ચીન, જપાન, હૉન્ગકૉન્ગ, સિંગાપોરમાં લુનર ન્યુ યરની રજાના માહોલથી સોનામાં નરમાઈ

13 February, 2024 06:58 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ઇન્ફ્લેશન અને રીટેલ સેલ્સના ડેટાની જાહેરાત પહેલાં નવી લેવાલી અટકી: મુંબઈમાં ચાંદી સતત ત્રીજા દિવસે વધી, ત્રણ દિવસમાં ચાંદીમાં ૧૨૭૪ રૂપિયાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

લુનર ન્યુ યરની રજાઓને કારણે ચીન, જપાન, હૉન્ગકૉન્ગ, સિંગાપોરની માર્કેટો બંધ હોવાથી સોનામાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૩ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૦૨ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ ૭૦,૦૦૦ રૂપિયાની નીચે ઊતરી ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી વધી રહ્યો છે. ચાંદીનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૧૨૭૪ રૂપિયા વધ્યો હતો. 

વિદેશ પ્રવાહ
ચીન, જપાન, હૉન્ગકૉન્ગ, સિંગાપોર વગેરે દેશોમાં લુનાર ન્યુ યરની રજાનો માહોલ હોવાથી સોનાની વ્યાપારી ગતિવિધ સાવ અટકી ગઈ હતી, જેને કારણે સોનામાં નરમાઈ જોવા મળી હતી. અમેરિકાનું જાન્યુઆરી મહિનાનું ઇન્ફ્લેશન ઘટીને આવવાની ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો અને સોનું પણ ઘટ્યું હતું. અમેરિકન ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાનો નિર્ણય લેવા માટે આગામી ઇકૉનૉમિક ડેટા પર વધારે નિર્ભર હોવાથી દરેક ઇકૉનૉમિક ડેટાનું મહત્ત્વ વધી ગયું છે. મંગળવારે જાહેર થનારા અમેરિકાના જાન્યુઆરી મહિનાના ઇન્ફ્લેશન ડેટા અને શુક્રવારે જાહેર થનારા રીટેલ સેલ્સના ડેટા પહેલાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ઘટીને ૨૦૧૯.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૦થી ૨૦૨૧ ડૉલરની રેન્જમાં હતું. અમેરિકન ડૉલરના ઘટાડાના પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૦.૦૯ ટકા ઘટીને ૧૦૪.૦૨ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. શુક્રવારે જાહેર થયેલા ડિસેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના રિવાઇઝડ્ ડેટામાં માત્ર ૦.૨ ટકાનો વધારો બતાવ્યો હતો જે મેઇન રિપોર્ટમાં ૦.૩ ટકાનો ઘટાડો બતાવ્યો હતો જેને કારણે ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. હાલ ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરે એવા ચાન્સ નથી, પણ મે મહિનાની મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટર રેટમાં ઘટાડો કરે એના ચાન્સ હજી પણ ૬૩.૨ ટકા છે જેને કારણે ડૉલર ઘટી રહ્યો છે. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૪.૧૬ ટકાએ જળવાયેલાં હતાં. 

ચાલુ સપ્તાહે મંગળવારે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે જે ત્રણથી ૩.૧ ટકા આવવાની ધારણા છે. ડિસેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન ૩.૪ ટકા રહ્યું હતું. અમેરિકાના ઇન્ફ્લેશનનો ફેડનો ટાર્ગેટ બે ટકાનો છે ત્યારે ગયા જૂન મહિનામાં ઇન્ફ્લેશન ઘટીને ત્રણ ટકા થયા બાદ સતત ત્રણ મહિના વધતું રહ્યું હતું અને ઑગસ્ટમાં ઇન્ફ્લેશન વધીને ૩.૭ ટકા થયા બાદ ત્યાર બાદના બે મહિના ઘટતું રહ્યું અને નવેમ્બરમાં ઇન્ફ્લેશન ઘટીને ૩.૧ ટકા થયા બાદ ડિસેમ્બરમાં ઇન્ફ્લેશન ફરી વધીને ૩.૪ ટકા થયું હતું. જુલાઈ ૨૦૨૨માં ઇન્ફ્લેશન સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ ૯.૨ ટકાની સપાટીએ પહોંચ્યું હતું. ફેડે ઇન્ટરેસ્ટ રેટને ૦.૧૦ ટકાથી ૫.૫૦ ટકા સુધી લાવીને ઇન્ફ્લેશનને કાબૂમાં લાવ્યું છે.

અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા ઉપરાંત રીટેલ સેલ્સ, પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન અને કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. આ તમામ ઇકૉનૉમિક ડેટા અમેરિકાની ઇકૉનૉમિક ક​ન્ડિશનની સ્થિતિ જાણવા માટે બહુ જ અગત્યના છે. અમેરિકાની જાયન્ટ કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોની મોસમ પણ હજી પૂરી થઈ નથી. ચાલુ સપ્તાહે કોકા કોલા, ઍરબીએનબી, ઝોટિસ, કિસ્કો વેગેરે કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો જાહેર થશે. ચાલુ સપ્તાહે ભારત, બ્રિટન, ​સ્વિટ્ઝરલૅન્ડ અને રશિયાના ઇન્ફ્લેશનના ડેટા પણ જાહેર થશે. ઉપરાંત બ્રિટનના ચોથા ક્વૉર્ટરનો ગ્રોથરેટ, ઇન્ફ્લેશન અને અનએમ્પ્લૉયમેન્ટ ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ચીનના લુનર ન્યુ યરની રજાઓ આખું સપ્તાહ હોવાથી ચાલુ સપ્તાહે સોના-ચાંદીની માર્કેટમાં રજાનો માહોલ હશે. ચીન ઉપરાંત હૉન્ગકૉન્ગ, જપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની માર્કેટો પણ બંધ રહેશે. અમેરિકાના ઇન્ફ્લેશન અને રીટેલ સેલ્સના બે અગત્યના ઇકૉનૉમિક ડેટા ચાલુ સપ્તાહે આવવાના હોવા છતાં ચીન તથા અન્ય દેશોમાં રજાને કારણે સોના-ચાંદીમાં મોટી વધ-ઘટ જોવા નહીં મળે. ચીનમાં લુનર ન્યુ યરની રજાઓ પૂરી થયા બાદ આગામી સપ્તાહે સોનાની ફિઝિકલ ડિમાન્ડ કેવી રહે છે એની મોટી અસર માર્કેટમાં જોવા મળશે. ઉપરાંત ચીનની સેન્ટ્રલ બૅન્ક છેલ્લા પંદર મહિનાથી ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહી છે અને છેલ્લા પંદર મહિનામાં ચીનની સેન્ટ્રલ બૅન્કે કુલ ૩૦૦ ટન સોનાની ખરીદી કરી હતી. આમ સોનાના ભાવનો ટ્રેન્ડ જાણવા માટે ૧૯મી ફેબ્રુઆરીથી શરૂ થતું સપ્તાહ અનેક રીતે મહત્ત્વનું સાબિત થશે. 

સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમ ચાલુ થઈ  : ૧૬ ફેબ્રુઆરીએ બંધ થશે
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ૨૦૧૫માં શરૂ થયેલી અને જબ્બર સફળતા મેળવેલી સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમની ૨૦૨૪ના પહેલા તબક્કાની સ્કીમ ૧૨મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકી છે. એનો ૧૬ ફેબ્રુઆરીએ અંત આવશે. આ સ્કીમ માટે સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ૬૨૬૩ રૂપિયા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નક્કી કર્યો છે. ઇન્વેસ્ટરો ડિઝિટલ પ્લૅટફૉર્મ દ્વારા આ સ્કીમમાં નાણાં રોકશે તો પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ઇન્વેસ્ટરો તમામ કમર્શિયલ બૅન્ક, પોસ્ટ ઑફિસ અને સ્ટૉક એક્સચેન્જ મારફત સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં નાણાં રોકી શકશે. ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં નાણાં રોકનારાઓ પાંચ વર્ષ પછી બૉન્ડ વેચીને નાણાં પરત મેળવી શકે છે. ગોલ્ડ બૉન્ડ સ્કીમ ટૅક્સ-ફ્રી છે. સૉવરિન ગોલ્ડ સ્કીમમાં વ્યક્તિગત રોકાણકારો ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલો સોનાની કિંમતનું રોકાણ કરી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ વધુમાં વધુ ૨૦ કિલો સુધી રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરનારાઓને વાર્ષિક અઢી ટકાનું વ્યાજ મળે છે.

business news share market stock market sensex nifty gold silver price