11 May, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ભારતની સોનાની આયાત, જે ચાલુ ખાતાની ખાધ પર અસર કરે છે એ ૨૦૨૨-૨૩માં ૨૪.૧૫ ટકા ઘટીને ૩૫ અબજ ડૉલર થઈ ગઈ છે.વર્ષ ૨૦૨૧-૨૨માં પીળી ધાતુની આયાત ૪૬.૨ અબજ ડૉલરની થઈ હતી.ઑગસ્ટ ૨૦૨૨થી આ વર્ષે ફેબ્રુઆરી દરમ્યાન આયાતમાંવૃદ્ધિ દર નકારાત્મક ઝોનમાં હતો. માર્ચ ૨૦૨૩માં એ વધીને ૩.૩ અબજ ડૉલરનો થયો હતો જે એક વર્ષ અગાઉ એક અબજ ડૉલરનો થયો હતો.
જોકે ચાંદીની આયાત ગયા નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૧૨ ટકા વધીને ૫.૨૯ અબજ ડૉલર થઈ હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો છતાં દેશની વેપાર ખાધને ઘટાડવામાં મદદ કરી નથી. વર્ષ ૨૦૨૨-૨૩માં મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ ૨૬૭ અબજ ડૉલર હોવાનો અંદાજ છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૧૯૧ અબજ ડૉલરની હતી. ઉદ્યોગના નિષ્ણાતોના મતે સોના પરની ઊંચી આયાત જકાત અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે કીમતી ધાતુની આયાતમાં ઘટાડો થયો છે. ભારતે એપ્રિલ-જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન લગભગ ૬૦૦ ટન સોનાની આયાત કરી હતી. ઊંચી આયાત ડ્યુટીને કારણે એ આગલા વર્ષ કરતાં ઘટી ગઈ છે.