18 April, 2023 02:12 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેડ મે મહિના પછી ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે શકે એવી શક્યતા વધતાં સોનામાં ઘટાડો લાંબો ટકી શક્યો નહોતો અને સોમવારે સોનામાં નવેસરથી તેજી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૩૯ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
સોનું શુક્રવારે બે ટકા ઘટ્યા બાદ સોમવારે ફરી ઊછળ્યું હતું. ફેડના ઑફિશ્યલ્સ સતત મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરી રહ્યા છે અને સીએમઈ ફેડ વૉચના તારણ અનુસાર હવે મે મહિનામાં ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સિસ વધીને ૮૬ ટકાએ પહોંચ્યા છે, પણ ચીનના ઇકૉનૉમિક ગ્રોથમાં થઈ રહેલા વધારા અને ફેડ મે મહિના પછી કેટલો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરી શકશે એ વિશે ભારે શંકા હોવાથી સોનામાં મંદી ટકતી નથી. સોનું શુક્રવારે ઘટીને ૧૯૯૨.૩૦ ડૉલર થયા બાદ સોમવારે વધીને એક તબક્કે ૨૦૧૫.૫૦ ડૉલર થયા બાદ સોમવારે સાંજે ૨૦૦૯થી ૨૦૧૦ ડૉલર હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે વધીને ૧૦૨ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાની ટૉપ લેવલની બૅન્કો જેપી મૉર્ગન, સિટી ગ્રુપ, વોલ્સ ફાર્ગોના ફર્સ્ટ ક્વૉર્ટરનાં અર્નિંગ રિઝલ્ટ ઘણાં સારાં આવ્યાં હતાં તેમ જ અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સુધરતાં ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવો વિશ્વાસ વધતાં ડૉલર મજબૂત બન્યો હતો. વળી અમેરિકન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં ફેડને ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા સિવાય છૂટકો નથી.
અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ એપ્રિલમાં વધીને ૬૩.૫ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે માર્ચમાં ૬૨ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા પણ ૬૨ પૉઇન્ટની હતી. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટની કરન્ટ કન્ડિશનનો ઇન્ડેક્સ વધીને ૬૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૬૬.૩ પૉઇન્ટ હતો તેમ જ કન્ઝ્યુમર એક્સપેક્ટેશનનો ઇન્ડેક્સ વધીને ૬૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૯.૨ પૉઇન્ટ હતો. એક વર્ષ પછીના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન પાંચ મહિનાની ઊંચાઈએ ૪.૬ ટકા રહ્યું હતું, જે માર્ચમાં ૩.૬ ટકા હતું. અમેરિકન પબ્લિક હજી એવું માની રહી છે કે ઇન્ફ્લેશન શૉર્ટ રનમાં હજી ઊંચું જશે. અમેરિકાની મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરી ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૦.૨ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી.
અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માર્ચમાં ૦.૪ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પણ ૦.૨ ટકા વધારાની હતી. ઇન્ડસ્ટ્રિયલ યુટિલિટીનો ઇન્ડેક્સ વધીને ૮.૪ ટકાએ પહોંચ્યો હતો. જોકે મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ૦.૫ ટકા ઘટ્યું હતું જેના વિશે ૦.૧ ટકા ઘટવાની ધારણા હતી. કૅપેસિટી યુટિલાઇઝેશન માર્ચમાં વધીને ૭૯.૮ પૉઇન્ટે પહોંચ્યું હતું જે લૉન્ગ રન ઍવરેજથી ૦.૧ ટકા વધુ હતું.
અમેરિકાના રીટેલ સેલ્સમાં માર્ચમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો જે ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા ઘટ્યું હતું. માર્કેટની ધારણા ૦.૪ ટકા ઘટાડાની હતી એની બદલે એક ટકા રીટેલ સેલ્સ ઘટ્યું હતું. અમેરિકન પબ્લિક પર કૉસ્ટ રાઇઝિંગ અને ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસર હવે દેખાવા લાગી છે. સૌથી મોટો ઘટાડો ગૅસોલીન સ્ટેશનના સેલ્સ પર દેખાયો હતો, એમાં ૫.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત બિલ્ડિંગ મટીરિયલ્સ, ગાર્ડન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રૉનિક્સ, ક્લોધિંગ, મોટર વેહિકલ અને ફર્નિચરના સેલ્સમાં ઘટાડો થયો હતો.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ વન યર મિડિયમ ટર્મ લૅન્ડિંગના ઇન્ટરેસ્ટ રેટ ૨.૭૫ ટકા સતત પાંચમાં મહિને જાળવી રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયને પગલે ચાઇનીઝ માર્કેટમાં ૧૭૦ અબજ યુઆન ઠલવાયા હતા. ચીનની સેન્ટ્રલ બૅન્ક ઇકૉનૉમીને બૂસ્ટ કરવા દર મહિને માર્કેટમાં મની ફ્લો વધારી રહી છે.
