18 December, 2024 08:18 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫માં અમેરિકામાં ટ્રમ્પના શાસનકાળમાં ટ્રેડવૉરને કારણે ઇન્ફ્લેશન વધવાના સંકેતને પગલે રેટ-કટની અનિશ્ચિતતા વધતાં ડૉલરની મજબૂતી વધતાં સોનું ઘટ્યું હતું. વળી ભારતની સોનાની આયાત નવેમ્બરમાં ૩૩૧ ટકા વધ્યા બાદ ડિસેમ્બરમાં ૫૦ ટકા ઘટવાની ધારણા ટ્રેડ ઍનલિસ્ટો દ્વારા મુકાઈ હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું અને ચાંદી સતત ત્રીજે દિવસે ઘટ્યાં હતાં. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૪૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૯૦ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૧૬૮૫ રૂપિયા અને ચાંદીનો ભાવ ૪૭૭૫ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧૮ ટકા વધીને ૧૦૭.૦૮ પૉઇન્ટ સુધી વધ્યા બાદ ૧૦૭.૦૨થી ૧૦૭.૦૪ પૉઇન્ટે સ્ટેડી રહ્યો હતો. ફેડની શરૂ થયેલી બે દિવસની મીટિંગને અંતે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત મનાય છે, પણ ૨૦૨૫માં રેટ-કટની અનિશ્ચિતતા વધતાં ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો. ઉપરાંત બૅન્ક ઑફ જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવા બાબતે હજી પણ અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી અને યુરોપ-કૅનેડાની સેન્ટ્રલ બૅન્કે ઑલરેડી રેટ-કટ અમલી બનાવતાં આ તમામ કરન્સી નબળી પડતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ડિસેમ્બરમાં સતત છઠ્ઠે મહિને ઘટીને ૪૮.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯.૭ પૉઇન્ટ રહ્યો હતો અને માર્કેટની ૪૮.૯ પૉઇન્ટની ધારણા કરતાં નીચો રહ્યો હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૬.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૭ પૉઇન્ટની હતી. અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા હોવાથી અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ વધ્યો હોવાથી એની અસરે અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૪.૯ પૉઇન્ટ હતો.
ચીનની પૉલિટબ્યુરોની મીટિંગ દરમ્યાન બજેટ ડેફિસિટ ૨૦૨૫માં રેકૉર્ડ ઊંચાઈએ પહોંચવાનું પ્રોજેક્શન રજૂ થયું હતું. ૨૦૨૪માં ચીનની બજેટ ડેફિસિટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ની ત્રણ ટકા હતી જે ૨૦૨૫માં વધીને GDPના ચાર ટકા રહેવાનું પ્રોજેક્શન પૉલિટબ્યુરોની મીટિંગમાં મુકાયું હતું. જોકે ચીનનો ગ્રોથરેટ ૨૦૨૫માં પાંચ ટકા જળવાયેલો રહેવાનું પ્રોજેક્શન રજૂ થયું હતું.
યુરો એરિયાની નિકાસ ઑક્ટોબરમાં ૨.૧ ટકા વધવાની સામે આયાત ૩.૨ ટકા વધતાં ટ્રેડ સરપ્લસ ઘટીને ૬.૯ અબજ યુરો રહી હતી જે એક વર્ષ પહેલાં ૯.૪ અબજ યુરો હતી અને માર્કેટની ધારણા ૧૧.૭ અબજ યુરોની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકામાં ફેડની બે દિવસની મીટિંગ ચાલુ છે અને એમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાનું નિશ્ચિત છે, પણ હવે ૨૦૨૫માં ફેડ રેટ-કટ લાવશે કે કેમ એની ચર્ચાને આધારે સોના-ચાંદીમાં નવી વધ-ઘટ જોવા મળશે. અમેરિકાના ઇકૉનૉમિસ્ટોએ ૨૦૨૫માં ફેડ ચાર વખત રેટ-કટ લાવશે એવું પ્રોજેક્શન મૂક્યું છે, પણ ઍનલિસ્ટોના મતે ૨૦૨૫માં રેટ-કટ લાવવાનો નિર્ણય લેવાનો ફેડ માટે જરાય આસાન નહીં રહે, કારણ કે ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં અનેક દેશો સાથેના ટ્રેડ ડિસ્પ્યુટ પછી ઇન્ફ્લેશન ઘટવાને બદલે વધશે. વળી જિયોપૉલિટિકલ ટેન્શન ટ્રમ્પ સત્તા સંભાળે એ પછી ઘટી જવાના ચાન્સ પણ દિવેસે-દિવસે ઓછા થતા જતા હોવાથી એનર્જી આઇટમોના ભાવ ઊંચા જ રહેશે. આ તમામ શક્યતાઓ જોતાં જો ફેડ ધારણા પ્રમાણે રેટ-કટ નહીં લાવી શકે તો સોના-ચાંદીમાં ૨૦૨૪ જેવી તેજી ૨૦૨૫માં જોવા નહીં મળે. આવી જ આગાહી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પણ તાજેતરમાં કરી હતી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૩૬૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૦૫૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૫૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)