05 July, 2024 07:13 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૨,૪૬૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૨,૧૭૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૦,૦૧૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)
અમેરિકાના સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા, અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ, પ્રાઇવેટ સેક્ટરના જૉબ ડેટા સહિત તમામ ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં રેટ-કટના ચાન્સ વધ્યા હતા જેને પગલે સોનામાં નવી તેજી જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૩૬૨.૪૦ ડૉલર થયા બાદ ગુરુવારે સાંજે ૨૩૫૮થી ૨૩૫૯ ડૉલરની રેન્જમાં હતું. અધૂરામાં પૂરું ઇઝરાયલે હિઝબુલ્લા કમાન્ડરને ઠાર કરતાં લેબૅનન સાથે ટેન્શન વધતાં જિયોપૉલિટિકલ ટેન્શનનો પણ સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૨૦ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન સર્વિસ સેક્ટરનો ગ્રોથ જૂનમાં ઘટીને ૪૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૩.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથનો ઘટાડો છેલ્લાં પાંચ વર્ષનો સૌથી મોટો હતો. અમેરિકન એક્સપોર્ટ મે મહિનામાં ૦.૭ ટકા અને ઇમ્પોર્ટ ૦.૩ ટકા ઘટી હતી જેને કારણે ટ્રેડ ડેફિસિટ વધીને ૨૦ મહિનાની ઊંચી સપાટીએ ૭૫.૧ અબજ ડૉલરે પહોંચી હતી.
અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ જૂનના છેલ્લા સપ્તાહમાં ૪૦૦૦ વધીને ૨.૩૮ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૩૫ લાખની ધારણા કરતાં વધુ હતા તેમ જ ૧૦ મહિનાની ઊંચાઈ નજીક પહોંચ્યા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૬,૦૦૦ વધીને ૧૮.૫૮ લાખે પહોંચ્યા હતા.
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં જૂન મહિનામાં ૧.૫૦ લાખ નવી રોજગારી ઊભી થઈ હતી જે છેલ્લા પાંચ મહિનાની સૌથી ઓછી હતી અને માર્કેટની ૧.૬૦ લાખની ધારણા કરતાં ઓછી હતી. મે મહિનામાં પ્રાઇવેટ સેક્ટરમાં ૧.૫૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે ઘટીને ૧૦૫.૩૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે બે દિવસ અગાઉ ૧૦૬ પૉઇન્ટની નજીક હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની સ્પીચનો ટોન રેટ-કટ તરફ હોવાથી અને અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા આવતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યો હતો.
અમેરિકન ફેડની જૂનમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં પણ રેટ-કટ બાબતે મેમ્બરોમાં ભારે મતભેદ હોવાનું જણાયું છે. કેટલાક મેમ્બરો ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી ન આવે ત્યાં સુધી રેટ-કટ બાબતે કોઈ નિર્ણય ન લેવો એવું માની રહ્યા છે ત્યારે કેટલાક મેમ્બરો રેટ-કટ બાબતે ઉતાવળિયું વલણ બતાવી રહ્યા છે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના શ્રેણીબદ્ધ ઇકૉનૉમિક ડેટા ફરી એક વખત નબળા આવતાં રેટ-કટના ચાન્સિસ વધ્યા છે. જોકે ૨૦૨૪ના આરંભથી રેટ-કટના ચાન્સિસ છાશવારે વધે છે, પણ હજી સુધી રેટ-કટનો નિર્ણય આવ્યો નથી. ૨૦૨૩ના અંતમાં ફેડરલ રિઝર્વે ૨૦૨૪માં ત્રણ વખત રેટ-કટ આવવાની જાહેરાત કરી હતી ત્યારથી રેટ-કટ બાબતે ‘વાઘ આવ્યો... વાઘ આવ્યો...’ એવું થઈ રહ્યું છે. ખેર, અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા બાદ ડૉલર ઘટ્યા બાદ રેટ-કટના ચાન્સિસ એજન્સીઓએ વધાર્યા છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડવૉચ સર્વેમાં સપ્ટેમ્બર મીટિંગમાં રેટ-કટના ચાન્સિસ વધીને ૭૨.૬ ટકા થયા છે જે બે દિવસ અગાઉ ૬૫.૩ ટકા હતા તેમ જ નવેમ્બર મીટિંગમાં રેટ-કટના ચાન્સિસ ૭૭.૩ ટકાથી વધીને ૮૨.૯ ટકા થયા છે અને ડિસેમ્બર મીટિંગમાં રેટ-કટના ચાન્સિસ ૯૪.૨ ટકાથી વધીને ૯૫.૩ ટકા થયા છે. આગામી એક સપ્તાહમાં જો રેટ-કટના ચાન્સિસ વધુ વધશે તો સોનું ૨૪૦૦ ડૉલરની સપાટીને પાર કરીને ૨૫૦૦ ડૉલરની સપાટી તરફ પ્રયાણ કરશે.