11 January, 2023 04:51 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન ઇન્ફ્લેશન ઘટવાની ધારણાએ ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટતાં સોનું આઠ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ભારતીય રૂપિયાની મજબૂતીને કારણે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૮૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૬૨ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ડિસેમ્બરમાં એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકાનું રિયલ ઇન્ફ્લેશન પણ ડિસેમ્બરમાં વધુ ઘટવાની ધારણાને પગલે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટ્યા હતા, જેના સપોર્ટથી સોનામાં તેજીનો મોમેન્ટમ વધ્યો હતો. અધૂરામાં પૂરું પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ છેલ્લા બે મહિનામાં ગોલ્ડ રિઝર્વમાં ૬૨ ટનનો વધારો કર્યા બાદ ચાઇનીઝ માર્કેટમાં લુનર ન્યુ યરની પહેલાં સોનાની ડિમાન્ડ સતત વધી રહી છે એનો પણ સપોર્ટ માર્કેટને મળી રહ્યો છે. અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૩ના લેવલે અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને ૩.૫ ટકાએ પહોંચ્યા હતા. સોમવારે સોનામાં પ્રૉફિટ બુકિંગને કારણે એક તબક્કે ભાવ ઘટીને ૧૮૩૪.૮૦ ડૉલર થયા હતા જે મંગળવારે વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૧૮૮૧.૬૦ ડૉલર થયા હતા. સોનું વધતાં ચાંદી અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં, પણ પ્લૅટિનમમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ડિસેમ્બરમાં ઘટીને દોઢ વર્ષની નીચી સપાટીએ પાંચ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૫.૨ ટકા હતું. આ ડેટા ઇન્ફ્લેશનના નથી, પણ ઇન્ફ્લેશનના એક્સપેક્ટેશનના છે. નૅચરલ ગૅસ, ફૂડ, કૉલેજ એજ્યુકેશન અને રેન્ટના એક્સપેક્ટેશનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે મેડિકલ કૅરનું ઇન્ફ્લેશન વધ્યું હતું. મિડિયમ ટર્મ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ત્રણ ટકા રહ્યું હતું, જ્યારે પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૩ ટકાથી વધીને ૨.૪ ટકા થયું હતું.
અમેરિકી ડૉલરનું મૂલ્ય સતત ઘસાતું રહ્યું છે. અમેરિકી ડૉલર મંગળવારે ઘટીને ૧૦૩ના લેવલે ૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો જે એક તબક્કે વધીને ૧૧૫ના લેવલ નજીક ૨૦
વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા છેલ્લા બે મહિનાથી નબળા આવી રહ્યા હોવાથી રિસેશનનું દબાણ વધી રહ્યું છે, જેને કારણે ફેડ ફેબ્રુઆરીમાં માત્ર ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે એવી ધારણાને પગલે ડૉલર સતત ઘટી રહ્યો છે.
ચીનમાં લુનર ન્યુ યરની રજાઓ ૧ ફેબ્રુઆરીથી સાત દિવસની પડશે, એનો ડર અત્યારથી પબ્લિકમાં ફેલાવા લાગ્યો છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીએ મોટા ભાગનાં નિયંત્રણો ઉઠાવી લીધાં છે ત્યારે લુનરમાં પબ્લિક એકઠી થશે, ભીડ થશે ત્યારે ફરી કોરોનાના કેસ વધવાની શક્યતાને લઈને સમગ્ર ચીનમાં ડરનો માહોલ વધી રહ્યો છે. ચીને ફૉરેન ટ્રાવેલની અવર-જવર પરનાં નિયંત્રણો દૂર થતાં અનેક દેશોને ચીનથી આવનારા ટ્રાવેલરો દ્વારા કોરોનાનું ઇન્ફેક્શન તેમના દેશોમાં ફેલાવાનો ડર વધી રહ્યો છે. આમ, ચીનની દરેક હિલચાલ હાલ સમગ્ર વિશ્વ માટે શિરદર્દ સમી બની રહી છે. જોકે ચીનની ફાઇનૅન્શિયલ માર્કેટ ધીમે-ધીમે સ્ટ્રૉન્ગ બની રહી છે. ચાઇનીઝ યુઆનનું મૂલ્ય ડૉલર સામે પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.
ક્રિસમસ અને ન્યુ યરની રજાઓમાં બ્રિટનમાં રીટેલ સેલ્સ વધતાં ડિસેમ્બર મહિનામાં ૬.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રીટેલ સેલ્સ નવેમ્બરમાં ૪.૧ ટકા વધ્યું હતું. ડિસેમ્બરનું રીટેલ સેલ્સ છેલ્લા ૧૧ મહિનાનું સૌથી ઊંચું રહ્યું હતું. બ્રિટનમાં ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ૨૦૨૩માં રીટેલ માર્કેટના ઍનલિસ્ટોના મતે રીટેલ સેલ્સમાં ઘટાડો જોવા મળશે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડાદસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો કોઈ ઉકેલ આવતો નથી. અમેરિકા સહિત અનેક વેસ્ટર્ન દેશોએ રશિયા પર અનેક પ્રકારના ઇકૉનૉમિક પ્રતિબંધો લાગુ પાડ્યા પણ એની કોઈ અસર થઈ નથી. આથી રશિયાને ભીડવવા આગળ શું રણનીતિ અપનાવવી એ વિશેની ચર્ચા કરવા અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ અને બ્રિટનના ફાઇનૅન્સ મિનિસ્ટરને મળ્યા હતા અને આ તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. આ મીટિંગ બાદ હવે રશિયા પર વધુ પ્રતિબંધો આવી શકે છે જેની અસર એનર્જી માર્કેટ પર પડી શકે છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાના ડિસેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે જાહેર થશે. અમેરિકાનું ઇન્ફ્લેશન જૂન મહિનામાં પીક હાઈ લેવલે ૯.૧ ટકા હતું ત્યાર બાદ સતત પાંચ મહિના ઘટતું રહ્યું હતું અને નવેમ્બરમાં ૭.૧ ટકાએ પહોંચ્યું હતું. ડિસેમ્બરમાં માર્કેટની ધારણા પ્રમાણે ઇન્ફ્લેશન ૬.૭ ટકા આવવાની ધારણા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ફ્લેશન ૭ ટકા હતું. ૯.૧ ટકાનું ઇન્ફ્લેશન છ મહિનામાં ઘટીને ૬.૭ ટકાએ આવવું એ ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં કરાયેલા આક્રમક વધારાનું પરિણામ છે. ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે. હજી આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ઘણી મોટી મઝલ કાપવી પડશે, પણ રિસેશનનો ભય જે રીતે વધી રહ્યો છે એ જોતાં ફેડ હવે ૨૦૨૨ની જેમ આક્રમક રીતે ઇન્ફ્લેશન વધારી શકે એમ નથી. જો ડિસેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે ૬.૭ ટકા કે એથી ઓછું આવે તો ફેડ પર ફેબ્રુઆરીમાં ૫૦ નહીં, પણ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધશે, પણ જો ઇન્ફ્લેશન ૬.૭ ટકાથી વધારે આવશે તો બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન અને પબ્લિક રિપ્રેઝન્ટેટિવ દ્વારા ફેડ પર ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધશે. જો આવું થશે તો સોનાની તેજીને બ્રેક લાગશે. આથી ઇન્ફ્લેશનના ડેટા સોનાની દિશા નક્કી કરવા માટે નિર્ણાયક બનશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૫,૯૭૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૭૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૬૨૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)