14 October, 2023 11:32 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ આક્રમક બનતાં તેમ જ અમેરિકાનું ઇન્ફ્લેશન ઊંચું રહેતાં સોનું વધીને સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ગ્રામ ૨૫૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૨ રૂપિયા વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાલુ આખું સપ્તાહ સોનું-ચાંદી તેજીતરફી રહ્યા હોવાથી ચાલુ સપ્તાહમાં સોનું ૧૮૫૭ રૂપિયા અને ચાંદી ૨૬૩૬ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશ પ્રવાહ
ઇઝરાયલ અને પૅલેસ્ટીન આંતકવાદી ગ્રુપ હમાસ વચ્ચેની લડાઈ સતત આક્રમક બની રહી છે અને સાત દિવસથી ચાલી રહેલા યુદ્ધની અસરે વર્લ્ડના અનેક દેશોમાં તનાવ વધી રહ્યો હોવાથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. ઉપરાંત અમેરિકાનું સપ્ટેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે ઘટવાને બદલે યથાવત્ રહ્યું હતું જેની અસરે સોનામાં નવી લેવાલી નીકળી હતી. ચીનનું ઇન્ફ્લેશન બૉટમ લેવલે હોવાથી ડિફ્લેશનરી પ્રેશર વધ્યું હતું. સોનાની તેજીનાં એકસાથે અનેક કારણો ભેગાં થતાં સોનું ઝડપથી ૧૯૦૦ ડૉલરની સપાટી તરફ આગળ વધીને સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. સોનું શુક્રવારે વધીને ૧૮૯૪.૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ સાંજે ૧૮૯૨થી ૧૮૯૩ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં વાર્ષિક ૬.૨ ટકા ઘટી હતી જે ઑગસ્ટમાં ૮.૮ ટકા ઘટી હતી. જોકે એક્સપોર્ટ ૭.૬ ટકા ઘટવાની ધારણા હતી એના કરતાં ઓછી ઘટી હતી. ચીનની એક્સપોર્ટ સતત પાંચમા મહિને ઘટી હતી. ખાસ કરીને ચીનના રેર અર્થની એક્સપોર્ટ ૧૭.૮ ટકા ઘટી હતી જે સૌથી મોટો ધક્કો પહોંચ્યો હતો. ચીનની પ્રોડક્ટની એક્સપોર્ટ તાઇવાનમાં ૪૧ ટકા, આશિયન દેશોમાં ૧૫.૮ ટકા, અમેરિકામાં ૯.૪૩ ટકા, ઑસ્ટ્રેલિયામાં ૧૭.૮ ટકા અને યુરોપિયન દેશોમાં ૧૧.૬ ટકા ઘટી હતી.
ચીનની ઇમ્પોર્ટ સપ્ટેમ્બરમાં વાર્ષિક ૬.૨ ટકા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી જે ઑગસ્ટમાં ૭.૩ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા છ ટકા ઘટવાની હતી. ૨૦૨૩માં ચીનની ઇમ્પોર્ટ આઠમી વખત ઘટી હતી. ચીનની ઇકૉનૉમિક કન્ડિશન બગડી રહી હોવાથી ડોમેસ્ટિક ડિમાન્ડ ઘટવાની કારણે ઇમ્પોર્ટ પણ ઘટી રહી છે.
ચીનની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એકસરખી ઘટતાં ટ્રેડ સરપ્લસ સપ્ટેમ્બરમાં ઘટીને ૭૭.૧ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૮૨.૭૨ અબજ ડૉલર હતી. માર્કેટની ૭૦ અબજ ડૉલરની ધારણા કરતાં સરપ્લસ વધુ રહી હતી. અમેરિકા સાથેની ટ્રેડ સરપ્લસ વધીને ૩૩.૨૦ અબજ ડૉલરે પહોંચી હતી જે ઑગસ્ટમાં ૩૩.૦૬ અબજ ડૉલર હતી.
