સોના-ચાંદીમાં નૉનસ્ટૉપ ઘટાડો સોનામાં સતત સાતમા અને ચાંદીમાં આઠમા દિવસે ઘટાડો

27 July, 2024 07:15 AM IST  |  Mumbai | Mayur Mehta

ઇઝરાયલે યુદ્ધ-સમાપ્તિ માટે નવી ડિમાન્ડ મૂકતાં સતત ઘટતા વિશ્વબજારમાં સોના-ચાંદી વધ્યાં : મુંબઈમાં સોનું સાત દિવસમાં ૫૮૪૮ રૂપિયા સસ્તું થયું : ચાંદી આઠ દિવસમાં ૧૦,૭૪૩ રૂપિયા તૂટી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીમાં નૉનસ્ટૉપ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ સતત સાતમા દિવસે અને ચાંદીનો ભાવ આઠમા દિવસે ઘટ્યો હતો. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ગઈ કાલે ૯૬ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૦૩ રૂપિયા ઘટ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા સાત દિવસમાં ૫૮૪૮ રૂપિયા અને ચાંદીનો ભાવ છેલ્લા આઠ દિવસમાં ૧૦,૭૪૩ રૂપિયા ઘટ્યો હતો.

વિશ્વબજારમાં સોના-ચાંદી વધ્યાં હતાં. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુની અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન સાથેની મુલાકાત દરમ્યાન ઇઝરાયલે યુદ્ધ-સમાપ્તિ માટે નવી ડિમાન્ડ મૂકતાં મામલો વધુ પેચીદો બન્યો હતો. વળી ઇઝરાયલની મિલિટરી અને કેટલાક મિનિસ્ટરો યુદ્ધ-સમાપ્તિના વિરોધમાં હોવાથી યુદ્ધ અટકવાની શક્યતા ઘટતાં સોના-ચાંદીમાં ઘટ્યા મથાળે સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૭મી જુલાઈએ વધીને ઑલટાઇમ હાઈ ૨૪૮૩.૬૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૩૫૫ ડૉલર થતાં નવ દિવસમાં ૪.૫ ટકાના ઘટાડો નોંધાયો હતો. ચાંદીમાં પણ ૩૧.૫૦ ડૉલરના ભાવ ઘટીને ૨૭.૫૬ ડૉલર થતાં ચાંદીમાં પણ લેવાલી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથરેટ બીજા ક્વૉર્ટરમાં ૨.૮ ટકા રહેવાનો રિપોર્ટ ઍડ્વાન્સ એસ્ટીમેટમાં બતાવાયો હતો. ફર્સ્ટ ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથરેટ ૧.૪ ટકા રહ્યો હતો. આમ ગ્રોથરેટનો જમ્પ ડબલ થયો હતો. ખાસ કરીને કન્ઝ્યુમર્સ સ્પે​ન્ડિંગ ૧.૫ ટકાથી વધીને ૨.૩ ટકા રહ્યુ હતું અને કન્ઝમ્પ્શન ઑફ ગુડ્સ અગાઉના ક્વૉર્ટરમાં ૨.૩ ટકા ઘટ્યું હતું જે બીજા ક્વૉર્ટરમાં ૨.૫ ટકા વધ્યું હતું. બીજા ક્વૉર્ટરમાં રેશિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત ઘટ્યું હતું, પણ નૉન રેશિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ૪.૪ ટકાથી વધીને ૫.૫૫ ટકા રહેતાં ઓવરઑલ કન્ઝમ્પ્શન વધ્યું હતું. વળી અમેરિકન પ્રોડક્ટની એક્સપોર્ટ ૧.૬ ટકાથી વધીને બે ટકાએ પહોંચી હતી.

અમેરિકાના નવા જૉબલેસ બેનિફિટ નંબર્સ ૨૦મી જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૦ હજાર ઘટીને ૨.૩૫ લાખ થયા હતા જે માર્કેટની ૨.૩૮ લાખની ધારણા કરતાં ઓછા હતા. જોકે હજી વાર્ષિક ઍવરેજ કરતાં નંબર્સ વધારે છે. એ​ક્ઝિ​સ્ટિંગ જૉબલેસ બેનિફિટ નંબર્સ ૫૫,૫૦૨ ઘટીને ૨.૨૫ લાખ રહ્યા હતા. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડર જૂનમાં ૬.૬ ટકા ઘટ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી.

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા અને જૉબલેસ બેનિફિટનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં રેટકટના ચા​ન્સિસ ફરી ઘટ્યા હતા. ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે એક તબક્કે ૧૦૪.૨૫ પૉઇન્ટ સુધી ઘટ્યા બાદ રેટકટના ચાન્સિસ ઘટતાં ૧૦૪.૩૭ પૉઇન્ટ સુધી વધ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિની ચર્ચા હાલ પીક પર છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ હાલ અમેરિકાની મુલાકાતે છે. ગુરુવારે અમેરિકન પ્રેસિડન્ટ જો બાયડન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ સાથે નેતન્યાહુની મુલાકાત થયા બાદ કમલા હૅરિસે તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની જાહેર અપીલ કરી હતી. યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ ઇજિપ્ત અને કતાર દ્વારા યુદ્ધ-સમાપ્તિના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. નેતન્યાહુના અમેરિકન કૉન્ગ્રેસ સમક્ષના વક્તવ્યનો ૧૦૦ કૉન્ગ્રેસ મેમ્બરોએ વિરોધ કરીને નેતન્યાહુના વક્તવ્યનો બહિષ્કાર કર્યો હતો. યુદ્ધ-સમાપ્તિની મંત્રણા વચ્ચે પણ ઇઝરાયલ દ્વારા પૅલેસ્ટીનનાં વિવિધ શહેરો પર હુમલાઓ ચાલુ છે. ઇઝરાયલની મિલિટરી અને કેટલાક મિનિસ્ટરો યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી, કારણ કે ઇઝરાયલના બંધકો હજી હમાસના કબજામાં છે ત્યારે ઇઝરાયલની મિલિટરી હમાસ સંપૂર્ણ ખતમ ન થાય ત્યાં યુદ્ધ ચાલુ રાખવા મક્કમ છે. આમ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો મામલો પેચીદો બન્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવ પર આ મામલાની મોટી અસર જોવા મળશે. યુદ્ધ સમાપ્ત થતાં તો જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોનું-ચાંદી ઘટશે, પણ જો મંત્રણા નિષ્ફળ રહી અને યુદ્ધ ચાલુ રહ્યું તો સોના-ચાંદીના ભાવને ફરી જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળશે.

business news gold silver price commodity market