અમેરિકાના જૉબ ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં ઘટાડા બાદ નીચા મથાળેથી ફરી સુધારો

09 May, 2023 04:00 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાની બૅ​ન્કિંગ ક્રાઇસિસ વધવાના સતત મળતા સંકેતોથી સોનામાં ખરીદીનું આકર્ષણ બરકરાર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના એપ્રિલના જૉબ ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં સોનું શુક્રવારે ઘટ્યું હતું, પણ બૅન્કિંગ  ક્રાઇસિસ વધવાના સંકેતોથી સોનામાં નીચા મથાળે ફરીથી લેવાલી નીકળતાં ભાવ સુધર્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૬૫ રૂપિયા ઘટ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના એપ્રિલના જૉબ ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં શુક્રવારે સોનું ઘટીને ૧૯૯૮.૯૦ ડૉલર થયું હતું, પણ અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ હજી વધવાના સંકેતોને પગલે સોનામાં નીચા મથાળે લેવાલી નીકળતાં સોમવારે સોનું ફરી ૨૦૨૭ ડૉલર સુધી વધી ગયા બાદ સાંજે ૨૦૨૨થી ૨૦૨૩ ડૉલરના લેવલે પહોંચ્યું હતું. અમેરિકાના એપ્રિલના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે જાહેર થવાના છે જેના આધારે ફેડનો ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય લેવાશે. સોનું નીચા મથાળેથી સુધરતાં એની પાછળ પ્લૅટિનમ અને પૅલેડિયમ સુધર્યાં હતાં, પણ ચાંદી ઘટી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકામાં એપ્રિલમાં ૨.૫૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે માર્ચમાં ૧.૬૫ લાખ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૮૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. આમ માર્ચ અને માર્કેટની ધારણા કરતાં નૉન ફાર્મ પે-રોલ ડેટા વધ્યા હતા. પ્રોફેશનલ-બિઝનેસ સર્વિસિસ, હેલ્થકૅર, હૉસ્પિટાલિટી બિઝનેસ અને ફૂડ-ડ્રિ​ન્કિંગ સર્વિસિસ પ્લેસ અને સોશ્યલ અસિસ્ટન્સ બિઝનેસમાં નોકરીઓ વધી હતી. છેલ્લા છ મહિનામાં અમેરિકામાં ઍવરેજ દર મહિને ૨.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ છે. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ એપ્રિલમાં ઘટીને ૩.૪ ટકાએ પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં પણ ૩.૪ ટકા હતો, પણ ત્યાર બાદ થોડો વધ્યો હતો. જાન્યુઆરીમાં અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૫૦ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ પબ્લિકની સંખ્યા ૧.૮૨ લાખ ઘટીને ૫૬.૫૭ લાખે પહોંચી હતી, જ્યારે એમ્પ્લૉઈ પબ્લિકની સંખ્યા ૧.૩૯ લાખ વધીને ૧૬.૧૦ કરોડે પહોંચી હતી. અમેરિકાની ટોટલ પૉપ્યુલેશનમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ૬૨.૬ ટકા રહ્યો હતો. 

અમેરિકન વર્કરોનું વેતન એપ્રિલમાં પ્રતિ કલાક ૧૬ સેન્ટ એટલે કે ૦.૫ ટકા વધીને પ્રતિ કલાકનું ૩૩.૩૬ ડૉલરે પહોંચ્યું હતું જે માર્ચમાં ૦.૩ ટકા વધ્યું હતું. અમેરિકન વર્કરોના વેતનનો વધારો છેલ્લા નવ મહિનાનો સૌથી વધુ હતો. છેલ્લા બાર મહિનામાં વેતનમાં પ્રતિ કલાક ૪.૪ ટકાનો વધારો થયો હતો જે અગિયાર મહિનામાં ૪.૩ ટકા થયો હતો. 

