોસ્ટ પણ ચાલુ કરી હતી. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા છેલ્લા દસ દિવસથી દરરોજ જંગી નાણાં માર્કેટમાં ઠાલવવામાં આવે છે. બુધવારે પીપલ્સ બૅન્કે ૨૦૨ અબજ યુઆન રિવર્સ રેપો દ્વારા માર્કેટમાં ઠાલવ્યાં હતાં. છેલ્લા દસ દિવસમાં ૧૦૦૦ અબજ યુઆન કરતાં વધુ નાણાં માર્કેટમાં ઠાલવવામાં આવ્યાં હતાં.
ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કરવાનાં ચાલુ કરતાં એની ગ્લોબલ બૉન્ડ-માર્કેટમાં મોટી અસર જોવા મળી હતી. અમેરિકન ટ્રેઝરી ટેન યર બૉન્ડ યીલ્ડ ૧૦ બેસિસ પૉઇન્ટ વધીને ૩,૮૫ ટકાની ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. જર્મનીના ૩૦ વર્ષના બૉન્ડનાં યીલ્ડ ૧૮ બેસિસ પૉઇન્ટ વધીને ૨.૪૪ ટકાએ પહોંચ્યાં હતાં. ઑસ્ટ્રેલિયન ટેન યર બૉન્ડનાં યીલ્ડ ૧૫ બેસિસ પૉઇન્ટ વધીને ૩.૯૮ ટકાએ પહોંચ્યાં હતાં. ચીનમાં નિયંત્રણો દૂર થતાં ઇન્ફ્લેશન વધવાની શક્યતાએ બૉન્ડ-માર્કેટમાં યીલ્ડ વધ્યાં હતાં. રશિયન પ્રેસિડન્ટ પુતિને ૧ ફેબ્રુઆરીથી જે દેશોએ જી-સેવન ઘોષણા અનુસાર પ્રાઇસકૅપ અપનાવી છે એ દેશોમાં ક્રૂડતેલની એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે, એ પણ ક્રૂડ તેલની તેજીને સપોર્ટ કરશે.
અમેરિકામાં રહેણાંક મકાનોના ભાવ ટૉપ લેવલનાં ૨૦ શહેરોમાં ઑક્ટોબરમાં ૮.૬ ટકા વધ્યા હતા, જે છેલ્લાં બે વર્ષનો સૌથી ઓછો વધારો હતો અને મકાનોના ભાવનો વધારો સતત છઠ્ઠે મહિને ઘટ્યો હતો. જોકે માર્કેટની ૮.૨ ટકાના વધારાની ધારણા કરતાં ભાવ વધારે વધ્યા હતા. ઓવરઑલ અમેરિકાની હાઉસિંગ માર્કેટમાં મકાનોના ભાવમાં ઑક્ટોબરમાં કોઈ મોટો ફેરફાર થયો નહોતો. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત થઈ રહેલા વધારાને કારણે હાઉસિંગ માર્કેટમાં ડિમાન્ડ ઘટી રહી હોવાથી ભાવવધારાની ગતિ પણ ધીમી પડી રહી છે.
અમેરિકાની એક્સપોર્ટ નવેમ્બરમાં ૩.૧ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ પણ ૭.૬ ટકા ઘટી હતી, પણ ઇમ્પોર્ટમાં મોટો ઘટાડો થતાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટ નવેમ્બરમાં ૧૫.૬ ટકા ઘટી હતી જે છેલ્લાં બે વર્ષની સૌથી ઓછી ડેફિસિટ હતી. અમેરિકામાં નવેમ્બરમાં કૅપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ગુડ્ઝ, ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય, વેહિકલ અને ફૂડ-બ્રેવરેજ તમામ આઇટમોની ઇમ્પોર્ટ ઘટી હતી, જ્યારે કન્ઝ્યુમર ગુડ્ઝ અને વેહિકલની એક્સપોર્ટ વધી હતી.
જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૩.૨ ટકા ઘટ્યું હતું તેમ જ માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી જેના કરતાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ઓછું ઘટ્યું હતું. જપાનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં સતત ત્રીજે મહિને ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક ધોરણે નવેમ્બરમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ૧.૩ ટકા ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીને કોરોનાનાં નિયંત્રણો રદ કરીને ઇકૉનૉમિક ગ્રોથ માટે માર્કેટમાં રિવર્સ રેપો દ્વારા જંગી નાણાં ઠાલવવાનું ચાલુ કરતાં ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ અને એનર્જી આઇટમોના ભાવ ઝડપથી વધવા લાગ્યા છે જે આગળ જતાં ઇન્ફ્લેશનને વેગ આપશે. ક્રૂડ તેલના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૮૦ ડૉલરની સપાટીને પાર કરી ગયા છે. નૅચરલ ગૅસના ભાવ સતત ઘટી રહ્યા હતા, જેમાં સુધારો જોવા મળ્યો છે. અમેરિકન નૅચરલ ગૅસ વાયદો ઘટીને નવ મહિનાના તળિયે પહોંચ્યો હતો, જેમાં મંગળવારે ઓવરનાઇટ ખાસ્સો મોટો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન નૅચરલ ગૅસ વાયદો ૪.૮ ડૉલરથી વધીને ૫.૨ ડૉલર થયો હતો. જોકે હજુ યુરોપિયન નૅચરલ ગૅસ વાયદા સાડાછ વર્ષની નીચી સપાટીએ છે. ઓવરઑલ ક્રૂડ તેલના ભાવ જો ઝડપથી વધશે તો ઇન્ફ્લેશનનું પ્રેશર વધશે અને બૉન્ડ-માર્કેટે ઇન્ફ્લેશન આગામી દિવસોમાં ઊંચું જશે એનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. ઇન્ફ્લેશનના વધારાને રોકવા ફેડરલ રિઝર્વ અને અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો ૨૦૨૩ના આરંભે કેવું સ્ટૅન્ડ અપનાવે છે એના પર સોના-ચાંદીની વધુ તેજીની દિશા નક્કી થશે. રિસેશનના સંકેતોને અવગણીને સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો રિસેશન મોટું અને લાંબું હશે જે સોનામાં ઝડપી તેજી લાવશે, પણ જો સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ ઘટાડશે તો ડૉલર તૂટતાં સોનામાં તેજી થશે. બન્ને શક્યતાઓમાં સોનું વધશે એ નક્કી છે, પણ તેજીની ગતિ સેન્ટ્રલ બૅન્કોના નિર્ણયના આધારે નક્કી થશે.