06 April, 2023 03:05 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ બાદ જૉબ-ઓપનિંગ ડેટા પણ નબળા આવતાં ડૉલરના ઘટાડાથી સોનું ખરીદવા દોડ લાગતાં છેલ્લા ૨૪ કલાકમાં સોનું ૪૭ ડૉલર ઊછળ્યું હતું અને ભાવ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૬૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૧૩૪ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા ૩૪ મહિનાની નીચી સપાટીએ અને સતત પાંચમા મહિને ઘટ્યા બાદ જૉબ-ઓપનિંગ ડેટા ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અમેરિકન ડૉલર ગગડ્યો હતો અને ટ્રેઝરી યીલ્ડ પણ ઘટ્યાં હતાં. આથી સોનામાં એકાએક ખરીદીનું આકર્ષણ જાગતાં લેવાવાળાએ દોટ મૂકતાં સોનું એક વર્ષની ઊંચી સપાટીએ વધીને ૨૦૨૮.૮૦ ડૉલર બુધવારે થયું હતું. સોનું મંગળવારે ઘટીને ૧૯૮૧.૪૦ ડૉલર હતું જે મંગળવારે ઓવરનાઇટ અને બુધવારે સાંજ સુધીમાં ૪૭ ડૉલર વધ્યું હતું. સોનું વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. જોકે ચાંદી થોડી ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં જૉબ-ઓપનિંગ નંબર ફેબ્રુઆરીમાં ૬.૩૨ લાખ ઘટીને ૨૨ મહિનાની નીચી સપાટીએ ૯૯ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૧૦૪ લાખની હતી. જૉબ-ઓપનિંગ નંબર લાંબા સમય પછી એક કરોડની નીચે પહોંચ્યા હતા. ખાસ કરીને પ્રોફેશનલ અને બિઝનેસ સર્વિસમાં ૨.૭૮ લાખ જૉબ-ઓપનિંગ નંબર ઘટ્યા હતા, જ્યારે હેલ્થકૅર, સોશ્યલ ઍસિસ્ટન્ટમાં ૧.૫૦ લાખ, ટ્રાન્સ્પોર્ટેશન, વૅરહાઉસિંગમાં ૧.૪૫ લાખ ઘટ્યા હતા, જ્યારે કન્સ્ટ્રક્શન, આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અને રિક્રીએશન સેક્ટરમાં જૉબ-ઓપનિંગ નંબર વધ્યા હતા.
અમેરિકામાં જૉબ ગુમાવનારાઓની સંખ્યા ફેબ્રુઆરીમાં ૧.૪૬ લાખ વધીને ૪૦.૨ લાખે પહોંચી હતી જે હજુ હાઇએસ્ટ ૪૫ લાખથી નીચે છે, પણ જૉબ ગુમાવનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને પ્રોફેશનલ અને બિઝનેસ સેક્ટરમાં ૧.૧૫ લાખ અને અકોમોડેશન-ફૂડ સેક્ટરમાં ૯૩ લાખે નોકરી ગુમાવી હતી. વૉલન્ટરી જૉબ છોડનારાઓની સંખ્યા ફેબ્રુઆરીમાં ૨.૬ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૨.૫ ટકા હતી.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સતત ત્રીજે મહિને વધીને ૧૫ મહિનાની ઊંચી સપાટીએ એપ્રિલમાં ૪૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૪૬.૯ પૉઇન્ટ હતો. જોકે હજુ ઇન્ડેક્સ ૫૦ પૉઇન્ટના લેવલ કરતાં નીચો હોવાથી ઇકૉનૉમિક કન્ડિશન બુલિશ ગણી શકાય નહીં અને આ ઇન્ડેક્સ સતત ૨૦મા મહિને ૫૦ પૉઇન્ટની નીચે છે. આગામી છ મહિનાની ઇકૉનૉમિક કન્ડિશનનો ઇન્ડેક્સ ૪૧.૬ પૉઇન્ટે એપ્રિલમાં યથાવત્ રહ્યો હતો, જ્યારે પર્સનલ ફાઇનૅન્સનો ઇન્ડેક્સ વધીને ૨૧ મહિનાની ઊંચાઈએ ૫૫.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર ફેબ્રુઆરીમાં ૦.૭ ટકા ઘટ્યા હતા જે સતત બીજે મહિને ઘટ્યા હતા. જાન્યુઆરીમાં નવા ઑર્ડર ૨.૧ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૫ ટકા ઘટાડાની હતી. ખાસ કરીને ફ્યુઅલના ભાવ વધતાં ટ્રાન્સ્પોર્ટેશન ઇક્વિપમેન્ટની ડિમાન્ડ ૨.૮ ટકા ઘટી હતી, જેમાં સિવિલિયન ઍરક્રાફ્ટની ડિમાન્ડ ૬.૬ ટકા અને ડિફેન્સ ઍરક્રાફ્ટની ડિમાન્ડ ૧૧.૧ ટકા ઘટી હતી.
રિઝર્વ બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડે તમામ ધારણાઓથી વિપરીત ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો જેને કારણે ન્યુ ઝીલૅન્ડ ડૉલરનું મૂલ્ય અમેરિકન ડૉલર સામે સાત સપ્તાહની ઊંચાઈએ ૦.૬૩ ડૉલરના લેવલે પહોંચ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડે સતત અગિયારમી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૫ વર્ષની ઊંચાઈએ ૫.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા. ઑક્ટોબર-૨૦૨૧થી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરીને અત્યાર સુધીમાં ૫૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા.
જપાનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૫૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૨ પૉઇન્ટની હતી. જપાનના સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત સાતમા મહિને વધારો નોંધાયો હતો અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ દસ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી રિપોર્ટમાં ૫૧.૯ પૉઇન્ટ હતો અને સતત ત્રીજે મહિને પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો.
અમેરિકના મૅન્યુફૅક્ચરિંગ ડેટા ૩૪ મહિનાની નીચી સપાટીએ આવ્યા બાદ જૉબ-ઓપનિંગ ડેટા નબળા આવતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને ટેન યર ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ છ મહિનાની નીચી સપાટીએ ૩.૩૭ ટકા થયાં હતાં.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનું અગાઉ ઑગસ્ટ-૨૦૨૦ અને માર્ચ-૨૦૨૨માં ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કર્યા બાદ ૨૦૨૩ના આરંભે બીજી વખત ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરીને નવી ઊંચાઈ તરફ ઝડપથી જઈ રહ્યું છે. સોનાની ઑલટાઇમ હાઈ સપાટી ૨૦૭૫ ડૉલર છે. અમેરિકાના એક પછી એક નબળા ઇકૉનૉમિક ડેટાએ ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવાના પ્લાનમાં ફેરવિચારણા કરવી પડે એવી સ્થિતિ એકાએક ઊભી થતાં સોનું જેટ ગતિએ ઊછળ્યું છે. બૅન્કિંગ ક્રાઇસિસ ભુલાઈ ગયા બાદ હવે અમેરિકાની નબળી ઇકૉનૉમિક કન્ડિશન હવે કેન્દ્રમાં છે. શુક્રવારે જાહેર થનારા નૉન ફાર્મ પે-રોલ ડેટા જો નબળા આવશે તો સોનું ૨૧૦૦ ડૉલરની સપાટીને વટાવી જશે, પણ નૉન ફાર્મ પે-રોલ ડેટા સ્ટ્રૉન્ગ આવશે તો સોનું ફરી ૨૦૦૦ ડૉલરની નીચે જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૭૫૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૫૧૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૧,૫૮૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)