17 January, 2025 07:42 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનું કોર ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટતાં ડૉલર ઇન્ડેક્સ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને એક મહિનાની ટોચે ૨૭૧૦ ડૉલરની સપાટીએ અને ચાંદી વધીને ૩૧.૦૨ ડૉલરની સપાટીએ પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૬૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૨૩૪ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં અને સોનાનો ભાવ સાડાત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ સવા મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. સોનાનો ભાવ ૩૧ ઑક્ટોબર પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન કન્ઝ્યુમર હેડલાઇન ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં સતત ત્રીજે મહિને વધીને ૨.૯ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૨.૭ ટકા હતું. માર્કેટની ધારણા પણ ૨.૯ ટકા ઇન્ફ્લેશન આવવાની હતી. કોર ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૩.૩ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૩.૩ ટકાની હતી. મન્થ્લી બેઝ પર કન્ઝ્યુમર હેડલાઇન ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૦.૪ ટકા વધ્યું હતું જેમાં એનર્જી ઇન્ડેક્સ ૨.૬ ટકા વધ્યો હતો જેમાં ગૅસોલીનનો ભાવ ૪.૪ ટકા વધ્યો હતો. કોર ઇન્ફ્લેશન મન્થ્લી ૦.૩ ટકા ઘટ્યું હતું.
અમેરિકી કોર ઇન્ફ્લેશન ઘટીને આવતાં ફરી રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઘટ્યો હતો. કોર ઇન્ફ્લેશનના ડેટા જાહેર થયા બાદ એક તબક્કે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ-રેટ ૧૦ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૦ બેસિસ પૉઇન્ટ વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૭.૦૯ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ-રેટ એકધારા વધી રહ્યા હોવા છતાં મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા ૩૩.૩ ટકા વધીને પાંચ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી.
બૅન્ક ઑફ જપાનના ગવર્નર કાજુઓ ઉડાએ આવતા સપ્તાહે યોજાનારી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવા વિશે ચર્ચા કરી જો ઇકૉનૉમિક કન્ડિશન પૉઝિટિવ હશે તો ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની તૈયારી બતાવતાં જૅપનીઝ કરન્સી યેનનું મૂલ્ય એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. બૅન્ક આફ જપાનના ડેપ્યુટી ગવર્નર રોયઝો હિમિનોએ પણ એક દિવસ અગાઉ ઇન્ટરેસ્ટ-રેટમાં વધારાના ચાન્સ બતાવ્યા હતા.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ બાબતે દરરોજ સવાર પડે ત્યારે નવી ધારણાઓ મુકાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન શું ઍક્શન લેશે? એની શું અસર થશે? એ વિશે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. બૅન્ક ઑફ અમેરિકાની સિક્યૉરિટી હેડ સવિતા સુબ્રમણ્યમે ટીવી ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ૨૦૨૫માં ફેડ એક પણ રેટ-કટ લાવી શકે એવી સ્થિતિમાં નહીં હોય, કારણ કે ટ્રમ્પના ટૅરિફ વધારા અને કૉર્પોરેટ ટૅક્સ ઘટાડા તેમ જ ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી જેવા નિર્ણયોથી ઇન્ફ્લેશન સતત વધતું જશે જે છેલ્લા ત્રણ મહિનાથી સતત વધી રહ્યું છે. સવિતા સુબ્રમણ્યમની ભવિષ્યવાણી એવું કહી રહી છે કે ટ્રમ્પની પૉલિસીથી ઇન્ફ્લેશન વધશે તો ઇન્ફ્લેશનના વધારા સામે સોનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોવાથી સોનાની ખરીદી વધશે, પરંતુ જો રેટ-કટ નહીં આવે તો ડૉલર મજબૂત થશે જે સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બનશે, પણ ટ્રમ્પની પૉલિસીથી જો ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી થશે જે થવાના પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે અમેરિકન ડેબ્ટ આસમાની ઊંચાઈએ છે, ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીથી લેબર કોસ્ટ વધશે અને ટૅરિફ વધારાથી ઇન્ફ્લેશન વધશે તો ઇકૉનૉમિક સ્થિતિ બગડશે. આમ, ૨૦૨૫માં જે સ્થિતિ નિર્માણ પામી રહી છે એ પરથી સોના-ચાંદી સતત વધતાં રહેશે એવું હાલ દેખાઈ છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૯,૧૮૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૮૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)