સોનું સર્વોચ્ચ ઊંચાઈએ : આગામી દિવસોમાં હજી ભાવ વધશે કે ઘટશે?

11 March, 2024 07:17 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકામાં વ્યાજદર ઘટાડાનો દોર ચાલુ થયો નથી, માત્ર અટકળો વહેતી થઈ ત્યાં સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું : અમેરિકાના પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પ આવશે તો સોનામાં ફાટ-ફાટ તેજી જોવા મળે એવી સંભાવના

સોનાની તસવીર

સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૨૦૦ ડૉલરની એકદમ નજીક ૨૧૯૫.૨૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું છે, જ્યારે ભારતનાં વિવિધ શહેરોની માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૭થી ૬૮ હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. દુનિયાના તમામ દેશોમાં આજ સુધી ન જોયો એટલો સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે. સોનું વધવા પાછળ એક કરતાં અનેક કારણ જવાબદાર છે, પણ એમાં સૌથી મોટું કારણ અમેરિકા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી એકધારો વ્યાજદરમાં વધારો કર્યો એમાં હવે ઘટાડો કરવાની માત્ર જાહેરાત કરી છે, હજી વ્યાજદરમાં ઘટાડો કરવાનું ચાલુ કર્યું નથી. ૨૦૨૪માં અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ફેડ દ્વારા ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે એવી જાહેરાત ચાર મહિના પહેલાં ઑલરેડી થઈ ચૂકી છે, હવે માત્ર અટકળો ચાલે છે કે ફેડ ક્યારે વ્યાજદર ઘટાડશે? અમેરિકાના આર્થિક ડેટાને આધારે આ અટકળો દરરોજ સવાર પડે ત્યારે ફરવા લાગે છે. અમેરિકાના આર્થિક ડેટા મજબૂત આવે તો વ્યાજદર સપ્ટેમ્બર સુધી નહીં વધે એવી અટકળો આવે ત્યારે સોનું ઘટે છે, પણ અમેરિકાના આર્થિક ડેટા નબળા આવે તો એક કે બે મહિનામાં અમેરિકા વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરશે એવી અટકળો આવવાની ચાલુ થતાં સોનાના ભાવ જેટ ગતિએ વધવા લાગે છે. છેલ્લા દોઢ સપ્તાહમાં અમેરિકામાં આર્થિક ડેટા એક પછી એક નબળા આવવા લાગતાં અમેરિકન ફેડ જૂન મહિનાની મીટિંગથી વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરશે એવી અટકળો જોરશોરથી ચર્ચાવા લાગતાં સોનામાં સટોડિયાઓ અને ફન્ડોએ મોટી ખરીદી કરીને સોનામાં મોટી તેજી કરી છે. સોનામાં તેજી થવા માટેનું કોઈ ઠોસ કારણ હાલ નથી. હાલ સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે એ માત્ર ને માત્ર અટકળોને આધારે પહોંચ્યા હોવાથી સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ વધુ વધે એવી શક્યતા ઓછી છે, પણ સોનાની માર્કેટ પર હાલ મોટી નાણાકીય તાકાત ધરાવતાં ફન્ડો અને સટોડિયાઓએ કબજો કરી લીધો હોવાથી સોનાના ભાવ હજી પણ વધી શકે છે. સોનામાં સટોડિયાઓ અને ફન્ડો સક્રિય હોવાથી સોનું ખરીદી કે વેચવાનો બિઝનેસ કરનારાઓ કે કોઈ પ્રસંગ માટે ખરીદી કરનારાઓએ હાલ સોનાની ખરીદીથી દૂર રહેવું જોઈએ. હાલની સોનાની તેજી તદ્દન અવાસ્તવિક અને છેતરામણી હોવાથી આગળ જતાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા પૂરેપૂરી છે. સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા એની પાછળ ફેડની વ્યાજદર ઘટાડાની હિલચાલ ઉપરાંત પણ અનેક કારણો છે. આગામી સમયમાં સોનાના ભાવ પર અસર કરનારાં કારણોની અસર કેવી રહે છે એના પરથી સોનાની તેજીનું ભાવિ નક્કી થશે

જિયોપૉલિટિકલ ટેન્શનની તેજી 
દુનિયામાં અનેક દેશો વચ્ચે હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો એકબીજાને ભરી પીવા બે વર્ષથી આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. અમેરિકાના સપોર્ટથી યુક્રેન રશિયાની તાકાત સામે ઝૂકવા તૈયાર નથી અને યુક્રેન મારફત અમેરિકા રશિયાનું તમામ રીતે નુકસાન કરવાની કોશિશ કરી રહ્યું છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા નબળું પડી રહ્યું હોવાથી અમેરિકા પણ યુદ્ધ ચાલુ રાખવા પ્રયત્નશીલ છે. બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે ૮ ઑક્ટોબરે પૅલેસ્ટીની આતંકવાદી ગ્રુપ હમાસ પર અટૅક કરવાના ચાલુ કર્યા બાદ આજ સુધી આ યુદ્ધ સતત લંબાઈ રહ્યું છે. ઈરાન, યમન સહિત અનેક મુસ્લિમ દેશો હમાસની તરફેણમાં મેદાનમાં ઊતર્યા છે એની સામે અમેરિકા અને બ્રિટનની સેના લડી રહી છે. યમન અને ઈરાનનું સમર્થન ધરાવતાં હુથી આતંકવાદીઓએ લાલ સમુદ્ર એરિયામાં સુએઝ નહેરથી યુરોપ અને એશિયાના આખા સ્ટીમર રસ્તા પર કબજો જમાવીને વિશ્વની માલની અવરજવરને ખોરવી નાખી છે. આમ અનેક દિશાઓમાં લડાઈ રહેલા યુદ્ધને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ સતત વધી રહી છે. 

