અમેરિકન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા છ મહિનાના તળિયે પહોંચતાં સોનામાં નવેસરથી વધારો

16 May, 2023 01:13 PM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલરની મજબૂતી છતાં અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પ્રાઇસના ડેટા પણ નબળા આવતાં સોનામાં નવેસરથી વધારો નોંધાયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૧૫ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે સોનું સોમવારે નવેસરથી સુધર્યું હતું. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા છ મહિનાની નીચી સપાટીએ અને એક્સપોર્ટ પ્રાઇસમાં ૨૩ મહિનાનો અને ઇમ્પોર્ટ પ્રાઇસમાં બાવીસ મહિનાનો વાર્ષિક ઘટાડો નોંધાયો હતો. ફેડ ગવર્નરની ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરતી કમેન્ટને પગલે ડૉલર એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, પણ અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે સોના, ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ તમામ કીમતી ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ મે મહિનામાં છ મહિનાની નીચી સપાટીએ ૫૭.૭ પૉઇન્ટે પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૬૩.૫ પૉઇન્ટ હતું અને માર્કેટની ૬૩ પૉઇન્ટની ધારણા કરતાં ઘણું નીચું રહ્યું હતું. કરન્ટ ઇકૉનૉમિક કન્ડિશનને બતાવતો સબ-ઇન્ડેક્સ ઘટીને ૬૪.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૬૮.૨ પૉઇન્ટ હતો. કરન્ટ મેક્રો ઇકૉનૉમિક ડેટામાં હજી સુધી રિસેશનના કોઈ સંકેત નથી, પણ ઇકૉનૉમિક સિચુએશન નબળી હોવાના સંકેત કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા પરથી મળી રહ્યા છે. એક વર્ષ પછીના ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ઘટીને ૪.૫ ટકાએ પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૪.૬ ટકા હતું. આગામી પાંચ વર્ષનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ વધીને ૧૨ વર્ષની ઊંચાઈએ ૩.૨ ટકાએ પહોંચ્યું હતું, જે એપ્રિલમાં ત્રણ ટકા હતું. 

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે વધીને એક મહિનાની ઊંચાઈએ ૧૦૨.૫ના લેવલે પહોંચ્યો હતો. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા નબળા આવ્યા હોવા છતાં ફેડના ગવર્નર માઇકલ બોમને જણાવ્યું હતું કે જો ઇન્ફ્લેશન વધતું રહેશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવો પડશે. 

અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ એપ્રિલમાં ૦.૨ ટકા વધી હતી, જે માર્ચમાં ૦.૬ ટકા ઘટી હતી, પણ માર્કેટની ધારણા પ્રમાણે રહી હતી. ખાસ કરીને ઍગ્રિકલ્ચર કૉમોડિટીના ભાવ વધતાં એની પ્રાઇસ ૦.૪ ટકા વધી હતી, જે માર્ચમાં ૧.૯ ટકા ઘટી હતી. નૉન-ઍગ્રિકલ્ચર એક્સપોર્ટ પ્રાઇસ ૦.૨ ટકા વધી હતી. અમેરિકન એક્સપોર્ટ પ્રાઇસ યર-ટુ-યર ૫.૯ ટકા ઘટી હતી, જે ઘટાડો છેલ્લા ૨૩ મહિનાનો સૌથી મોટો હતો. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ એપ્રિલમાં ૦.૪ ટકા વધી હતી, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી પહેલો વધારો હતો અને ૧૦ મહિનાનો સૌથી મોટો વધારો હતો. ઇમ્પોર્ટ પ્રાઇસ છેલ્લા એક વર્ષમાં ૪.૮ ટકા ઘટી હતી જે બાવીસ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. 

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ વન યર મિડિયમ ટર્મ લૅન્ડિંગ ફૅસિલિટી માટે ૨.૭૫ ટકા જાળવી રાખ્યા હતા અને માર્કેટમાં આ ચૅનલ મારફત ૧૨૫ અબજ યુઆન ઠાલવ્યા હતા. એ જ રીતે સાત દિવસની લૅન્ડિંગ ફૅસિલિટી માટે બે ટકા જાળવી રાખીને માર્કેટમાં બે અબજ યુઆન ઠાલવ્યા હતા. 

યુરોપિયન કમિશને યુરો એરિયાના ગ્રોથ રેટનું પ્રોજેક્શન ૨૦૨૩ માટે ૦.૮ ટકાથી વધારીને એક ટકો કર્યું હતું, જ્યારે ૨૦૨૪ માટેનું ગ્રોથ પ્રોજેક્શન ૧.૬ ટકાથી વધારીને ૧.૭ ટકા કર્યું હતું. જર્મનીનો ગ્રોથ ૨૦૨૩માં ૦.૨ ટકા અને ૨૦૨૪માં ૧.૪ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો. યુરો એરિયાનું ઇન્ફ્લેશન ૨૦૨૩માં ૫.૬ ટકાથી વધારીને ૫.૮ ટકા કર્યું હતું તેમ જ ૨૦૨૪ માટે ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨.૫ ટકાથી વધારીને ૨.૮ ટકા મૂક્યું હતું. યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માર્ચમાં ૪.૧ ટકા ઘટ્યું હતું જે માર્કેટની ૨.૫ ટકાના ઘટાડાની ધારણા કરતાં વધુ ઘટ્યું હતું. 

જપાનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૨૦ મહિનાની નીચી સપાટીએ ૫.૮ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૭.૪ ટકા હતું. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનમાં સતત ચોથા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. મન્થ્લી બેઝ પર પ્રોડ્યુસર્સ પ્રાઇસ ૦.૨ ટકા વધી હતી, જે માર્ચમાં ૦.૧ ટકા વધી હતી. 

ચાલુ સપ્તાહે ફેડના અનેક ઑફિશ્યલ્સની સ્પીચ જુદાં-જુદાં પ્લૅટફૉર્મ પરથી યોજાવાની છે, જેમાં ફેડની મૉનિટરી પૉલિસી અને જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા સિશેનું સ્ટેન્ડ વધુ ક્લિયર થવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા, ઇન્ડસ્ટ્રિયલ  પ્રોડક્શન બિલ્ડિંગ પરમિટ, એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ અને હાઉસિંગ સ્ટાર્ટના ડેટા જાહેર થશે. ચીનના રીટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા જાહેર થશે, જેમાંથી ચીનની ઇકૉનૉમિક રિકવરીનો ગ્રાફ સ્પષ્ટ થશે. જપાન, થાઇલૅન્ડ, નેધરલૅન્ડ્સ સહિત અનેક દેશોના ઇકૉનૉમિક ગ્રોથ ડેટા તેમ જ કૅનેડા-જપાનના ઇન્ફ્લેશનના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 

ભારતનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪.૭ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૫.૭ ટકા હતું અને માર્કેટની ૪.૮ ટકાની ધારણા કરતાં નીચું રહ્યું હતું. ફૂડ 
ઇન્ફ્લેશન ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૩.૮૪ ટકા રહ્યું હતું. ફ્યુઅલ અને ઇલેક્ટ્રિસિટીના ભાવ ૫.૫ ટકા વધ્યા હતા, જે માર્ચમાં ૮.૯ ટકા વધ્યા હતા. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા દર સપ્તાહે હાલક-ડોલક થઈ રહ્યા છે, કેટલાક ઇકૉનૉમિક સર્વેક્ષણ નબળા ઇકૉનૉમિક ડેટાનો એકરાર કરે છે, પણ રિસેશન વિશે સ્પષ્ટ કમેન્ટ કરવાથી બચી રહ્યા છે. અમેરિકન સરકાર ડિફૉલ્ટ થવાના આરે છે. સરકાર ડિફૉલ્ટ ન થાય એ માટે છેલ્લી ઘડીના પ્રયાસ થઈ રહ્યા છે. યુરોપિયન કમિશને યુરો એરિયાનું ૨૦૨૩ અને ૨૦૨૪નું ગ્રોથ પ્રોજેક્શન વધાર્યું છે, પણ એની સાથે ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન પણ વધાર્યું હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હજી લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારતું રહેશે એવો આડકતરો સંકેત આપ્યો છે. જો યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હજી ત્રણથી ચાર વખત ઇન્ટરેસ્ટ રેટ વધારે તો અમેરિકી ડૉલર નબળો પડતાં સોનાની તેજીને નવો સપોર્ટ મળી શકે છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૨૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૯૬૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૨,૪૫૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation