અમેરિકી ડૉલરની નરમાઈ વચ્ચે ચાઇનીઝ ન્યુ યરની ફિઝિકલ ડિમાન્ડની ધારણાથી સોનામાં મજબૂતી

13 January, 2023 03:22 PM IST  |  Mumbai | Mayur Mehta

કોરોનાનાં નિયંત્રણો દૂર થતાં ચાઇનીઝ ન્યુ યરમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકી ડૉલરની એકધારી નબળાઈ વચ્ચે ચાઇનીઝ ન્યુ યરમાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણાએ સોનામાં મજબૂતી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૦૦ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકી ડૉલર સતત નબળો પડી રહ્યો હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. ચાઇનીઝ ન્યુ યર ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણા અને રિસેશનના સતત વધી રહેલા ભયથી સેફ હેવન સ્ટેટસ મજબૂત બની રહ્યું છે. બધાં જ કારણો સોનાના ખરીદદારો માટે પૉઝિટિવ બની રહ્યાં હોવાથી સોનું ગુરુવારે વધુ વધ્યું હતું. સોનું હવે ધીમે-ધીમે ૧૯૦૦ ડૉલરની સપાટીની નજીક સરકી રહ્યું છે. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ૧૦૩ના લેવલે સ્ટેડી હતો, કારણ કે ઇન્ફ્લેશનના ડેટા પર ફેડનું સ્ટેન્ડ નક્કી થશે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે પણ ઇન્ટરેસ્ટ રેટ વિશે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નહોતી. ફેડના મોટા ભાગના મેમ્બરો ઇન્ફ્લેશનને કાબૂમાં લેવાની વાત પર ભાર મૂકીને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની હિમાયત કરે છે, પણ છેલ્લા પાંચ મહિનાથી ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં સતત છઠ્ઠા મહિને ઇન્ફ્લેશન નીચે આવે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ આક્રમક વધારો કરવાની જરૂરત રહેતી નથી. આથી સ્વાભાવિકપણે ઇન્ટરેસ્ટ રેટમાં ઓછો વધારો થશે જે ડૉલરને વધુ ઘટાડશે. 

અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧.૨ ટકા વધી હતી જે અગાઉના સપ્તાહે ૧૦.૩ ટકા ઘટી હતી જે ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. મૉર્ગેજ રેટમાં સતત ઘટાડો થતાં હવે મૉર્ગેજ ઍપ્લિકેશન વધી રહી છે. હોમ લોનના રીફાઇનૅન્સની ઍપ્લિકેશન ગયા સપ્તાહે ૫.૧ ટકા વધી હતી. ગયા સપ્તાહે મૉર્ગેજ રેટ ૧૬ બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૪૨ ટકા રહ્યા હતા જે મિડ સપ્ટેમ્બર પછીના સૌથી નીચા દર હતા. 

ચીનનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૧.૮ ટકાએ પહોંચ્યું હતું, જે નવેમ્બરમાં આઠ મહિનાની નીચી સપાટીએ ૧.૬ ટકા હતું. ચીનના ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો થતાં એની અસરે ઇન્ફ્લેશન ઘટતું અટક્યું હતું. ફૂડ પ્રાઇસ ડિસેમ્બરમાં ૪.૮ ટકા વધ્યા હતા જે નવેમ્બરમાં ૩.૭ ટકા વધ્યા હતા. ચીનમાં ફૂડ પ્રાઇસ સતત નવમા મહિને વધ્યા હતા. કોરોનાનાં કડક નિયંત્રણો વચ્ચે ફ્રૂટ પ્રાઇસમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો, કારણ કે કોરોનાનાં નિયંત્રણને કારણે ફ્રૂટનું વેચાણ મોટેપાયે વધ્યું હતું. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૦.૭ ટકા ઘટ્યો હતો જે નવેમ્બરમાં ૧.૩ ટકા ઘટ્યો હતો, પણ માર્કેટની ધારણા ૦.૧ ટકા જ ઘટાડાની હતી. 

ચીનની ઇકૉનૉમીનું બેરોમીટર રિયલ એસ્ટેટ અને વેહિકલ સેલ્સના ડેટા છે ત્યારે ડિસેમ્બર મહિનામાં ચીનનું વેહિકલ સેલ્સ ૮.૪ ટકા ઘટ્યું હતું જે નવેમ્બરમાં ૭.૯ ટકા ઘટ્યું હતું. ચાઇનીઝ ઑટો સેલ્સમાં સતત બીજે મહિને ઘટાડો થતાં ઇકૉનૉમિક કન્ડિશન બગડી રહી હોવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. જોકે ન્યુ એનર્જી વેહિકલ એટલે કે ઇલેક્ટ્રિક વેહિકલ, પ્લગ ઇન હાઇબ્રીડ અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેહિકલના સેલ્સમાં ૫૧.૮ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ચીનમાં ૨૬૮.૬ લાખ વેહિકલ વેચાયાં હતાં જેમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૨.૧ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૧માં વેહિકલ સેલ્સમાં ૩.૮ ટકાનો વધારો થયો હતો. 

જપાનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪૭.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં પણ ડિસેમ્બરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે જપાનનો ઇકૉનૉમિક ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઇકૉનૉમિક કન્ડિશન રિકવરીના માર્ગે હોવાનો સંકેત આપે છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ચાઇનીઝ ઇકૉનૉમી હવે પાટે ચડી રહી છે, કોરોનાનાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કર્યા બાદ હવે હર્ડ ઇમ્યુનિટી ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. નિયંત્રણો દૂર કર્યાનાં બે સપ્તાહ વીતી ગયા બાદ હજી  બીજા દેશોમાં કોરોનાનો પ્રભાવ ચેતવણીજનક સ્તરે પહોંચ્યો નથી એ બતાવે છે કે કોરોનાથી હવે બહુ ડરવાની જરૂર નથી. ચાઇનીઝ ઇન્ફ્લેશન સતત ઘટતું અટકીને સુધરી રહ્યું છે. સ્ટૉક માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો છે. હવે ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીના દિવસો શરૂ થશે ત્યારે ઇકૉનૉમિક ગ્રોથનું રિયલ પિક્ચર વધુ સ્પષ્ટ થશે. ચીન વિશ્વનું સૌથી મોટું સોનાનું કન્ઝ્યુમર છે, એની સાથે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ છેલ્લા બે મહિનામાં ૬૨ ટન સોનાની ખરીદી કરી છે એ પણ એક મહત્ત્વની વાત છે. ડૉલરના સુધારાના ચાન્સ દિવસે-દિવસે ઓછા થઈ રહ્યા છે ત્યારે જો ચીનની ડિમાન્ડનું કારણ સોનામાં ભળશે તો ૨૦૦૦ અને ૨૧૦૦ ડૉલરની સપાટીએ પહોંચતાં સોનાને બહુ સમય લાગે એવું લાગતું નથી. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૦૯૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૮૭૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૯૬૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation