28 January, 2023 03:30 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ચોથા ક્વૉર્ટરના પ્રિલિમિનરી ગ્રોથ ડેટા માર્કેટની ધારણાથી સારા આવતાં ડૉલર સુધરતાં સોનામાં ટેમ્પરરી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે શુક્રવાર સાંજથી સોનું સુધરવા માંડ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૯૮ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકાના ગ્રોથ ડેટા ધારણા કરતાં સારા રહેતાં તેમ જ ફેડની મીટિંગ પૂર્વે ડૉલરમાં નીચા મથાળે લેવાલી દેખાતાં ડૉલર સુધરતાં સોનામાં ઘટાડો નોંધાયો હતો, પણ આ ઘટાડો ટેમ્પરરી રહ્યો હતો અને શુક્રવારે સાંજથી સોનાએ ફરી સુધારવાનું ચાલુ કર્યું હતું. અમેરિકાના ગ્રોથ ડેટા જાહેર થયા બાદ સોનું ઘટીને ૧૪૨૨ ડૉલર સુધી ઘટ્યું હતું, પણ શુક્રવારે એક તબક્કે સુધરીને ૧૯૩૨ ડૉલર થયા બાદ ૧૯૩૧થી ૧૯૩૨ ડૉલરના લેવલે સ્ટેડી રહ્યું હતું. સોનું સુધરતાં પૅલેડિયમ સુધર્યું હતું, પણ ડૉલર સુધરતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ચોથા ક્વૉર્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ રેટ ૨.૯ ટકા રહ્યો હતો, જે ત્રીજા ક્વૉર્ટરમાં ૩.૨ ટકા રહ્યો હતો, પણ માર્કેટની ધારણા ૨.૬ ટકા હતી એના કરતાં ગ્રોથ સારો રહ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ૨.૧ ટકા વધ્યું હતું, જે ત્રીજા ક્વૉર્ટરમાં ૨.૩ ટકા વધ્યું હતું, પણ માર્કેટની ધારણા ૨.૫ ટકા વધારાની હતી. પ્રાઇવેટ ઇન્વેન્ટરીમાં સુધારો થતાં ગ્રોથ રેટ માર્કેટની ધારણા કરતાં વધુ રહ્યો હતો. છેલ્લાં બે ક્વૉર્ટરથી પ્રાઇવેટ ઇન્વેન્ટરી ઘટી રહી હતી. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ૨.૧ ટકા રહ્યો હતો, જે ૨૦૨૧માં ૫.૯ ટકા રહ્યો હતો. ૨૦૨૨ના આરંભથી કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, એક્સપોર્ટ, પ્રાઇવેટ ઇન્વેન્ટરી ઇન્વેસ્ટમેન્ટ, નૉન રેશિડેન્શિયલ ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે એની સામે ફેડરલ ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ અને ઇમ્પોર્ટ સતત વધી રહી છે.
અમેરિકાની એક્સપોર્ટ ડિસમ્બરમાં ૧.૬ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ ૧.૯ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ ડિસેમ્બરમાં વધીને ૯૦.૩ અબજ ડૉલરે પહોંચી હતી, જે નવેમ્બરમાં ૮૨.૯ અબજ ડૉલર હતી. ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન અમેરિકાની ટ્રેડ ડેફિસિટ વધીને ૧.૧૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી, જે ૨૦૨૧માં ૧.૦૮ ટ્રિલ્યન ડૉલર હતી.
અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં ડિસેમ્બરમાં ૫.૬ ટકાનો વધારો નોંધાયો હતો, જે છેલ્લા ૩૦ મહિનાનો સૌથી મોટો વધારો હતો. માર્કેટની ધારણા ૨.૫ ટકા વધારાની હતી, જેના કરતાં ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર ડબલ વધ્યા હતા. ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટના ઑર્ડરમાં ૧૬.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ ગુડ્સ ઑર્ડર છેલ્લા પાંચ મહિનામાંથી ચાર મહિના વધ્યા હતા. ડિફેન્સ સહિતના નવા ઑર્ડર ૬.૩ ટકા વધ્યા હતા, પણ નૉન ડિફેન્સ નવા ઑર્ડર ૦.૨ ટકા ઘટ્યા હતા.
