અમેરિકાના જૉબડેટા ધારણા પ્રમાણે આવતાં ડૉલરની મજબૂતીથી સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ

11 April, 2023 01:52 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન મુદ્દે વધી રહેલા તનાવથી સોનામાં ગમે ત્યારે ઉછાળો આવવાની શક્યતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના માર્ચ મહિનાના જૉબડેટા ધારણા પ્રમાણે આવતાં અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટતાં ડૉલરની મજબૂતીથી સોનામાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે સોનું ઘટ્યા મથાળેથી ફરી સુધર્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૮ રૂપિયા ઘટ્યું હતું, પણ ચાંદી પ્રતિ કિલો ૩૯૨ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ

અમેરિકાના માર્ચ મહિનાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા માર્કેટની ધારણા પ્રમાણે આવતાં ડૉલરના ઘટાડાને બ્રેક લાગી હતી અને ડૉલર સુધર્યો હતો. એને કારણે સોનામાં પણ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ વધતાં ભાવ ઘટ્યા હતા. સોનું ગયા સપ્તાહના અંતે વધીને ૨૦૨૧.૩૦ ડૉલર થયું હતું, જે ડૉલરની મજબૂતીને લીધે સોમવારે એક તબક્કે ઘટીને ૧૯૮૯.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૦૨થી ૨૦૦૩ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. સોનું નીચા મથાળેથી સુધરતાં એને પગલે ચાંદી અને પ્લૅટિનમ પણ સુધર્યાં હતાં, પણ પૅલેડિયમ ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકામાં માર્ચ મહિનામાં ૨.૩૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જેના વિશે માર્કેટની ધારણા ૨.૩૯ લાખની હતી, પણ ફેબ્રુઆરીમાં ૩.૨૬ લાખ, જાન્યુઆરીમાં ૪.૭૨ લાખ, ડિસેમ્બરમાં ૨.૩૯ લાખ, નવેમ્બરમાં ૨.૯૦ લાખ અને ઑક્ટોબરમાં ૩.૨૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકામાં માર્ચ મહિનામાં ઉમેરાયેલી નવી નોકરી એ ૨૮ વર્ષની સૌથી ઓછી હતી. 
અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૩.૫ ટકાએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૩.૬ ટકા હતો અને માર્કેટની ધારણા પણ ૩.૬ ટકાની હતી. અમેરિકામાં અનએમ્પ્લૉઈડની સંખ્યા ૯૭,૦૦૦ ઘટીને ૫૮.૩૯ લાખે પહોંચી હતી અને લેબર પાર્ટિસિપેશન રેટ માર્ચમાં વધીને ૬૨.૬ ટકાએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૬૨.૫ ટકા હતો. લેબર પાર્ટિસિપેશન રેટ  બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. 

અમેરિકામાં એમ્પ્લૉઈનું વેતન માર્ચમાં પ્રતિ કલાક નવ સેન્ટ એટલે કે ૦.૩ ટકા વધીને પ્રતિ કલાક ૩૩.૧૮ ડૉલરે પહોંચ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા વધ્યું હતું. વાર્ષિક ધોરણે વેતન પ્રતિ કલાક ૪.૨ ટકા વધ્યું હતું. હાલ અમેરિકાના એમ્પ્લૉઈને મળતું વેતન છેલ્લા ૨૧ મહિનાનું સૌથી ઊંચું છે. ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે વેતન ૪.૬ ટકા વધ્યું હતું. 
અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા ધારણા પ્રમાણે આવતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ, જૉબ ઓપનિંગ, સર્વિસ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવ્યા બાદ નૉન-ફાર્મ પે-રોલ ડેટા ધારણા પ્રમાણે આવતાં તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટતાં  ફેડ મે મહિનામાં ધારણા પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એવી ધારણાને પગલે ડૉલર સુધર્યો હતો અને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. 

જપાનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૧૫ મહિનાની ઊંચી સપાટીએ ૫૩.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં બાવન પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૯ પૉઇન્ટની હતી. જપાનના સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત બીજે મહિને વધારો થયો હતો. ખાસ કરીને હાઉસિંગ રિલેટેડ ગુડ્સનું વેચાણ વધતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો. 

આ પણ વાંચો  : સોના-ચાંદીમાં તેજીની છલાંગ : હાલમાં ખરીદી કરવી કે ઘટાડા માટે રાહ જોવી?

જપાનનું કન્ઝ્યુમર મોરલ માર્ચમાં વધીને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ ૩૩.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૩૧.૧ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૩૧.૯ પૉઇન્ટની હતી. હાઉસહોલ્ડ ઇન્કમનો ઇન્ડેક્સ માર્ચમાં વધીને ૩૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૩૭.૪ પૉઇન્ટ હતો તેમ જ કન્ઝ્યુમર સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટ માર્ચમાં વધીને ૪૪.૩ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૪૧.૩ પૉઇન્ટ હતું. 

ચાલુ સપ્તાહે અમેરિકાના માર્ચના ઇન્ફ્લેશન ડેટા અને રીટેલ સેલ્સના ડેટા જાહેર થશે. આ ઉપરાંત ફેડની માર્ચ મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકાના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇશ્ર્ફ્લેશન અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. ચીનના ઇન્ફ્લેશન અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. બૅન્ક ઑફ કૅનેડા અને બૅન્ક ઑફ કોરિયાની પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે યોજાશે. ભારત, બ્રાઝિલ અને રશિયાના ઇન્ફ્લેશન ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. ક્રૂડ તેલની તેજીને પગલે અમેરિકાનું ઇન્ફ્લેશન વધીને આવશે તો ફેડને મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરજ પડશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

તાઇવાન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે અને આ મુદ્દો આગળ જતાં વધુ ગરમી પકડે એવા સંકેતો મળી રહ્યા છે. તાઇવાઇના પ્રેસિડન્ટ ત્સાઇ ઇંગવેનએ અમેરિકાના હાઉસ સ્પીકર કેવીન સાથે મીટિંગ કરતાં અમેરિકા અને ચીન વચ્ચે તનાવની શરૂઆત થઈ હતી. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે અને તાઇવાનની સરકાર અમેરિકા સાથે સંબંધો વિકસાવી રહી છે. ચીને તાઇવાનની બૉર્ડર નજીક શનિવારથી ત્રણ દિવસની પૅટ્રોલિંગ અને મિલિટરી એક્સરસાઇઝ શરૂ કરી હતી. તાઇવાનના સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે મૂઠભેડ થઈ હોવાના સમાચાર પણ છે. સોમવારે તાઇવાનની બૉર્ડર નજીક ચીનનાં ૭૦ ફાઇટર પ્લેન પૅટ્રોલિંગ કરતાં નજરે પડ્યાં હતાં. તાઇવાન મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે, પણ હાલ તાઇવાન અને ચીન બન્ને આક્રમક બન્યા છે અને ચીને તાઇવાન પર અટૅક કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હોવાના સમાચાર છે. આગામી દિવસોમાં જિયોપૉલિટિકલ ટેન્શન વધવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. દુનિયાના કોઈ પણ છેડે જિયોપૉલિટિકલ ટેન્શન વધે ત્યારે સોનામાં પ્રીમિયમ બોલાવાનું ચાલુ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩ મહિનાથી હજી યુદ્ધ ચાલુ છે એની અસર પણ સોનાના ભાવ પર હાલ દેખાઈ રહી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૫૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૧૧૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૫૫૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation