20 January, 2023 02:47 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા અને જપાનીઝ યેનના મૂલ્યમાં સુધારાને કારણે ડૉલર ઘટતાં સોનું નવી નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૪૯ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
અમેરિકાના રીટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટના નબળા ડેટા ઉપરાંત પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશનમાં છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટીને નવી સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો જેને પગલે સોનું વધીને ૧૯૨૬.૮૦ ડૉલર સુધી વધ્યું હતું અને નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ફેડના ત્રણ ઑફિશ્યલ્સે ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરતાં ડૉલર ઘટ્યા મથાળેથી સુધર્યો હતો અને સોનું પણ પ્રત્યાઘાતી ઘટ્યું હતું. ડૉલર સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી રીટેલ સેલ્સમાં ડિસેમ્બરમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં નવેમ્બરમાં પણ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટની ધારણા ૦.૮ ટકા ઘટાડાની હતી. અમેરિકાના ગૅસોલિનના ઊંચા ભાવને કારણે વેચાણમાં સૌથી વધુ ૪.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ફર્નિચર, મોટર વેહિકલ, ઇલેક્ટ્રૉનિક્સ, અપ્લાયન્સિઝ સહિત તમામ ચીજોના વેચાણમાં ઊંચા ભાવને કારણે ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું જે નવેમ્બરમાં ૦.૨ ટકા વધ્યું હતું તેમ જ માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનમાં થયેલો ઘટાડો છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો જે બતાવે છે કે હવે અમેરિકામાં ઇન્ફ્લેશનનું જોખમ ઝડપથી ઘટી રહ્યું છે. ડિસેમ્બરમાં એનર્જી કૉસ્ટ ૭.૯ ટકા અને ફૂડ પ્રાઇસમાં ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ડિસેમ્બરમાં ૦.૭ ટકા ઘટ્યું હતું જે નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટ્યું હતું તેમ જ માર્કેટની ધારણા માત્ર ૦.૧ ટકા ઘટાડાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં થયેલો ઘટાડો છેલ્લા ૧૫ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. ઇન્ડસ્ટ્રિયલ કૅપેસિટી યુટિલાઇઝેશનમાં ૦.૬ ટકાનો ઘટાડો થઈને કૅપેસિટી ૭૮.૮ ટકાએ પહોંચી હતી.
યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ નવેમ્બરમાં ઘટીને ૧૩.૪ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૩.૮ અબજ યુરો હતી. ગુડ્ઝ સરપ્લસ ઘટી હતી એની સામે સર્વિસ સરપ્લસ વધી હતી. જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૧૨૧.૨ અબજ યુરો રહી હતી જે ૨૦૨૧માં આ સમયગાળામાં ૨૬૬.૮ અબજ યુરોની સરપ્લસ રહી હતી. યુરો એરિયાની સતત નબળી પડી રહેલી ઇકૉનૉમીને કારણે ૨૦૨૨માં નવેમ્બર સુધીમાં કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ડેફિસિટમાં પરિવર્તિત થઈ ચૂકી હતી.
ચાઇનીઝ ઇકૉનૉમી હવે ઝડપથી સુધરી રહી છે. દાવોસ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ચાઇનીઝ વાઇસી પ્રીમિયર લી હુએ દાવો કર્યો હતો કે ૨૦૨૩માં ચીનની ઇકૉનૉમી પ્રી-કોવિડ લેવલે પહોંચી જશે. ઇકૉનૉમિક ડેટામાં સુધારાના સંકેત મળવાના શરૂ થતાં એની અસરે ચીનના બન્ને સ્ટૉક ઇન્ડેક્સ સતત સુધરી રહ્યા છે. ગુરુવારે ચીનના બન્ને સ્ટૉક ઇન્ડેક્સ ૦.૪૯થી ૦.૮૭ ટકા સુધરીને નવી ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ચીનમાં આગામી સપ્તાહથી લુનર ન્યુ યરના તહેવારો શરૂ થશે અને આઠ દિવસ તમામ માર્કેટો બંધ રહેશે.
જપાનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે સતત સુધરી રહ્યું છે. ગુરુવારે જપાનીઝ યેન ડૉલર સામે સુધરીને ૧૨૮ના લેવલે પહોંચ્યું હતું, કારણ કે માર્ચમાં યોજાનારી બૅન્ક ઑફ જપાનની મીટિંગમાં મૉનિટરી પૉલિસીમાં ફેરફાર થવાની શક્યતા ફરી ચર્ચાઈ રહી છે. વળી એપ્રિલથી બૅન્ક ઑફ જપાનના ગવર્નર હારુહિકો કુરોડા રિટાયર થઈ રહ્યા હોવાથી મૉનિટરી પૉલિસીમાં યુ-ટર્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
જપાનીઝ યેનનું મૂલ્ય સુધરતાં અમેરિકી ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ઘટીને નવી સાત મહિનાની નીચી સપાટીએ ૧૦૧.૫૩ના લેવલે પહોંચ્યું હતું. અમેરિકાના રીટેલ સેલ્સમાં ઘટાડો થતાં તેમ જ પ્રોટ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ડેટા પણ નબળા આવતાં હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવા માટે કોઈ કારણ બચ્યું નથી. આથી ફેબ્રુઆરીમાં ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટથી વધારે વધારી શકે એમ નથી એ નિશ્ચિત થતાં ડૉલર સતત ઘટી રહ્યો છે. ફેડના ત્રણ ઑફિશ્યલ્સે ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરીને ૨૦૨૩ના એન્ડ સુધીમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૫.૫ ટકાએ પહોંચાડવાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ડૉલર ગુરુવારે સુધરીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો.
જપાનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૧૧.૫ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૨૦ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૦.૧ ટકા વધારાની હતી, જ્યારે જપાનની ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ૨૦.૬ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૩૦.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૨૨.૪ ટકા વધારાની હતી. જપાનની એક્સપોર્ટના વધારા સામે ઇમ્પોર્ટનો વધારો મોટો હોવાથી ડિસેમ્બરમાં ટ્રેડ ડેફિસિટ વધીને ૧૪૪૮.૫ અબજ યેન રહી હતી જે એક વર્ષ અગાઉ ૬૦૩.૧ અબજ યેન હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકામાં રિસેશનની શરૂઆત થઈ ચૂકી હોવાના અનેક સંકેતો ઇકૉનૉમિક ડેટામાંથી મળી રહ્યા છે. ડિસેમ્બરમાં રીટેલ સેલ્સમાં ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં છેલ્લા ૧૫ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશનનો ઘટાડો છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો હોવાથી હવે ફેડને ઇન્ટરેસ્ટમાં વધારો કરવા માટે મજબૂત કારણો રજૂ કરવાં પડશે. ફેડના તમામ ઑફિશ્યલ્સ હજુ ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરી રહ્યા છે, પણ અન્ય કરન્સી જેમાં ખાસ કરીને જપાનીઝ યેનની વધી રહેલી મજબૂતીથી ડૉલરના ઘટાડાને રોકવો મુશ્કેલ છે. આથી સોનામાં તેજીની આગેકૂચ હવે સહેલી બની રહી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૬૭૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૪૪૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૪૪૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)