20 April, 2023 03:48 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેડ મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ નક્કી હોવા છતાં ઇન્ટરેસ્ટ રેટ વધારા અંગે બેતરફી ચર્ચાનું માર્કેટ ગરમ હોવાથી સોનામાં સતત ત્રીજે દિવસે રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં બુધવારે સતત બીજે દિવસે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૭૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૬૭ રૂપિયા ઘટ્યાં હતાં. મુંબઈમાં સોનાએ ૬૦,૦૦૦ રૂપિયાની સપાટી તોડી હતી.
વિદેશી પ્રવાહ
ફેડના મેમ્બરો હાલ ઇન્ટરેસ્ટ રેટ વધારા અંગે શ્રેણીબદ્ધ બુલિશ કમેન્ટ આપી રહ્યા હોવાથી એની અસરે બુધવારે ડૉલર ૦.૩ ટકા સુધર્યો હતો. આથી સોનું ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ ૧૯૯૦.૭૦ ડૉલર થયું હતું, પણ યુરોપિયન ઇન્ફ્લેશન સતત પાંચમા મહિને ઘટતાં યુરો ડૉલર સામે મજબૂત થતાં સોનું ઘટ્યા મથાળેથી સુધર્યું હતું અને બુધવારે સાંજે સોનું વધીને ફરી ૨૦૦૦ ડૉલરની સપાટીની ઉપર ૨૦૦૬થી ૨૦૦૭ ડૉલરે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૬.૯ ટકાએ પહોંચ્યું હતું જે સતત પાંચમા મહિને ઘટ્યું હતું. ગયા ઑક્ટોબરમાં યુરો એરિયાનું ઇન્ફ્લેશન રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૧૦.૬ ટકા હતું. માર્ચનું ઇન્ફ્લેશન ઘટીને ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી હજી ઇન્ફ્લેશન સાડાત્રણ ગણું વધુ છે. યુરોપિયન દેશોમાં એનર્જી પ્રાઇસ છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત માર્ચમાં ઘટી હતી, એની અસરે ઇન્ફ્લેશન ઘટ્યું હતું. માર્ચમાં એનર્જી પ્રાઇસ ૦.૯ ટકા ઘટી હતી. જોકે ફૂડ, ટબૅકો, આલ્કોહૉલના ભાવ વધ્યા હતા અને સર્વિસ સેક્ટરમાં ભાવવધારો જોવા મળ્યો હતો.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૧૦૨ના લેવલે સ્ટેડી હતો. બે સપ્તાહ પછી યોજાનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટનો પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો નક્કી છે એમ છતાં ફેડના વિવિધ ઑફિશ્યલ્સની કમેન્ટની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સેન્ટ લુઇસના ફેડ પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડે હાયર ઇન્ટરેસ્ટ રેટની વકીલાત કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૫૦થી ૫.૭૫ ટકાએ પહોંચાડવાની ભલામણ કરી હતી. ઍટલાન્ટાના ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટિકે મે મહિનામાં પચીસ બેસિસ પૉઇન્ટના ઇન્ટરેસ્ટ રેટ વધારા બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાની તરફેણ કરી હતી. હાલ સી.એમ.ઈ. ફેડ વૉચ અનુસાર મે મહિનામાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાના ચાન્સિસ વધીને ૮૬ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ માર્ચમાં ૦.૮ ટકા ઘટ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૭.૩ ટકા ઘટ્યો હતો. માર્ચમાં હાઉસિંગ સ્ટાર્ટ ૧૪.૨ લાખ રહ્યા હતા, જેમાં પાંચ યુનિટના બિલ્ડિંગમાં ૬.૭ ટકાનો ઘટાડો થયો હતો અને સિંગલ ફૅમિલી યુનિટમાં ૨.૭ ટકાનો વધારો થઈ એની સંખ્યા ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી.
બ્રિટનનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૧૦.૧ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૧૦.૪ ટકા હતું અને માર્કેટની ધારણા ૯.૮ ટકાની હતી. બ્રિટનનું ઇન્ફ્લેશન સતત સાતમા મહિને દસ ટકાની ઉપર રહ્યું હતું અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના બે ટકાના ઇન્ફ્લેશનના ટાર્ગેટ કરતાં પાંચ ગણા કરતાં વધુ હતું. બ્રિટનમાં ફૂડ અને આલ્કોહૉલિક બેવરેજનો ભાવ માર્ચમાં ૧૯.૧ ટકા વધ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૧૮ ટકા વધ્યો હતો. હાઉસિંગ-યુટિલિટી અને ગુડ્ઝ-સર્વિસ વધુ મોંઘી બની હતી. ટ્રાન્સપોર્ટેશન, રેસ્ટોરાં-હોટેલ ટૅરિફ વગેરે થોડાં ઘટ્યાં હતાં. બ્રિટનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૧૭ મહિનાની નીચી સપાટીએ ૮.૭ ટકા રહ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૧૧.૯ ટકા હતું અને માર્કેટની ધારણા ૮.૬ ટકાની હતી.
યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ એપ્રિલમાં ૩.૬ પૉઇન્ટ ઘટીને ૬.૪ પૉઇન્ટે પહોંચ્યુ હતું જે માર્ચમાં ૧૦ પૉઇન્ટ હતું. ઇન્વેસ્ટર મોરલમાં સતત બીજે મહિને ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ઇન્ફ્લેશન, ગ્રોથ અને ઇન્ટરેસ્ટ રેટ અંગેની અનિશ્ચિતતાથી ઇન્વેસ્ટર મોરલ ઘટ્યું હતું. યુરોપિયન દેશોની ૫૦.૬ ટકા પબ્લિક એવું માની રહી છે કે ઇકૉનૉમિક કન્ડિશન હાલની સ્થિતિએ લાંબો સમય રહેવાની શક્યતા છે, જ્યારે ૨૭.૯ ટકા પબ્લિકના મતે ઇકૉનૉમિક કન્ડિશનમાં સુધારો થશે અને ૨૧.૫ ટકા પબ્લિકના મતે ઇકૉનૉમિક કન્ડિશન બગડશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, કૅનેડા સહિત દરેક દેશોને ઇન્ફ્લેશન ઘટાડવાનું દબાણ છે. અમેરિકાનું ઇન્ફ્લેશન ફેડના ટાર્ગેટથી અઢી ગણું વધુ છે. યુરોપિયન યુનિયનનું ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટથી સાડાત્રણ ગણું વધુ છે. બ્રિટનનું ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટથી પાંચ ગણું વધુ છે. ઑસ્ટ્રેલિયા સહિત તમામ દેશોના ઇન્ફ્લેશન તેમની સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટ કરતાં વધુ છે ત્યારે દરેક સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારવો પડે એવી સ્થિતિ છે, પણ હવે પ્રશ્ન એ છે કે હાલની ઇકૉનૉમિક કન્ડિશનમાં સેન્ટ્રલ બૅન્ક કેટલો ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે? ફેડ માટે હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જગ્યા ઓછી છે, જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની હજી જગ્યા ફેડ કરતાં વધારે છે. આવા સંજોગોમાં ફેડ ધારો કે મે-જૂનમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે અને એની સામે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો ડૉલર ઘટવાનો છે અને ડૉલર ઘટશે તો સોનાને ઊંચે જવાનો રસ્તો મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૯૨૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૬૮૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૩,૭૭૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)