ચીનના ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં રહેણાક મકાનોના ભાવ માર્ચમાં ૦.૮ ટકા ઘટ્યા હતા, જે ફેબ્રુઆરીમાં ૧.૨ ટકા ઘટ્યા હતા. રહેણાક નવાં મકાનોના ભાવમાં સતત અગિયારમાં મહિને ઘટાડો નોંધાયો હતો અને હાલ રહેણાક મકાનોના ભાવ ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટી છેલ્લા એક વર્ષથી પ્રૉપટી માર્કેટની હેલ્થ સુધારવા અને રહેણાક મકાનોના ભાવ નીચા લાવવા પ્રયત્નશીલ છે, એનાં પરિણામો હાલ મળવાનાં શરૂ થયાં છે.
ચાઇનીઝ સ્ટૉક માર્કેટ સોમવારે ૦.૮ ટકા વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ગયા સપ્તાહે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ચીનનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૨ ટકા રહેવાનું પ્રોજેક્શન રજૂ કરતાં તેમ જ મંગળવારે જાહેર થનારા ચીનના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટમાં પૉઝિટિવ સિગ્નલ આવવાના સંકેતોથી ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં હેવી વેઇટ ટેક્નૉલૉજી, ન્યુ એનર્જી અને કન્ઝ્યુમર સ્ટૉક કંપનીઓના શૅરમાં ભારે તેજી જોવા મળી હતી.
જૅપનીઝ યેન ડૉલર સામે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, કારણ કે બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર કાઉજો ઉડાએ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી હજી લાંબા સમય સુધી ચાલુ રાખવાની કમેન્ટ કરી હતી. જપાનનું ઇન્ફ્લેશન હાલ ત્રણ ટકા આસપાસ છે જે બૅન્ક ઑફ જપાનના બે ટકાના ટાર્ગેટ સુધી નહીં પહોંચે ત્યાં સુધી અલ્ટા ઇઝી મૉનિટરી પૉલિસી ચાલુ રાખવાની કાઉજો ઉડાની કમેન્ટથી જૅપનીઝ યેન સતત નબળો પડી રહ્યો છે.
ચાલુ સપ્તાહે ચીનના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટ ડેટા, રીટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા જાહેર થશે, જે સોના-ચાંદી સહિત અનેક માર્કેટની ફાઇનૅન્શિયલ હેલ્થ માટે ખૂબ મહત્ત્વના હશે. અમેરિકા, બ્રિટન, યુરો એરિયા, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મનીના એપ્રિલ મહિનાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા જાહેર થશે. બ્રિટન, જપાન, કૅનેડા, સાઉથ આફ્રિકા, મલેશિયા અને ન્યુ ઝીલૅન્ડના માર્ચ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકાની અનેક મોટી બૅન્કો અને કંપનીઓના ફર્સ્ટ ક્વૉર્ટરના અર્નિંગ ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે, જેમાં બૅન્ક ઑફ અમેરિકા, આઇબીએમ, નેટ ફ્લિક્સનો સમાવેશ છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચીનનો રોબેસ્ટ ઇકૉનૉમિક ગ્રોથ હવે સોના-ચાંદીની તેજીમાં મોટો રોલ ભજવશે. ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. ચાઇનીઝ પ્રૉપટી માર્કેટમાં રહેણાક મકાનોના ભાવ છેલ્લા અગિયાર મહિનાથી ઘટી રહ્યા છે અને ૨૦૨૩માં ચીનનો ગ્રોથ ફાસ્ટેસ્ટ રહેવાની ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડની આગાહીથી આગામી મહિનામાં ચાઇનીઝ પબ્લિકની ફિઝિકલ સોનાની ખરીદી વધશે. ઉપરાંત પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના પણ ગોલ્ડ રિઝર્વમાં ઝડપથી વધારો કરશે. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ છેલ્લા પાંચ મહિનામાં ૧૨૦ ટન સોનું ખરીદ્યું હોવા છતાં હજી પણ દર મહિને સોનાની ખરીદી ચાલુ રહેશે એવી ધારણા છે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવશે અને ઇન્ફ્લેશન સતત વધતું રહેશે ત્યારે ચાઇનીઝ ફૅક્ટર સોનાની તેજીને બૂસ્ટર ડોઝ આપશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૨૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,3૮૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૫,૫૩૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)