ચાંદીમાં ઝડપી ઘટાડો: મુંબઈમાં ત્રણ દિવસમાં ૪૨૩૯ રૂપિયાનો કડાકો

10 October, 2024 09:27 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ડૉલર વધીને સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં પીછેહઠ: ફેડની મીટિંગમાં પચાસને બદલે પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટના ચાન્સ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ફેડની આગામી ૭મી નવેમ્બરે યોજાનારી મીટિંગમાં પચાસ બેસિસ પૉઇન્ટને બદલે પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર વધીને સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો જેને કારણે સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટતાં વર્લ્ડ માર્કેટમાં સતત ત્રીજે દિવસે પીછેહઠ જોવા મળી હતી. 

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૧૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૭૫૧ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે ઘટ્યો હતો. સોનાનો ભાવ ત્રણ દિવસમાં ૯૫૫ રૂપિયા અને ચાંદીનો ભાવ ત્રણ દિવસમાં ૪૨૩૯ રૂપિયા ઘટ્યો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર બે દિવસ ઘટ્યા બાદ બુધવારે ફરી વધીને સાત સપ્તાહની ઊંચાઈએ ૧૦૨.૭૨ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૨.૬૪થી ૧૦૨.૬૭ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડ સતત બીજી મીટિંગમાં પચાસ બેસિસ પૉઇન્ટના રેટ-કટની જાહેરાત કરતાં કરન્સી બ્લૉકમાં ડૉલરને મજબૂતી મળી હતી. ઉપરાંત નવેમ્બરના પહેલા સપ્તાહમાં મળનારી ફેડની મીટિંગમાં હવે પચાસ બેસિસ પૉઇન્ટને બદલે પચીસ બેસિસ પૉઇન્ટનો જ રેટ-કટ આવવાના ચાન્સ વધતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. મિડલ ઈસ્ટમાં વધી રહેલા ટેન્શન વચ્ચે ડૉલરનું સેફ હેવન સ્ટેટ્સ સ્ટ્રૉન્ગ બનતાં ડૉલરમાં લેવાલી વધી હતી. 

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૦.૮ પૉઇન્ટ વધીને દોઢ મહિનાની ઊંચાઈએ ૪૬.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સતત ચોથે મહિને વધ્યો હતો. જોકે માર્કેટની ૪૭.૨ પૉઇન્ટની ધારણા કરતાં ઓછો વધ્યો હતો. અમેરિકન પબ્લિકની ફાઇનૅન્શિયલ સ્થિતિ આગામી છ મહિનામાં કેવી રહેશે એ બતાવતો ઇન્ડેક્સ ૦.૪ પૉઇન્ટ વધીને ૫૩.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે આગામી છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૨.૫ પૉઇન્ટ વધીને ૪૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પરના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ ૪૦.૨ પૉઇન્ટથી ઘટીને ૩૯.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઇન્વેસ્ટરના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ ૫૨.૯ ટકાથી વધીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. 
અમેરિકાની એક્સપોર્ટ ઑગસ્ટમાં બે ટકા વધીને ૨૭૧.૮ અબજ ડૉલરે પહોંચી હતી, પણ ઇમ્પોર્ટ ૦.૯ ટકા ઘટીને ૩૪૨.૨ અબજ ડૉલર રહી હતી જેને કારણે ટ્રેડ-ડેફિસિટ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૭૦.૪ અબજ ડૉલરે પહોંચી હતી જે જુલાઈમાં ૭૮.૯ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૭૦.૬ અબજ ડૉલરની હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

જિયોપૉલિટિકલ ટેન્શન વિરુદ્ધ મૉનિટરી પૉલિસીની દૃષ્ટિએ હાલ સોનાની માર્કેટમાં મૉનિટરી પૉલિસીની ઇફેક્ટ વધારે છે, કારણ કે જિયોપૉલિટિકલ ટેન્શન હવે રૂટીન બની રહ્યું છે. ઉપરાંત જિયોપૉલિટિકલ ટેન્શનની ગ્લોબલ ઇમ્પેક્ટ દેખાતી નથી. ઇઝરાયલ, ઈરાન, લેબૅનન, પૅલેસ્ટીન, યમન વગેરે દેશોની આપસી લડાઈ રીજનલ ફૅક્ટર બન્યું હોવાથી એની ગ્લોબલ ઇમ્પેક્ટ પડી રહી નથી. મૉનિટરી પૉલિસીની દૃષ્ટિએ અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા જોતાં ફેડ પચીસ બેસિસ પૉઇન્ટથી વધુનો રેટ-કટ લાવવાની સ્થિતિમાં નથી. ઉપરાંત અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં કમલા હૅરિસનું પલડું ભારી બની રહ્યું હોવાથી કૉન્ટ્રોવર્શિયલ વૅલ્યુ ડાઉન થતાં સોનાની તેજીને સપોર્ટ મળતો બંધ થયો છે. અધૂરામાં પૂરું વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ધારણાથી વધુપડતી ધીમી પડી ચૂકી છે. હવે માત્ર ચીન અને ભારતની સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં આગામી ફે​સ્ટિવલ દિવસોમાં ધારણાથી ઘણો મોટો વધારો થાય તો જ સોનાની તેજીને સપોર્ટ મળી શકે છે અન્યથા હાલ સોનામાં ઘટાડાતરફી માહોલ રહેવાની ધારણા છે. 

ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૦૦૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૪,૭૦૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૬૬૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price america diamond market mumbai india china news business news commodity market