મુંબઈમાં સોનું-ચાંદી સતત ચોથા દિવસે ઘટ્યાં ચાંદી ચાર દિવસમાં ૪૫૪૭ રૂપિયા તૂટી

11 October, 2024 08:51 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ફેડમાં રેટ-કટ વિશે મતમતાંતર હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનું દિશાવિહીન : ચીને ઇકૉનૉમીને બૂસ્ટ કરવા સ્વૅપ ફૅસિલિટી ઉપલબ્ધ કરતાં સોનાની ડિમાન્ડ વધવાની ધારણા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ફેડની સપ્ટેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં રેટ-કટ વિશે મતમતાંતરો હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનું ટૂંકી વધ-ઘટે દિશાવિહીન હતું. 

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ સતત ચોથા દિવસે ઘટ્યો હતો. ગઈ કાલે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૧ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૦૮ ઘટ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા ચાર દિવસમાં ૧૧૨૬ રૂપિયા અને ચાંદીનો ભાવ ૪ દિવસમાં ૪૫૪૭ રૂપિયા ઘટ્યો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ગુરૂવારે વધુ સ્ટ્રોગ થઇને બે મહિનાની ઊંચી સપાટીએ ૧૦૨.૯૭ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૨.૯૪ થી ૧૦૨.૯૫ પૉઇન્ટની રેન્જમાં હતો. ફેડના મેમ્બરો ૨૫ કે ૫૦ બેસીસ પૉઇન્ટના રેટકટ બાબતે જુદા જુદા મતો ધરાવતાં હોવાનું ફેડની સપ્ટેમ્બરમાં યોજાયેલી મિટિંગની મિનિટ્સમાંથી તારણ નીકળતું હતું જો કે ૨૫ બેસીસ પૉઇન્ટના રેટકટ માટે બહુમતિ મેમ્બરો સહમત હોઇ ૨૫ બેસીસ પૉઇન્ટના રેટકટની ધારણાએ ડૉલર સતત ચોથે દિવસે વધ્યો વધ્યો હતો વળી અન્ય કરન્સી નબળી હોઇ ડૉલરને સપોર્ટ મળ્યો હતો. 

અમેરિકન ફેડની સપ્ટેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં કેટલાક મેમ્બરો ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટ માટે સહમત હતા, પણ ફેડ ગવર્નર બોમેને ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટનો વિરોધ કરીને ૨૫ બેસિસ પૉઇન્ટના રેટ-કટની તરફેણ કરી હતી. ફેડના તમામ મેમ્બરો ઇન્ફ્લેશન ઘટવા બાબતે પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા અને ફેડનો બે ટકાનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ હવે નજીકના ભવિષ્યમાં અચીવ થશે એવું મોટા ભાગના માનતા હતા. ‍અ મેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ-રેટ ૪ ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૨ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૩૬ પૉઇન્ટે પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત મૉર્ગેજ રેટ વધ્યા હતા અને બે મહિનાનીઊંચાઈએ પહોંચ્યા હતા. જમ્બો રેટ ૧૪ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૬૪ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ૫.૧ ટકા ઘટ્યો હતો.  ચીનમાં સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇકૉનૉમીને બૂસ્ટ કરવા એકધારાં પગલાં લેવાઈ રહ્યાં છે. નૅશનલ ડે હૉલિડે પહેલાં રેપો રેટ, લૅન્ડિંગ રેટ, મૉર્ગેજ રેટમાં ખાસ્સો એવો ઘટાડો કર્યા બાદ ગુરુવારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૫૦૦ અબજ યુઆનની સ્વૅપ ફૅસિલિટી ઉપલબ્ધ કરાવી હતી, જેને કારણે ચીનના ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઍસેટને કૉલેટરલ તરીકે ઉપયોગ કરી શકાશે, જેને કારણે સ્ટૉક માર્કેટમાં લિક્વિડિટી ઊભી થતાં માર્કેટ ઘટતું અટકશે. બુધવારે ચાઇનીઝ શૅરબજારમાં મોટો કડાકો બોલતાં સેન્ટ્રલ બૅન્કે આ પગલું લીધું હતું. સ્વૅપ ફૅસિલિટીથી માર્કેટમાં ઇઝીમનીનો ફ્લો વધતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણા છે. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 

મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ટેન્શન વચ્ચે છેલ્લા બે દિવસથી યુદ્ધસમાપ્તિની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ છે. લેબૅનનના સત્તાધીશો દ્વારા યુદ્ધસમાપ્તિની પહેલ કરવામાં આવી હોવાનું વર્લ્ડનાં કેટલાંક મીડિયા બતાવી રહ્યાં છે છતાં ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુના તેવર હજી પણ આક્રમક હોવાથી કેટલાક ઍનલિસ્ટોના મતે યુદ્ધસમાપ્તિની શક્યતા ઓછી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. યુદ્ધસમાપ્તિની ચર્ચા વચ્ચે સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઘટી રહી છે એની સાથે ફેડની મીટિંગમાં ૨૫ બેસ‌િસ પૉઇન્ટથી વધારે રેટ-કટ નહીં આવે એવું નિશ્ચિત મનાવા લાગતાં ડૉલર ઇન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું છે છતાં હજી ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટની આશા કેટલાક ઍનલિસ્ટો હજી રાખી રહ્યા છે. ફેડના રેટ-કટ માટે સપ્ટેમ્બરનું કન્ઝ્‍યુમર ઇન્ફ્લેશન નિર્ણાયક હોવાથી સોનાની તેજીનું ભાવિ પણ એના પરથી નક્કી થશે.

ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૪,૮૩૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ):  ૭૪,૫૩૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ):  ૮૮,૩૫૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market mumbai america china israel iran diamond market indian economy business news