06 January, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેડના મેમ્બરો ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડવાના મતના હોવાથી અને અમેરિકાના જૉબડેટા નબળા આવવાની ધારણા હોવાથી સોનામાં મજબૂતી જળવાયેલી હતી. ભારતીય રૂપિયાની મજબૂતીને કારણે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૯૩ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
ફેડની ડિસેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડવાનો મત વ્યક્ત કર્યો હતો ત્યારે હવે અમેરિકાના ડિસેમ્બર મહિનાના જૉબડેટાની રાહમાં સોનું સાત મહિનાની ઊંચી સપાટીએ રેન્જબાઉન્ડ રહ્યું હતું. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ગુરુવારે મોડી રાતે અને ડિસેમ્બરના નૉન-ફાર્મ પેરોલ ડેટા શુક્રવારે જાહેર થશે. આ ડેટા નબળા આવવાની ધારણા માર્કેટે વ્યક્ત કરી હોવાથી સોનામાં મજબૂતી જળવાયેલી હતી. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી હતી, જ્યારે અમેરિકન ફેડે માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આગામી મીટિંગમાં ૫૦થી ૭૫ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શક્યતા હોવાથી યુરો સતત વધી રહ્યો છે. યુરો હાલ ડૉલર સામે સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. વળી ૨૦૨૨માં યુરોનું મૂલ્ય સાત ટકા ઘટીને ૨૦ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હોવાથી હાલ યુરોના મૂલ્યમાં ફાસ્ટ રિકવરી જોવા મળી રહી છે, જેની અસરે ડૉલર સતત ઘટી રહ્યો છે.
અમેરિકન ફેડની ડિસેમ્બર મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પણ સાથે ઇકૉનૉમિક સ્લોડાઉનને રોકવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, પણ ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫થી ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો થવાની શક્યતા ખૂલ્લી છે, કારણ કે ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે અને ઇન્ફ્લેશન હજી પણ ફેડના ટાર્ગેટથી સાડાત્રણ ગણો વધુ છે. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં સતત બીજે મહિને ઘટ્યો હતો અને જૉબમાર્કેટમાં સતત નબળાઈ વધી રહી હોવાથી તેમ જ વર્લ્ડની ટૉપમોસ્ટ એજન્સીઓ રિસેશનની સતત આગાહી કરી રહી હોવાથી ફેડની ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાતની અસર ડૉલર પર થતી નથી. ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૧૦૪.૨ના લેવલે પહોંચ્યો હતો.
અમેરિકન જૉબ ઓપનિંગના નંબર નવેમ્બરમાં ૫૪,૦૦૦ ઘટીને ૧૦૫ લાખે પહોંચ્યા હતા, જે માર્કેટની ૧૦૦ લાખની ધારણા કરતાં વધુ હતા. માર્ચ મહિનામાં જૉબ ઓપનિંગ નંબર ૧૧૯ લાખ ટન હતા, ત્યાંથી જૉબ ઓપનિંગ નંબર સતત ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં ઇન્શ્યૉરન્સ અને ફાઇનૅન્સ સેક્ટરમાં સૌથી વધુ ૭૫,૦૦૦ જોબ ઓપનિંગ નંબર ઘટ્યા હતા. ત્યાર બાદ ફેડરલ ગવર્નમેન્ટ ઑફિસોમાં ૪૪,૦૦૦ ઘટ્યા હતા.
અમેરિકામાં નવેમ્બરમાં ૪૧.૭ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી, જે અગાઉના મહિનાથી ૧.૨૬ લાખ વધુ હતી. ગત વર્ષે એક મહિનામાં ૪૬ લાખ લોકોએ નોકરી ગુમાવ્યાનો રેકૉર્ડ હતો, પણ આ રેકૉર્ડથી નવેમ્બરમાં ઓછા લોકોએ નોકરી ગુમાવી હતી. હેલ્થકૅર અને સોશ્યલ અસિસ્ટન્ટ સેક્ટરમાં સૌથી વધુ ૮૨,૦૦૦ લોકોએ નોકરી ગુમાવી હતી, જ્યારે ટ્રાન્સપોર્ટ-વેરહાઉસ સેક્ટરમાં ૭૩,૦૦૦ અને ઇન્ફર્મેશન સેક્ટરમાં ૧૯,૦૦૦ લોકોએ નોકરી ગુમાવી હતી.
અમેરિકામાં મૉર્ગેજ રેટ ફરી ગત સપ્તાહે વધ્યા હતા. ૩૦ વર્ષનો ફિક્સ મૉર્ગેજ રેટ વધીને ૬.૫૮ ટકાએ પહોંચ્યા હતા, જે અગાઉના સપ્તાહે ૬.૪૨ ટકા હતા. મૉર્ગેજ રેટ સતત ઘટી રહ્યા હતા એમાં બ્રેક લાગતાં હાઉસિંગ સેક્ટરને મોટી અસર થવાની શક્યતા છે. મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશનમાં છેલ્લા સપ્તાહમાં ૧૦.૩ ટકાનો ઘટાડો થઈને મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યા ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વના મોટા ભાગના મેમ્બરો ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડવાના મતના છે ત્યારે ૧-૨ ફેબ્રુઆરીએ મળનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો થાય છે એની ચર્ચા હવેના દિવસોમાં જોર પકડશે. ફેડરલ રિઝર્વે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી ત્યારથી ડિસેમ્બર સુધીમાં ચાર વખત ૭૫ બેસિસ પૉઇન્ટ, બે વખત ૫૦ બેસિસ પૉઇન્ટ અને એક વખત ૨૫ બેસિસ પૉઇન્ટનો એમ કુલ સાત વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે ત્યારે ફેબ્રુઆરીમાં જો ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાની ચર્ચા જોર પકડશે તો સ્વાભાવિકપણે ડૉલરનું મૂલ્ય ઘટશે. વળી જો ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારા કરતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને અન્ય સેન્ટ્રલ બૅન્કો દ્વારા જો ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરાશે તો ડૉલર પર દબાણ વધશે. આથી ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્કો આગામી મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ કેટલો વધારો કરે છે એ સોનાની માર્કેટની તેજીની ગતિ નક્કી કરશે. ફેડે સાત વખત ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કર્યો હોવાથી અને અમેરિકાના ઇકૉનૉમિક ડેટામાં રિસેશનના સ્પષ્ટ સંકેતો દેખાવાના શરૂ થયા હોવાથી હવે ફેડ મોટો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરી શકશે નહીં એ નક્કી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૫,૭૯૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૫૭૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૬૭૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)