07 April, 2023 02:54 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? એની શંકાઓ વધતાં સોનામાં અફરાતફરીનો માહોલ હતો. ડૉલર સુધરતાં સોનું ઘટ્યું હતું, પણ ઘટાડો ટકી શક્યો નહોતો અને ઘટ્યા મથાળેથી ફરી સોનું તેજીની રાહે આગળ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૮ રૂપિયા પ્રત્યાઘાતી ઘટ્યું હતું, પણ ચાંદીમાં તેજીની આગેકૂચ ચાલુ રહી પ્રતિ કિલો ૩૩૦ રૂપિયા વધ્યા હતા.
વિદેશી પ્રવાહ
અમેરિકાની સતત નબળી પડી રહેલી ઇકૉનૉમીને કારણે ફેડ મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? એની શંકાઓ વધી રહી હોવાથી સોનામાં તેજીનો ચરુ હજી ઉકળી રહ્યો છે. જોકે ડૉલર સુધરતાં સોનામાં ઊંચા મથાળે થોડું પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે હજી સોનું ૨૦૦૦ ડૉલરની સપાટીની ઉપર છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને જૉબ ઓપનિંગ ડેટા નબળા ગયા બાદ વધુ ડેટા જો નબળા આવશે તો સોનામાં વધુ તેજી આવશે. ગુરુવારે સોનું વધીને ૨૦૩૨.૯૦ ડૉલર અને ઘટીને ૨૦૧૦.૫૦ ડૉલર થયું હતું. ગુરુવારે સાંજે સોનું વધતાં એને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર સતત ઘટાડા બાદ ગુરુવારે સુધર્યો હતો. કેવલૅન્ડ ફેડ પ્રેસિડન્ટ લોરેટા મેસ્ટરે જણાવ્યું હતું કે અમેરિકન ઇકૉનૉમિક ગ્રોથ ધીમો પડ્યો હોવા છતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રાખશે. તેણીએ જણાવ્યું હતું કે અમેરિકાના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ પાંચ ટકાની ઉપર લાંબા સમય સુધી ચાલશે. અમેરિકાની મની માર્કેટનું માનવું છે કે મે મહિનામાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવશે અને જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શરૂઆત થશે, જેને પગલે ડૉલર બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પૉલિસી મીટિંગમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. સતત છ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ રેટ વધારાને બ્રેક લગાવી હતી. રિઝર્વ બૅન્કનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી છ ટકા છે, જ્યારે ફેબ્રુઆરીમાં ઇન્ફ્લેશન ૬.૪૪ ટકા હતું જે રિઝર્વ બૅન્કના ટાર્ગેટથી સતત બીજે મહિને ઊંચું રહ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા બાદ હવે ભારતે ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી વિશ્વની સેન્ટ્રલ બૅન્કો સતત ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે, જેમાં હવે બ્રેક લગાડવાની શરૂઆત ઑસ્ટ્રેલિયા અને ભારતે કરી છે, જેને અન્ય સેન્ટ્રલ બૅન્કો પણ અનુસરશે.
ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૨૮ મહિનાની ઊંચી સપાટીએ ૫૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઝડપી બન્યો છે અને નવા ઑર્ડરનો ગ્રોથ પણ ૨૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એક્સપોર્ટ બિઝનેસ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. સર્વિસ સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટ પણ વધીને ૨૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. બિઝનેસ સેન્ટિમેન્ટ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હોવા છતાં સર્વિસ સેક્ટરનો સ્ટ્રૉન્ગ ગ્રોથ જોવા મળ્યો હતો.
ચીનની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૫૨.૮ ટકા હોવાથી સર્વિસ સેક્ટરના ગ્રોથના કારણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ ૫૪.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૪.૨ પૉઇન્ટ હતો અને પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત ત્રીજે મહિને વધ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડર ૨૧ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. કેઝીનના ઇકૉનૉમિસ્ટ ડૉ. વેન્ગ ઝેએ જણાવ્યું હતું કે ઇકૉનૉમિક રિકવરીનું ફાઉન્ડેશન હજી સૉલિડ નથી, પણ ઇકૉનૉમિક કન્ડિશનના ગ્રોથના કારણે હાલ ડિમાન્ડ ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં ઘટીને ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૫.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૫ ટકાની હતી, એના કરતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘણો ધીમો રહ્યો હતો. વળી સર્વિસ સેક્ટરના ગ્રોથનો ઘટાડો છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. સર્વિસ સેક્ટરમાં પ્રાઇસ ફૅક્ટરનું દબાણ ઘટી રહ્યું હોવા છતાં ડિમાન્ડ અને એમ્પ્લૉયમેન્ટ સતત ઘટી રહ્યું હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધીમો પડી રહ્યો છે. અમેરિકન ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૭૭.૬ ટકા હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ માર્ચમાં ઘટીને ૫૨.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડર સતત ઘટી રહ્યા હોવાથી ગ્રોથ ધીમો પડ્યો છે.
અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તાઇવાન બાબતે ફરી તનાવ શરૂ થયો છે. તાઇવાનના પ્રેસિડન્ટ તેસી લૅન્ડ વેનએ અમેરિકા અને તાઇવાનના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પહેલ કરતાં ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટેન્શન વધ્યું છે, જેને કારણે ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ ગુરુવારે ઘટ્યા હતા. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ સ્ટ્રૉન્ગ રહ્યો હોવા છતાં અમેરિકા-ચીન વચ્ચે સંબંધોમાં ટેન્શન વધતાં એની અસર શૅરબજારમાં જોવા મળી હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનામાં તેજીનાં કારણોની કોઈ કમી નથી, એ છેલ્લા દોઢ મહિનાની સોનાની તેજીએ બતાવી દીધું છે અને હજી એવાં કારણો ધરબાયેલાં પડ્યાં છે કે જે ગમે ત્યારે ઊભરી શકે છે. સોનું ચાલુ સપ્તાહે આટલા મોટા પ્રમાણમાં વધશે એવું કોઈએ માન્યું નહોતું. બૅન્કિંગ ક્રાઇસિસ ધીમી પડ્યા બાદ બધાનું માનવું હતું કે સોનું ઘટીને ૧૯૫૦ ડૉલરની સપાટીએ પહોંચશે, પણ ૧૯૫૦ ડૉલરની સપાટીએ પહોંચવાને બદલે સોનું હવે ૨૦૫૦ ડૉલરની સપાટી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જિયો-પૉલિટિકલ ટેન્શન, ઇકૉનૉમિક ક્રાઇસિસ અને ફિઝિકલ ડિમાન્ડનો વધારો આ સોનામાં તેજીનાં મુખ્ય ત્રણ કારણો છે. અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન મુદ્દે વધી રહેલું ટેન્શન, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ એ જિયો-પૉલિટિકલ ટેન્શનાં કારણો છે. અમેરિકા-યુરોપ, બ્રિટનની મંદી એ ઇકૉનૉમિક ક્રાઇસિસનાં કારણો છે અને ચીન-ભારતની સતત વધી રહેલી સોનાની ફિઝિકલ ડિમાન્ડ એ સોનામાં તેજીનું વધુ કારણ પણ મોજૂદ છે. આ ત્રણમાંથી કોઈ એક કારણની અસર વધશે ત્યારે સોનામાં ચાર-પાંચ દિવસમાં ૧૦૦ ડૉલરની તેજી થશે અને સોનું જોતજોતામાં ૨૧૦૦ ડૉલરની સપાટીને કુદાવી જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૨૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૧૬૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)