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સોમવારે ઘટીને ૧૦૧ના લેવલે પહોંચ્યો હતો. શુક્રવારે નૉન ફાર્મ પે-રોલ ડેટા અને વેજિસ ગ્રોથ નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચવા છતાં ફેડ દ્વારા ઇન્ટેરસ્ટ રેટ ઘટાડાના સંકેતને પગલે ડૉલર ધીમે-ધીમે ઘસાતો જાય છે. બુધવારે ઇન્ફ્લેશનના ડેટા જો ધારણા પ્રમાણે આવશે તો ડૉલર ઇન્ડેક્સમાં વધારે ઘટાડો ચાલુ સપ્તાહે જોવા મળી શકે છે. 
અમેરિકાની કન્ઝ્યુમર ક્રેડિટ માર્ચમાં વધીને ૨૬.૫૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ફેબ્રુઆરીમાં ૧૫ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૬.૫ અબજ ડૉલરની હતી. વાર્ષિક ધોરણે કન્ઝ્યુમર ક્રેડિટ માર્ચમાં ૬.૬ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૩.૭ ટકા વધી હતી. ક્રેડિટ કાર્ડનો માર્ચમાં ૧૭.૫ ટકા વધારો થયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં ૫.૭ ટકાનો વધારો થયો હતો. ઑટો અને સ્ટુડન્ટ લોન માર્ચમાં ત્રણ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૩૩.૧ ટકા વધી હતી. 

ચીનની ફૉરેક્સ રિઝર્વ એપ્રિલમાં વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ ૩.૨૦૫ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે માર્ચના અંતે ૩.૧૮૪ ટ્રિલ્યન ડૉલર હતી અને માર્કેટની ધારણા ૩.૧૯૨ ટ્રિલ્યન ડૉલરની હતી. અમેરિકી ડૉલર અન્ય કરન્સી સામે સતત ઘસાતો જતો હોવાથી ચાઇનીઝ ફૉરેક્સ રિઝર્વ વધી હતી. ચીનની ગોલ્ડ રિઝર્વ વધીને એપ્રિલના અંતે ૧૩૨.૨૫ અબજ ડૉલરે પહોંચી હતી જે માર્ચના અંતે ૧૩૧.૬૫  અબજ ડૉલર હતી. ચીન નવેમ્બર મહિનાથી ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહ્યું છે અને સાથે સોનાના ભાવ પણ સતત વધી રહ્યા છે. 
ચાલુ સપ્તાહે એપ્રિલના અમેરિકન ઇન્ફ્લેશન ડેટા બુધવારે જાહેર થવાના છે જે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વિશે ડિસિઝન લેવામાં ઉપયોગી બનશે. જુલાઈમાં અમેરિકન ઇન્ફ્લેશન ૯.૧ ટકાની સાડાચાલીસ વર્ષની ઊંચાઈએથી સતત ઘટીને માર્ચનું ઇન્ફ્લેશન પાંચ ટકા આવ્યું હતું. અમેરિકન ઇન્ફ્લેશનની ધારણા ૪.૯ ટકાની છે. આ ઉપરાંત અમેરિકાનું પ્રોડ્યુસિંગ પ્રાઇસ ઇન્ફ્લેશન, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પ્રાઇસ, કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. સૌથી મહત્ત્વનો નિર્ણય બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વિશેનો હશે. ચાલુ સપ્તાહે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગ યોજાશે. ડિસેમ્બર-૨૦૨૧થી શરૂ થયેલી ઇન્ટરેસ્ટ રેટ વધારાની સફર કેટલી આગળ વધે છે એ જોવાનું મહત્ત્વનું રહેશે.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

અમેરિકાની જૉબ માર્કેટના ડેટા ગયા સપ્તાહે ધારણા કરતાં સારા આવ્યા હતા. પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓનો ગ્રોથ ડબલ વધ્યો હતો અને નૉન ફાર્મ પે-રોલ ડેટા પણ ધારણાથી ઘણા સારા આવ્યા હતા. સોનાની તેજીની આગેકૂચમાં સતત સ્પીડબ્રેકર આવતાં રહે છે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને ન રોકવા માટેનું એક મજબૂત કારણ મળ્યું છે. બુધવારે જાહેર થનારા ઇન્ફ્લેશનના ડેટામાં જો એકદમ નજીવો ઘટાડો થશે અથવા ઇન્ફ્લેશનના ડેટા યથાવત્ રહેશે તો કદાચ ફેડ જૂનમાં પણ એક વખત પચીસ બેસિસ પૉઇન્ટ વધારાનું જોખમ ઉઠાવી શકે છે. અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસના કોઈ નવા સમાચાર ન આવે તો ફેડને પચીસ બેસિસ પૉઇન્ટ વધારવામાં કોઈ તકલીફ પડી શકે એમ નથી. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૧૬૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૯૨૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૬,૩૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news inflation