ચીનનું હેડલાઇન ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ઝીરો રહ્યુ હતું જેની ધારણા ૦.૨ ટકા વધારાની હતી અને ઑગસ્ટમાં ઇન્ફ્લેશન ૦.૧ ટકા હતું. ચીનમાં ફૂડ પ્રાઇસ સપ્ટેમ્બરમાં ૩.૨ ટકા ઘટી હતી જે ઑગસ્ટમાં ૧.૭ ટકા ઘટી હતી. ફૂડ ઇન્ફ્લેશનમાં સતત ત્રીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો અને ફૂડ પ્રાઇસ ઇન્ફ્લેશન ૨૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ફ્રેશ વેજિટેબલ, કુકિંગ ઑઇલ અને ફ્રેશ ફ્રૂટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ચીનનું કોર ઇન્ફ્લેશન વધીને વાર્ષિક ૦.૮ ટકા રહ્યું હતું, જ્યારે હેડલાઇન ઇન્ફ્લેશન મન્થ્લી બેઇઝ પર ૦.૨ ટકા વધ્યું હતું.
ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૨.૫ ટકા ઘટ્યું હતું જે ઑગસ્ટમાં ત્રણ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૪ ટકા ઘટાડાની હતી. મન્થ્લી બેઇઝ પર પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ૦.૪ ટકા વધ્યું હતું જે ઑગસ્ટમાં ૦.૨ ટકા વધ્યું હતું. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન સતત બીજે મહિને વધ્યું હતું.
અમેરિકાનું હેડલાઇન ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ૩.૭ ટકાએ સ્ટેડી રહ્યું હતું. માર્કેટની ધારણા ૩.૬ ટકાની હતી, પણ ઇન્ફ્લેશન ઘટ્યું નહોતું. ઇન્ફ્લેશન જૂન મહિનામાં ૩.૦ ટકા, જુલાઈમાં ૩.૨ ટકા અને ઑગસ્ટમાં ૩.૭ ટકા રહ્યું હતું. એનર્જી પ્રાઇસ સપ્ટેમ્બરમાં ૦.૫ ટકા ઘટી હતી, પણ ફૂડ પ્રાઇસ સપ્ટેમ્બરમાં ૩.૭ ટકા વધ્યા હતા જે ઑગસ્ટમાં ૪.૩ ટકા વધ્યા હતા. કોર ઇન્ફ્લેશન બે વર્ષની નીચી સપાટીએ ૪.૧ ટકા રહ્યું હતું. મન્થ્લી બેઇઝ પર હેડલાઇન ઇન્ફ્લેશન ૦.૪ ટકા વધ્યુ હતું જે ઑગસ્ટમાં ૦.૬ ટકા ઘટ્યું હતું.
અમેરિકન નવા એમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૭મી ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે કોઈ વધ-ઘટ વગર ૨.૦૯ લાખ જળવાયેલા હતા અને માર્કેટની ૨.૧૦ લાખની ધારણા કરતાં નીચા રહ્યા હતા. જોકે એક્ઝિસ્ટિંગ બેનિફિટ ૩૦ હજાર વધીને ૧૭.૦૨ લાખે પહોંચ્યા હતા અને માર્કેટની ૧૬.૮૦ લાખની ધારણા કરતાં ઊંચા રહ્યા હતા.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો અટકીને ઉછાળો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ઘટીને એક તબક્કે ૧૦૫.૫૮ પૉઇન્ટ થયો હતો જે ઊછળીને શુક્રવારે ૧૦૬.૬૦ પૉઇન્ટ થયા બાદ ઘટીને ૧૦૬.૩૮ પૉઇન્ટ રહ્યો હતો. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા ધારણાથી બહેતર આવતાં ફેડ લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ ઊંચો રાખશે એવી ધારણાથી ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધ્યાં હતાં. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટીને ૪.૫૪ ટકા થયા હતાં એ વધીને ૪.૭૧ ટકા થયા બાદ ૪.૬૬ ટકા રહ્યાં હતાં.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૩૯૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૭,૧૬૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૭૩૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)