10 January, 2023 03:08 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા હોવાથી ડૉલરના ઘટાડાને પગલે સોનું વધીને આઠ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૭૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૦૩ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા છેલ્લા બે મહિનાથી નબળા આવી રહ્યા હોવાથી હવે રિસેશનની સ્થિતિ નજીક દેખાવા લાગી છે જેને કારણે અમેરિકન ડૉલર સતત ઘટી રહ્યો છે. સોમવારે ડૉલર ૦.૪ ટકા ઘટતાં સોનું વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૧૮૮૧.૬૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. જોકે આ લેવલે પ્રૉફિટ બુકિંગ વધતાં સોનું ૧૮૭૧થી ૧૮૭૨ ડૉલરની સપાટીએ સોમવારે સાંજે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી અને પૅલેડિયમના ભાવ વધ્યા હતા, પણ પ્લૅટિનમના ભાવ ઘટ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર સતત નબળો પડી રહ્યો છે, સોમવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૩.૫ના લેવલે પહોંચ્યો હતો જે એક તબક્કે વધીને ૧૧૫ના લેવલે ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા સતત નબળા આવી રહ્યા છે તેમ જ હાઉસિંગ માર્કેટમાં પણ નબળાઈ વધી રહી હોવાથી ફેડરલ રિઝર્વ ૨૦૨૩માં અગાઉના વર્ષની જેમ આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારો નહીં કરી શકે એ નિશ્ચિત હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ જપાન અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય આવશે તો એની સીધી અસરથી ડૉલર વધુ ઘટશે.
અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં ૨.૨૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, નવેમ્બરમાં ૨.૫૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, પરંતુ માર્કેટની ધારણા માત્ર બે લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી એની સરખામણીમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ડિસેમ્બરમાં ૩.૫ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૩.૬ ટકા રહ્યો હતો, જ્યારે માર્કેટની ધારણા ૩.૭ ટકાની હતી. અમેરિકામાં સતત બીજે મહિને માર્કેટની ધારણા કરતાં નવી નોકરીઓ વધુ ઉમેરાઈ હતી. જોકે નવી નોકરીઓનો ઉમેરો છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો હતો, ઉપરાંત અમેરિકન વર્કરોને મળતો વેતનનો વધારો પણ ધીમો પડ્યો હતો અને આ વધારો ૧૬ મહિનાનો સૌથી ઓછો હતો.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં સતત બીજે મહિને ઘટ્યા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૬.૫ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૫૦ પૉઇન્ટથી નીચા આવતાં રિસેશનનું જોખમ વધ્યું હતું.
અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગુડ્સના ન્યુ ઑર્ડરમાં નવેમ્બરમાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે સતત ત્રણ મહિના વધ્યો હતો. વળી માર્કેટની ધારણા ૦.૮ ટકા ઘટાડાની હતી એને બદલે ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડરમાં ૨.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં ઑક્ટોબરમાં ૦.૭ ટકાનો વધારો થયો હતો. ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટ અને પ્રાઇમરી મેટલ્સના ઑર્ડરનો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ ચાલુ સપ્તાહે રિક્સ બૅન્કની ઇન્ટરનૅશનલ મીટિંગમાં વક્તવ્ય આપવાના છે એની તરફ બધાની નજર છે. ૧-૨ ફેબ્રુઆરીએ મળનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો થશે? એનો સંકેત મળવાની બધાને રાહ છે. ફેડે ડિસેમ્બર મિટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો હતો. હવે જો ફેબ્રુઆરીમાં પણ ૫૦ બેસિસ પૉઇન્ટ વધારે તો ડૉલર વધુ ઘટશે નહીં, પણ જો ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ડૉલર નબળો પડશે અને સોના-ચાંદીની તેજીને નવું બળ મળશે.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાના પાર્ટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા હાઉસહોલ્ડ અને પ્રાઇવેટ કંપનીઓને ફાઇનૅન્શિયલ સપોર્ટ આપવા માટે યુદ્ધને ધોરણે કામગીરી ચાલી રહી છે જેને કારણે તમામ કોરોનાને કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે. ગવર્મેન્ટના પ્રયાસોને કારણે ચાઇનીઝ ઇકૉનૉમિક ગ્રોથ ઝડપથી નૉર્મલ થઈને ગ્રોથની તરફ આગળ વધશે. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના તરફથી આવેલા નિવેદનને પગલે ટેકનૉલૉજી અને ન્યુ એનર્જી સ્ટૉકમાં સારી એવી તેજી આવી હતી અને ચાઇનીઝ બન્ને સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે વધીને ખૂલ્યા હતા.
ચીનની ફૉરેક્સ રિઝર્વ ડિસેમ્બરમાં ૩.૧૨૮ ટ્રિલ્યન (લાખ કરોડ રૂપિયા) ડૉલર વધીને ૩૧૧૭ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી જે સતત ત્રીજે મહિને વધી હતી અને માર્કેટની ૩.૧૫૪ ટ્રિલ્યનની ધારણા કરતાં ઓછી વધી હતી. ચીનની ફૉરેક્સ રિઝર્વ સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. અમેરિકન ડૉલર સતત ઘટતો જતો હોવાથી ચીનની ફૉરેક્સ રિઝર્વ વધી રહી છે. ચીનની ગોલ્ડ રિઝર્વ વધીને ૧૧૭.૨૪ અબજ ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરના અંતે ૧૧૧.૬૫ અબજ ડૉલર હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
૨૦૨૨ના છેલ્લા તબક્કામાં સોનું ૨૦૦થી ૨૫૦ ડૉલર ઘટ્યા મથાળેથી ઊછળ્યું એની પાછળનું મુખ્ય કારણ ડૉલરની મંદી ઉપરાંત સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનું પણ હતું. ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅ્ન્કોએ ૨૦૨૨ના ત્રીજા ક્વૉર્ટરમાં રેકૉર્ડબ્રેક ૪૦૦ ટન સોનાની ખરીદી કરી હતી ત્યાર બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સોનાની રિઝર્વમાં વધાર્યો કર્યો છે જે આગળ જતાં સોનામાં વધુ તેજી કરવા માટે કારણ બનશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીને નવેમ્બરમાં ૩૨ ટન અને ડિસેમ્બરમાં ૩૦ ટન ગોલ્ડ રિઝર્વ વધારી હતી. ચીને સતત બે મહિના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરીને કુલ ગોલ્ડ રિઝર્વને ૨૦૧૦ ટને પહોંચાડી હતી. રશિયા, કઝાકિસ્તાન, ટર્કી, ભારત સહિત અનેક દેશો ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહ્યા છે જેને કારણે ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની ગોલ્ડ ખરીદી છેલ્લાં ૫૩ વર્ષની સૌથી વધુ થઈ હતી. ૨૦૨૩માં સોનાની તેજીના પાયામાં ૨૦૨૨ની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી રહેશે. જો ૨૦૨૩માં પણ સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો સોનું જે રીતે ૨૦૨૨માં ૧૬૧૫ વધીને ૧૮૭૦ ડૉલર સુધી વધ્યું એ જ રીતે ૨૦૨૩માં ૧૮૭૦ ડૉલરથી વધીને ૨૧૦૦ ડૉલર થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૨૫૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૦૩૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૭૯૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)