13 April, 2023 04:09 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચીન ૨૦૨૩માં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી બનશે એવા આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)ની આગાહીથી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૨૪ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ચીન ૨૦૨૩માં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી બનશે એવી આઇએમએફની આગાહીને પગલે સોનામાં તેજી આગળ વધી હતી. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૨ ટકા રહેવાની આગાહી આઇએમએફએ કરી હતી જે ૨૦૨૨માં ત્રણ ટકા હતો. આઇએમએફના રિપોર્ટની અસર અને ડૉલર અન્ય કરન્સી સામે ઘટતાં સોનું બુધવારે સવારથી વધતું રહ્યું હતું. સોનું બુધવારે એક તબક્કે વધીને ૨૦૨૧.૯૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૦૯થી ૨૦૧૦ ડૉલર હતું. અમેરિકન ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારાને અટકાવીને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ કરશે એવી અનેક ઇકૉનૉમિસ્ટોની આગાહીને પગલે ડૉલર ઘટતાં સોનામાં વધુ તેજી જોવા મળી હતી. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
આઇએમએફએ ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૩માં ૨.૮ ટકા અને ૨૦૨૪માં ત્રણ ટકા રહેવાનું પ્રોજેક્શન મૂક્યું હતું. જાન્યુઆરી રિપોર્ટ કરતાં ગ્લોબલ ગ્રોથ ૦.૧ ટકા નીચો મૂક્યો હતો અને ૨૦૨૨માં ગ્લોબલ ગ્રોથ ૩.૪ ટકા રહ્યો હતો. આથી ૨૦૨૨ કરતાં ગ્લોબલ ગ્રોથ ૨૦૨૩માં ૦.૬ ટકા નીચો અને ૨૦૨૪માં ૦.૪ ટકા નીચો રહેવાનું પ્રોજેક્શન મુકાયું છે. અમેરિકાના ગ્રોથરેટ ૨૦૨૩માં ૧.૬ ટકા અને ૨૦૨૪માં ૧.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન છે. જાન્યુઆરી રિપોર્ટની સરખામણીમાં અમેરિકાનો ગ્રોથ ૨૦૨૩માં ૦.૨ ટકા ઊંચો રહેવાનું પ્રોજેક્શન છે, જ્યારે ૨૦૨૪માં જાન્યુઆરી રિપોર્ટ કરતાં ૦.૧ ટકા ઊંચું પ્રોજેક્શન મૂક્યું છે. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૨માં ૨.૧ ટકા રહ્યો હતો. યુરો એરિયાનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૦.૮ ટકા અને ૨૦૨૪માં ૧.૪ ટકા રહેવાનું પ્રોજેક્શન છે. ૨૦૨૨માં યુરો એરિયાનો ગ્રોથરેટ ૩.૫ ટકા રહ્યો હતો. યુરો એરિયામાં ૨૦૨૩માં ગ્રોથરેટમાં મોટો ઘટાડો થવાનું પ્રોજેક્શન છે. બ્રિટનનો ગ્રોથરેટ ૨૦૨૨માં ચાર ટકા હતો અને જે ૨૦૨૩માં ઘટીને માઇનસ ૦.૩ ટકા અને ૨૦૨૪માં એક ટકો રહેવાનું પ્રોજેક્શન છે. સૌથી મહત્ત્વનું ડેવલપમેન્ટ ચીનના ગ્રોથરેટનું છે. આઇએમએફએ ચીનનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૨ ટકા રહેવાનું પ્રોજેક્શન રજૂ કર્યું છે જે ૨૦૨૩માં ત્રણ ટકા હતું. ચીનનો ગ્રોથરેટ ૨૦૨૪માં ૪.૫ ટકા રહેવાનું પ્રોજેક્શન છે. ભારતનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૯ ટકા અને ૨૦૨૪માં ૬.૩ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. ભારતનો ગ્રોથરેટ ૨૦૨૨માં ૬.૮ ટકા રહ્યો હતો. આમ વર્લ્ડમાં ૨૦૨૩માં ચીનનો ગ્રોથરેટ સૌથી વધુ વધવાનું પ્રોજેક્શન છે. ૨૦૨૨ સુધી ભારત ફાસ્ટેસ્ટ ગ્રોઇન્ગ ઇકૉનૉમી હતી જે ૨૦૨૩માં ચીને આ સ્થાન લીધું છે.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૧૦૨.૧ના લેવલે સ્ટેડી હતો. મંગળવારે ડૉલર ઘટ્યા બાદ અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની રાહે ડૉલરમાં વધુ ઘટાડો અટક્યો હતો. ન્યુ યૉર્કના ફેડ પ્રેસિડન્ટ જૉન વિલિયમ્સે જણાવ્યું હતું કે ફેડનો ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય આગામી ડેટા પરથી નક્કી થશે. બૅન્કિંગ ક્રાઇસિસ અને નબળા ઇકૉનૉમિક ડેટા બાદ હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટ અંગેનો નિર્ણય લેવા માટે દરેક પાસાનો વિચાર કરીને નિર્ણય લેવાની ફરજ પડી છે. જોકે અમેરિકાની મની માર્કેટે મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધશે એવું નક્કી માની લીધું છે.
અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૯૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૯૦.૯ પૉઇન્ટ હતો. આ ઇન્ડેક્સ સતત ૧૫મા મહિને છેલ્લાં ૪૯ વર્ષની ૯૮ પૉઇન્ટની ઍવરેજથી નીચે રહ્યો છે. અમેરિકાના ૨૪ ટકા સ્મૉલ બિઝનેસ હોલ્ડર્સ વધારેપડતા ઇન્ફ્લેશનને કારણે ભારે પરેશાન છે, જ્યારે ૪૩ ટકા બિઝનેસ ઓનર્સ તેમના બિઝનેસમાં ખાલી પડેલી જગ્યા પર એમ્પ્લૉઈની નિમણૂક કરી શકે એવી સ્થિતિમાં નથી. સ્મૉલ બિઝનેસ ઓનર્સને આગામી છ મહિનામાં બિઝનેસ કન્ડિશન સુધરવાની કોઈ આશા નથી.
યુરો એરિયાનું રીટેલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૮ ટકા ઘટ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પણ ૦.૮ ટકા વધારાની હતી. ફૂડ, ડ્રિન્કસ, ટબૅકો, નૉન ફૂડ પ્રોડક્ટ અને ઑટોમોટિવ ફ્યુઅલના સેલ્સમાં ઘટાડો નોંધાયો હતો એની સામે ઑનલાઇન રીટેલ ટ્રેડ વધ્યો હતો. વાર્ષિક ધોરણે રીટેલ સેલ્સ ૦.૩ ટકા ઘટ્યો હતો.
બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર કજુઓ ઉડાએ મૉનિટરી પૉલિસીમાં કોઈ મોટા ફેરફાર ન કરવાની જાહેરાત કર્યા બાદ જૅપનીઝ યેન ડૉલર સામે સતત ઘટી રહ્યો છે. બુધવારે જૅપનીઝ યેન ડૉલર સામે ઘટીને એક મહિનાની નીચી સપાટીએ ૧૩૩.૮૭ના લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનના અગાઉના ગવર્નર હરુહિકો કુરોડાએ લાંબા સમય સુધી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી હતી જેને કારણે જૅપનીઝ યેન ડૉલર સામે સતત તૂટી રહ્યો છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીન વર્લ્ડનું સૌથી મોટું સોનાનું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર છે. આઇએમએફના ગ્રોથ પ્રોજેક્શન અનુસાર ૨૦૨૩માં ચીન ફાસ્ટેટ ગ્રોઇંગ નેશન તરીકે ઊભરી રહ્યું છે. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ બિઝનેસ અને ઇકૉનૉમિક ઍક્ટિવિટી હાલ ચીનમાં એકદમ નૉર્મલ અને ગ્રોઇંગ સ્ટેજ પર છે. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ફાસ્ટ બને તો સ્વભાવિક સોનાની ફિઝિકલ ડિમાન્ડ પણ વધશે. આ ઉપરાંત ચીન હવે ઇકૉનૉમિક ગ્રોથની સાથે સોનાની રિઝર્વ પણ વધારી રહ્યું છે. ચીને છેલ્લા પાંચ મહિનાથી સતત દર મહિને સોનાની ખરીદી ચાલુ કરી છે. માર્ચમાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૧૮ ટકા સોનું ખરીદ્યું હતું.ચીનનો બુલિશ ઇકૉનૉમિક ગ્રોથ અને પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાની સોનાની ખરીદી બન્ને ફૅક્ટર સોનાની તેજીને આગળ વધારવામાં સિંહફાળો આપશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૧૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૭૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૯૪૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)