સેન્ટ્રલ બૅન્કો અને ફિઝિકલ ખરીદી 
ચીનની સેન્ટ્રલ બૅન્ક છેલ્લા ૧૬ મહિનાથી દર મહિને ૧૦થી ૨૦ ટન સોનું ખરીદીનું ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. ચીનની સાથે ટર્કીની પણ સોનાની ખરીદી વધી રહી હતી. ૨૦૨૨માં રશિયા, કઝાકિસ્તાન, પોલૅન્ડ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીને કારણે સોનાની ખરીદી પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. આ ટ્રેન્ડ ૨૦૨૩માં પણ ચાલુ રહ્યા હોવાથી અને સતત બીજે વર્ષે સેન્ટ્રલ બૅન્કોએ ૧૦૦૦ ટન કરતાં વધુ સોનાની ખરીદી કરી હતી. ૨૦૨૪માં પણ સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ૧૦૦૦ ટન કરતાં વધુ રહે એવા સંકેતો જાન્યુઆરી-ફેબ્રુઆરીની ખરીદી પરથી મળી રહ્યા છે. અમેરિકાની આર્થિક તાકાતને તોડવા અનેક દેશો સોનાની ખરીદી વધારીને રિઝર્વ વધારી રહ્યા છે, કારણ કે સમગ્ર વિશ્વમાં ૮૦૩૨ ટનની સોનાની રિઝર્વ સાથે અમેરિકા નંબર વન છે, એની લગોલગ કોઈ દેશ નથી. ચીનની સેન્ટ્રલ બૅન્કે સોનાની ખરીદી વધારીને ૨૦૦૦ ટન ઉપર રિઝર્વ પહોંચાડી દીધી છે. સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ઉપરાંત ભારત અને ચીનની ફિઝિકલ સોનાની ખરીદી સતત વધી રહી છે. સમગ્ર વિશ્વની સોનાની ખરીદીમાં ભારત અને ચીનની સોનાની ખરીદીનો હિસ્સો પચાસ ટકા હોવાથી આ બન્ને દેશોની સોનાની વધતી ખરીદીને કારણે ફિઝિકલ ડિમાન્ડનો પણ સોનાની તેજીને સપોર્ટ મળી રહ્યો છે. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વૃ​દ્ધિ ધરાવતો દેશ હોવાથી ભારતની સોનાની વધતી ફિઝિકલ ખરીદીનો પણ સપોર્ટ મળી રહ્યો છે. 

અમેરિકાનું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન 
અમેરિકામાં ૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનારા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં હવે મુકાલબો હાલના પ્રેસિડન્ટ જો બાઇડન અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે થવાનો છે એ નક્કી થઈ ચૂક્યું છે, કારણ કે  બન્ને પોતાની પાર્ટીની રેસમાં પ્રતિસ્પર્ધી કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. અમેરિકાનાં માતબર અખબારો વૉલસ્ટ્રીટ જનરલ, ઇકૉનૉમિસ્ટ, સીએનએન વગેરેના સર્વેમાં જો બાઇડન કરતાં ડોનલ્ડ ટ્રમ્પ હાલના તબક્કે આગળ છે. ડોનલ્ડ ટ્રમ્પ પર અનેક પ્રકારના કેસો થયા અને તેને ભીડવવાના અનેક પ્રયત્નો તેની લોકપ્રિયતા ઘટાડવાને બદલે વધારવામાં મદદરૂપ થયા છે. ડોનલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ હતા એ કાર્યકાળમાં તેની કૉન્ટ્રવર્શિયલ પૉલિસીને કારણે સોનાના ભાવ સતત વધતા રહ્યા હતા. ખાસ કરીને ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના વ્યાજદર નીચા રાખવાના પક્ષના છે. જો અમેરિકાના વ્યાજદર નીચા રહે તો ડૉલરનું મૂલ્ય ગગડે અને સોનાના ભાવ વધુ તેજી તરફ આગળ વધે. ડોનલ્ડ ટ્રમ્પની ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ, રશિયા તરફી વલણ અને વ્યાજદર નીચા રાખવાની પૉલિસીને કારણે જો આગળ જતાં ડોનલ્ડ ટ્રમ્પ જીતે એવો કોઈ પણ સંકેત સોનામાં વધુ તેજી લાવશે. 

business news share market stock market sensex nifty