અમેરિકામાં રિસેશન, બૅન્કિંગ ક્રાઇસિસ બાબતે નવા ડેવલપમેન્ટના અભાવે સોનામાં સતત ઘટાડો

19 May, 2023 03:44 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાની ડેબ્ટ સીલિંગ લિમિટની મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાવાના સંકેતને પગલે ડૉલરની મજબૂતી વધી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકામાં રિસેશન અને બૅન્કિંગ ક્રાઇસિસ બાબતે નવું કોઈ ડેવલપમેન્ટ થયું ન હોવાથી ડૉલર વધ્યો હતો. વળી અમેરિકાની ડેબ્ટ સીલિંગ લિમિટની મડાગાંઠ ઉકેલાવાના સંકેતને પગલે ડૉલરની મજબૂતી વધી હતી, જેને કારણે સોનામાં સતત ચોથા સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૧૨ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકામાં રિસેશનની શક્યતા હાલપૂરતી દેખાવાની બંધ થઈ છે. બૅન્કિંગ ક્રાઇસિસના કોઈ નવા સમાચાર નથી અને અમેરિકાની ડેબ્ટ સીલિંગ વધારવાની મડાગાંઠ ઉકલી જશે એવા સંકેતને પગલે ડૉલર છેલ્લાં ચાર સેશનથી એકધારો વધી રહ્યો હોવાથી એને પગલે ડૉલર સુધરી રહ્યો છે આથી સોનું ઘટી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૧૯૭૧.૫૦ ડૉલર થયું હતું, જે ગુરુવારે સાંજે ૧૯૭૫થી ૧૯૭૬ ડૉલર હતું. સોનું ઘટતાં ચાંદી અને પૅલેડિયમ સુધર્યાં હતાં, પણ પ્લૅટિનમ સ્ટેડી હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને સાત ટકાએ પહોંચ્યું હતું, જે માર્ચમાં ૧૩ મહિનાની નીચી સપાટીએ ૬.૯ ટકા હતું. એનર્જી પ્રાઇસ એપ્રિલમાં ૨.૪ ટકા વધ્યા હતા, જે માર્ચમાં ૦.૯ ટકા ઘટ્યા હતા. સૌથી વધુ સર્વિસિસ પ્રાઇસ ૫.૨ ટકા વધી હતી. જોકે ફૂડ, આલ્કોહૉલ અને ટબૅકો પ્રાઇસ ઘટ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન સાડાત્રણ ગણું હોવાથી આગામી મીટિંગમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લેશે એની શક્યતા ઇન્ફ્લેશનના ડેટા પછી વધી હતી. ફૂડ અને એનર્જી સિવાયની આઇટમોનું ઇન્ફ્લેશન વધીને ૫.૭ ટકાની ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું એ બતાવે છે કે ઇન્ફ્લેશનમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. 

અમેરિકન ડૉલર છેલ્લાં બે સેશનથી સતત વધી રહ્યો છે જે ગુરુવારે વધીને ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને હાઉસ સ્પીકર કેવીન મેકક્રેથીએ ડેબ્ટ લિમિટ વધારવાની મડાગાંઠ ઉકેલવાનો સંકેત આપ્યો હતો અને અમેરિકન ગવર્નમેન્ટ સૂચિત ડિફૉલ્ટને ટાળશે. આ નવા ડેવલપમેન્ટ અને ફેડના તમામ ઑફિશ્યલ્સની ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરતી કમેન્ટને પગલે ડૉલરને સતત મજબૂતી મળી રહી છે. જૂન મહિનામાં ફેડ સતત અગિયારમી વખત ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. 

અમેરિકાની બિલ્ડિંગ પરમિટ એપ્રિલમાં ૧.૫ ટકા ઘટીને ૧૪.૧૬ લાખે પહોંચી હતી જે સતત બીજે મહિને ઘટી હતી અને માર્કેટની ૧૪.૨૭ લાખની ધારણા કરતાં ઓછી રહી હતી. અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ સતત વધી રહ્યા હોવાથી અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થતાં હાઉસિંગ ડિમાન્ડ સતત ઘટી રહી છે. સિંગલ ફૅમિલી બિલ્ડિંગ પરમિટ ૩.૧ ટકા વધી હતી, પણ મલ્ટિ સેગમેન્ટ માટેના બિલ્ડિંગની પરમિટ ૭.૭ ટકા ઘટી હતી. જોકે અમેરિકામાં હાઉસિંગ સ્ટાર્ટ એપ્રિલમાં ૨.૨ ટકા વધીને ૧૪.૦૧ લાખે પહોંચ્યા હતા, જેના વિશે માર્કેટની ધારણા ૧૪ લાખની હતી. માર્ચમાં હાઉસિંગ સ્ટાર્ટ ૧૩.૭ લાખ હતા. 

અમેરિકામાં ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૧૨ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૯ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૫૭ ટકાએ પહોંચ્યા હતા, જે છેલ્લા બે મહિનાના સૌથી ઊંચા હતા. મૉર્ગેજ રેટ વધતાં અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૨૧ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૫.૭ ટકા ઘટી હતી, જે અગાઉના સપ્તાહે ૬.૩ ટકા વધી હતી. રિફાઇન્સ હોમ લોન માટેની ઍપ્લિકેશન ૭.૭ ટકા ઘટી હતી, જ્યારે હોમ લોન માટેની ઍપ્લિકેશન ૪.૮ ટકા ઘટી હતી. 

જપાનની એક્સપોર્ટ એપ્રિલમાં ૨.૬ ટકા વધી હતી, જે માર્ચમાં ૪.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ત્રણ ટકા વધારાની હતી. જપાનની એક્સપોર્ટ સતત ૨૬મા મહિને વધી હતી, પણ એક્સપોર્ટ ગ્રોથ ૨૬ મહિનાનો સૌથી ઓછો રહ્યો હતો. જપાનની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૨.૩ ટકા ઘટી હતી જે છેલ્લા ૨૭ મહિનામાં પ્રથમ વખત ઘટી હતી. માર્ચમાં ઇમ્પોર્ટ ૭.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી. જપાનની ઇમ્પોર્ટ ઘટતાં ટ્રેડ ડેફિસિટ ઘટીને ૪૩૨.૪ અબજ યેન રહી હતી, જે એક વર્ષ અગાઉ ૮૫૪.૯ અબજ યેન હતી અને માર્કેટની ધારણા ૬૧૩.૮ અબજ યેનની હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો રોકશે એવી શક્યતાઓ હવે ઘટી રહી છે, કારણ કે અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવી રહ્યા છે, પણ હજી રિસેશનની શક્યતા દેખાતી નથી. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન જાહેર થયેલા અમેરિકાના ઇકૉનૉમિક ડેટા મિશ્ર છે. ઉદાહરણ તરીકે મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ બે મહિના ઘટ્યા બાદ ફરી સુધર્યો હતો. અમેરિકાના કેટલાક પ્રકારના હાઉસિંગ ડેટા સ્ટ્રૉન્ગ છે તો કેટલાક નબળા છે. આવી જ સ્થિતિ જૉબડેટાની હોવાથી ફેડના મોટા ભાગના મેમ્બરો હાલ ઇન્ફ્લેશનને ફરી બે ટકા સુધી નીચો લાવવાની બાબતને વધુ મહત્ત્વ આપી રહ્યા છે અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની હિમાયત કરી રહ્યા છે, જેને કારણે ડૉલર સુધરી રહ્યો છે અને સોનું ઘટી રહ્યું છે. અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ વધારો રિયલ ટાઇમ અટકશે નહીં ત્યાં સુધી સોનામાં નવેસરથી તેજીનો આરંભ થશે નહીં.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ: ૬૦,૪૭૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ: ૬૦,૨૩૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ: ૭૧,૪૯૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation