29 March, 2023 03:56 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૅન્કિંગ ક્રાઇસિસ દ્વારા સોનામાં આવેલી સેફ હેવન ડિમાન્ડ હવે બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થતાં અન્ય માર્કેટમાં ડાઇવર્ટ થતાં સોના-ચાંદીમાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૧ વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
બૅન્કિંગ ક્રાઇસિસને કારણે અનેક ઇન્વેસ્ટરોએ સ્ટૉક માર્કેટ, કૉમોડિટી માર્કેટ અને બૉન્ડ માર્કેટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ સોના-ચાંદીમાં ડાઇવર્ટ કર્યું હતું, પણ હવે બૅન્કિંગ ક્રાઇસિસ હળવી બનતાં સોના-ચાંદીમાં ઇન્વેસ્ટ કરેલાં નાણાં ફરી સ્ટૉક માર્કેટ, કૉમોડિટી માર્કેટ અને બૉન્ડ માર્કેટ તરફ જઈ રહ્યા છે એને કારણે સોનાના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. સોનું સોમવારે ઘટીને ૧૯૪૩.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. પૅલેડિયમના ફન્ડામેન્ટ્સ નબળા પડતાં ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર સતત બીજે દિવસે ઘટ્યો હતો અને ૧૦૨.૫ના લેવલે પહોંચ્યો હતો. બૅન્કિંગ ક્રાઇસિસનો ધારણા કરતાં વહેલો અંત આવ્યો હોવાને અહેસાસે અમેરિકન ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ મોટા પ્રમાણમાં ઘટી જતાં ડૉલરનું મૂલ્ય ઘટ્યું હતું. વળી યુરો એરિયામાં બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થતાં યુરો અને અન્ય દેશોની કરન્સી પણ સુધરતાં ડૉલર પર દબાણ વધ્યું હતુ. અમેરિકન સિલિકૉન વૅલીમાં મહત્તમ શૅર ખરીદવા ફર્સ્ટ સિટિઝન બૅન્ક તૈયાર થતાં બૅન્ક ક્રાઇસિસ હળવી થઈ હતી. ક્રેડિટ સુઇસને યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે ટેકઓવર કરતાં યુરોપમાં બૅન્કિંગ ક્રાઇસિસ થોડા દિવસોમાં પૂરી થઈ હતી.
ચીનનું વેહિકલ સેલ્સ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨૦ ટકા ઘટ્યું હતું. જોકે ફેબ્રુઆરીમાં વેહિકલ સેલ્સ ગયા વર્ષના ફેબ્રુઆરી કરતાં ૧૦.૪ ટકા વધ્યું હતું. ગયા વર્ષે આ સમયે ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટીએ કેટલીક પ્રોડક્ટમાં ટૅક્સ રિલીફ આપી હોવાથી આ બે મહિને વેહિકલ સેલ્સ મોટે પાયે વધ્યું હતું. ચીનમાં વેહિકલ સેલ્સ ઘટતાં એની અસર પૅલેડિયમના ભાવ પર પડી હતી. વેહિકલ સેલ્સ ઘટતાં ઑટો કૅટાલિસ્ટ પૅલેડિયમની ડિમાન્ડ ઘટતાં ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ પ્રતિ ઔંસ ૧૩૭૫ ડૉલર થયા હતા. વળી પૅલેડિયમના સૌથી મોટા પ્રોડ્યુસરે ૨૦૨૨માં પૅલેડિયમનું ઉત્પાદન સાત ટકા વધ્યું હોવાનો રિપોર્ટ આપતાં ભાવ તૂટ્યા હતા.
ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૧.૮ ટકાનો વધારો થયો હતો, પણ માર્કેટની ધારણા માત્ર ૦.૧ ટકા વધારાની હતી એના કરતાં રીટેલ સેલ્સ વધુ વધ્યું હતું. રીટેલ સેલ્સમાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મોટી વધઘટ જોવા મળી હતી. એ વધઘટ પૂરી થઈ હોવાથી હવે રીટેલ સેલ્સ નૉર્મલ બન્યું હોવાનું માર્કેટ માને છે. ખાસ કરીને ફૂડ ચેઇન અંતર્ગત રેસ્ટોરાં, કૅફે અને ટેકઅવે ફૂડ સર્વિસનો ગ્રોથ હવે ગ્રૅજ્યુઅલી વધી રહ્યો છે. ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ સિવાયના તમામ પ્રોવિન્સમાં રીટેલ સેલ્સ વધ્યું હતું.
બ્રિટનનું રીટેલ સેલ્સ માર્ચમાં સતત બીજે મહિને સ્ટેબલ રહ્યાનો રિપોર્ટ ડિસ્ટ્રિબ્યુશન સર્વે કંપનીએ આપ્યો હતો. બ્રિટનનું ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવા છતાં છેલ્લા બે મહિનાથી રીટેલ સેલ્સમાં સતત વધારો થઈ રહ્યો છે. રીટેલ સર્વેનો ઇન્ડેક્સ ટ્રેડિંગ કમ્યુનિટિની ધારણા કરતાં વધુ રહ્યો હતો. આગામી મહિનામાં રીટેલ સેલ્સ વધવાનો અંદાજ છે જે વધારો સપ્ટેમ્બર ૨૦૨૨ પછીનો પહેલો વધારો હશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકા, યુરોપ અને અનેક દેશોમાં બૅન્કિંગ ક્રાઇસિસને કારણે ઊભો થયેલો ગભરાટ ધારણા કરતાં વહેલો શમી રહ્યો હોવાથી કરન્સી, કૉમોડિટી અને ઇક્વિટી માર્કેટ ફરી નૉર્મલ થઈ રહી છે. ખાસ કરીને ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ ઘટી ગઈ છે અને યુરો, પાઉન્ડ, યેન, ઑસ્ટ્રેલિયન ડૉલર તમામ કરન્સી સુધરતાં ડૉલરનું મૂલ્ય ઘટ્યું છે, જે શૉર્ટ ટર્મ સોના માટે પૉઝિટિવ છે, પણ બૅન્કિંગ ક્રાઇસિસ ખતમ થતાં ફેડ આગામી મે મહિનાની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એ નિશ્ચિત બનવા લાગ્યું છે. અમેરિકામાં જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ વધતા રહેશે ત્યાં સુધી સોનામાં મોટી તેજી થવાના ચાન્સિસ ઓછા રહેશે. ફેડ ચૅરમૅન તથા તમામ મેમ્બરો વારંવાર ઇન્ફ્લેશન સામેની લડાઈને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. બૅન્કિંગ ક્રાઇસિસને કારણે ફેડના ચૅરમૅન અને મેમ્બરોના ટોન થોડા નબળા પડ્યા હતા, પણ બૅન્કિંગ ક્રાઇસિસ ખતમ થતાં ફેડનો ટોન ફરી કડક બનશે અને ફરી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ગતિ વધારવાની ચર્ચા થશે. બૅન્કિંગ ક્રાઇસિસનો અંત આવતાં થોડા દિવસોમાં ફેડની મે મહિનાની મીટિંગમાં ફરી ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની પણ ચર્ચા શરૂ થઈ શકે છે. ફેડ મીટિંગમાં ૨૫ કે ૫૦ બેસિસ પૉઇન્ટ વધારે એ નિર્ણય કોઈ પણ હોઈ શકે, પણ ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારવાની ચર્ચા સોનામાં ૧૦થી ૨૦ ડૉલર ઘટાડવા માટે પૂરતી હશે. આથી બૅન્કિંગ ક્રાઇસિસનો ગભરાટ શમી ગયા પછીના ડેવલપમેન્ટ, અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા અને ફેડ ચૅરમૅન તથા મેમ્બરોના ટોન જોયા બાદ સોનામાં નવું સ્ટૅન્ડ લેવું જોઇઈએ ત્યાં સુધી વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિ રાખવી વધારે લાભદાયી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૮,૯૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૮,૭૨૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૯,૫૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)