25 April, 2023 04:57 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ૧૧ મહિનાની ઊંચી સપાટીએ એપ્રિલમાં પહોંચવાની ધારણાને પગલે સોનામાં તેજીની પકડ ઢીલી પડી હતી અને સોનું શુક્રવારથી સતત ૨૦૦૦ ડૉલરની નીચે ટ્રેડ કરી રહ્યું છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૮૩ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં બુલિશ રહેવાના અનુમાનને પગલે ડૉલર સુધરતાં સોનામાં તેજી નબળી પડી હતી. ગયા શુક્રવારે અમેરિકાના ડેટા જાહેર થયા બાદ સોનું સતત ૨૦૦૦ ડૉલરની નીચે રહ્યું છે. શુક્રવારે એક તબક્કે સોનું ઘટીને ૧૯૭૧.૩૦ ડૉલર થયા બાદ સોમવારે સોનું એક તબક્કે સુધરીને ૧૯૮૮ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ સોમવારે સાંજ સુધી સોનું ૧૯૮૫થી ૧૯૮૬ ડૉલરની રેન્જમાં રહ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૪૯.૨ પૉઇન્ટ હતો. છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ પૉઝિટિવ જોવા મળ્યો હતો. જૉબ ક્રીએશન ગ્રોથ આઠ મહિનાની ઊંચાઈએ પહોંચતાં પ્રોડક્શન લેવલ પણ વધ્યા હતા, જેને નવા ઑર્ડરના ગ્રોથનો સપોર્ટ મળ્યો હતો. ઇન્ફ્લેશન ઊંચું હોવાથી ગ્રોથમાં થોડી તકલીફ હતી, પણ અન્ય ફૅક્ટરો પૉઝિટિવ હતાં.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૫૩.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૨.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં ન્યુ બિઝનેસ ગ્રોથ સતત બીજે મહિને વધ્યો હતો અને આ ગ્રોથ અગિયાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ઇન્ફ્લેશન વધતાં ઇન્પુટ અને સેલિંગ પ્રાઇસ બન્ને વધ્યા હતા અને એમ્પ્લૉયમેન્ટ લેવલ વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં તેમ જ અમેરિકન જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ૭૭.૬ ટકા શૅર ધરાવતા સર્વિસ સેક્ટરનો ગ્રોથ એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ ૫૩.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૨.૩ પૉઇન્ટ હતો. અમેરિકાની પ્રાઇવેટ સેક્ટરની ફર્મમાં ન્યુ ઑર્ડરનો ગ્રોથ પણ અગિયાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધતાં બિઝનેસ કૉન્ફિડન્સ છેલ્લા અગિયાર મહિનાનો સેકન્ડ હાઇએસ્ટ હતો.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૧૦૧.૮ના લેવલે સ્ટેડી હતો. અમેરિકાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા ધારણા કરતાં સારા આવતાં અને ફેડના મોટા ભાગના ઑફિશ્યલ્સ ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી લાવવા ઇન્ટરેસ્ટ રેટ વધારાને સમર્થન આપતા હોવાથી ડૉલરમાં મજબૂતી જળવાયેલી હતી. મે મહિનાના પ્રારંભે યોજાનારી ફેડની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો નક્કી હોવાથી ડૉલરને સપોર્ટ મળ્યો હતો.
યુરો એરિયાની બજેટ ડેફિસિટ ૨૦૨૨માં ૩.૬ ટકા ઘટી હતી જે ૨૦૨૧માં ૫.૩ ટકા વધી હતી. ઇટલીની બજેટ ડેફિસિટ વધી હતી, જ્યારે સ્પેન, ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્સની બજેટ ડેફિસિટ ઘટી હતી. યુરોપિયન યુનિયન ગવર્નમેન્ટની બજેટ ડેફિસિટ જીડીપીની ૩.૪ ટકા ૨૦૨૨માં રહી હતી જે ૨૦૨૧માં જીડીપીના ૪.૮ ટકા હતી. બજેટ ડેફિસિટ ઘટતાં ગવર્નમેન્ટ ડેબ્ટનો રેશિયો જીડીપીનો ઘટીને ૨૦૨૨માં ૯૧.૫ ટકાએ પહોંચ્યો હતો જે ૨૦૨૧માં ૯૫.૪ ટકા હતો, જ્યારે યુરોપિયન યુનિયનમાં ગવર્નમેન્ટ ડેબ્ટ જીડીપીના ૮૪ ટકાએ પહોંચી હતી જે ૨૦૨૧માં ૮૮ ટકાએ હતી. ચાલુ સપ્તાહે અમેરિકાની હેવી વેઇટ અનેક કંપનીઓનાં રિઝલ્ટ જાહેર થવાનાં છે, જેમાં માઇક્રોસૉફ્ટ, આલ્ફાબેટ, ફેસબુક, ઍમેઝૉન, કોકો-કોલા, વીઝા, બોઇંગ, માસ્ટરકાર્ડ અને એકઝૉન મોબિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકાના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથ રેટનો પહેલો એસ્ટિમેટ પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકાના અગત્યના અનેક ઇકૉનૉમિક ડેટા જેમાં પર્સનલ ઇન્કમ અને સ્પેન્ડિંગ, પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ, ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર તથા ન્યુ હોમ સેલ્સના ડેટા જાહેર થશે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ઇન્ટરેસ્ટ રેટના વધારા વિશેનો ટોન છેલ્લા સપ્તાહમાં બદલ્યો હતો. અત્યાર સુધી ફેડ મે મહિનામાં છેલ્લો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરશે અને ત્યાર બાદ ૨૦૨૩ના અંત પહેલાં એક વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવી વાત હતી, પણ છેલ્લા સાત-આઠ દિવસથી ફેડના તમામ મેમ્બર ઇન્ટરેસ્ટ રેટમાં લાંબો સમય વધારો કરવાનું ચાલુ રાખવું પડશે એવી વાત કહી રહ્યા છે અને મે મહિનાની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ જૂન કે જુલાઈમાં પણ બીજો ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો આવશે એવા સંકેતો આવી રહ્યા છે. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ છેલ્લા છ મહિનાથી ઘટતો હતો એમાં જૉબ ઑપનિંગ ડેટા અને રીટેલ સેલ્સના ડેટા પણ નબળા આવતાં ઇન્ટરેસ્ટ રેટ મે મહિના પછી નહીં વધે એવી વાતો મજબૂત બની રહી હતી, પણ હવે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકાનો એપ્રિલ મહિનાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ છ મહિના પછી પ્રથમ વખત સ્ટ્રૉન્ગ આવ્યો છે. વળી અમેરિકાનું ઇન્ફ્લેશન એક વખત ગયા જુલાઈમાં વધીને ૯.૧ ટકાએ પહોંચ્યું હતું એ ઘટીને પાંચ ટકાએ આવતાં ફેડના મેમ્બરોને હવે બે ટકાનો ટાર્ગેટ નજીક દેખાવા લાગ્યો હોવાથી તેઓ વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારાની ભલામણ કરી રહ્યા છે. જો જૂન કે જુલાઈમાં વધુ એક ઇન્ટરેસ્ટ રેટ વધારો આવશે તો સોનામાં તેજીની આગેકૂચને બ્રેક લાગી શકે છે અને ફરી સોનું એક વખત ૧૯૦૦ ડૉલર નજીક આવી શકે છે એટલે કે સોનામાં ઘટાડાનો દોર ચાલુ થઈ શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૦૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૮૪૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૩૯૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)