અમેરિકામાં નવા બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૧ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહે ૬૦૦૦ ઘટીને ૯ મહિનાની નીચી સપાટીએ ૧.૮૬ લાખ પર પહોંચી હતી જે માર્કેટની ૨.૦૫ લાખની ધારણા કરતાં ઘણી નીચી હતી.
આ પણ વાંચો: Union Budget 2023: શરૂ થઈ ગયું કાઉન્ટડાઉન, નાણાં મંત્રાલયમાં યોજાયો આ ખાસ સમારોહ
અમેરિકી ડૉલર ૧૦૨ના લેવલે સ્ટેડી હતો, કારણ કે અમેરિકાના ચોથા ક્વૉર્ટરના પ્રિલિમિનરી ડેટા ધારણા કરતાં સારા આવ્યા હતા. જોકે ફેડ આગામી સપ્તાહે ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે એવા ૯૫ ટકા ચાન્સ હોવાથી ડૉલરમાં સ્ટ્રૉન્ગ ગ્રોથ ડેટાની અસર જોવા મળી નહોતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા નબળા આવતાં ૨૦૨૩ના મધ્યમાં રિસેશનની અસર વધવાની આગાહી ઇકૉનૉમિસ્ટો કરી રહ્યા હોવાથી હાલમાં ડૉલરમાં સાવચેતી જોવા મળી રહી છે. વળી અન્ય કરન્સી ધીમી ગતિએ મજબૂત બની રહી હોવાથી ડૉલર પર દબાણ વધી રહ્યું છે.
અમેરિકી નવા સિંગલ ફૅમિલી હોમસેલ્સ ડિસેમ્બરમાં ૨.૩ ટકા વધીને ૬.૧૬ ચાર મહિનાની ઊંચાઈએ ૬.૧૬ લાખ રહ્યું હતું, જેના વિશે માર્કેટની ધારણા ૬.૧૭ લાખની હતી. ૨૦૨૨માં સિંગલ ફૅમિલી હોમસેલ્સ ૨૦૨૧ની સરખામણીમાં ૧૬.૪ ટકા ઘટ્યું હતું. ૨૦૨૨નું સિંગલ ફૅમિલી હોમસેલ્સ છેલ્લાં ચાર વર્ષનું નીચું રહ્યું હતું. મૉર્ગેજ રેટ વધતાં અમેરિકાની હાઉસિંગ માર્કેટ ૨૦૨૨ના માર્ચથી સતત નબળી પડી રહી છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકી ચોથા ક્વૉર્ટરના ગ્રોથ રેટના પ્રિલિમિનરી ડેટા અગાઉના ક્વૉર્ટર કરતાં નબળા આવ્યા હતા. જોકે માર્કેટની ધારણા કરતાં ડેટા સારા આવતાં અમેરિકી ડૉલર અને ટેન યર ટ્રેઝરી યીલ્ડ સુધર્યા હતા જેને કારણે સોનામાં ટેમ્પરરી પીછેહઠ જોવા મળી હતી. ફેડની મીટિંગ પછી હજી ટેમ્પરરી ઘટાડો જોવા મળી શકે છે, પણ ડૉલરની નબળાઈ હવે પછી સતત વધતી રહેશે એ નક્કી હોવાથી સોનામાં દરેક ઘટાડા પછી ડબલ ઉછાળો જોવા મળશે એવાં સેન્ટિમેન્ટ બની રહ્યાં છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ૨૦૨૨માં અમેરિકાનો ગ્રોથ રેટ ૨.૧ ટકા હતો, જે ૨૦૨૧માં ૫.૯ ટકા હતો. વર્લ્ડ બૅન્ક તથા અન્ય એજન્સીઓએ ૨૦૨૩માં અમેરિકાનો ગ્રોથ રેટ એક ટકા કરતાં ઓછો રહેવાની આગાહી કરી છે ત્યારે ડૉલર સતત ઘટતો રહેશે જે સોનાની તેજીને આગળ લઈ જશે.