જપાનના રેટ વધારાના ચાન્સ વધતાં ડૉલરની નરમાઈથી સોનામાં મજબૂતી

28 June, 2024 08:45 AM IST  |  Mumbai | Mayur Mehta

ઇઝરાયલે લેબૅનન પર આક્રમણ વધારતાં જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ સોનાને મળ્યો

પ્રતીકાત્મક તસવીર

જપાનના રીટેલ સેલ્સનો રિપોર્ટ બુલિશ આવતાં જુલાઈમાં રેટ વધારાના ચાન્સ વધતાં અમેરિકન ડૉલરની નરમાઈથી સોનામાં મજબૂતી વધી હતી વળી  ઇઝરાયલના હિઝબુલ્લા આતંકવાદીઓને ટાર્ગેટ કરીને લેબૅનન પર અટૅક વધારતાં સોનાનો જિયોપૉટિલિકલ ટેન્શનનો પણ સપોર્ટ મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૨૯૬.૨૦ ડૉલર થયા બાદ ગુરુવારે સાંજે ૨૩૧૫થી ૨૩૧૬ ડૉલરની રેન્જમાં હતું.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૯ રૂપિયા વધ્યો હતો. ચાંદી સતત ત્રણ દિવસ ઘટ્યા બાદ ગઈ કાલે વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૬.૦૮ પૉઇન્ટે પહોંચ્યા બાદ ગુરુવારે સવારે ઘટીને ૧૦૫.૯૧ પૉઇન્ટ હતો. ફેડના ગવર્નરે હાલના તબક્કે રેટ-કટના ચાન્સનો ઇનકાર કરતાં ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ બન્ને વધ્યા હતા. ડૉલર ઇન્ડેક્સ બે મહિનાની ઊંચાઈએ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને બે સપ્તાહની ઊંચાઈએ ૪.૩૩ ટકાએ પહોંચ્યા હતા, પરંતુ જપાનના ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ વધતાં ડૉલર સાંજે ઘટીને ૧૦૫.૮૯ પૉઇન્ટે પહોંચ્યો હતો.

અમેરિકામાં નવાં રહેણાક મકાનોનું વેચાણ મે મહિનામાં ૧૧.૩ ટકા ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૬.૧૯ લાખ પર પહોંચ્યું હતું, જે માર્કેટની ૬.૪૦ લાખની ધારણા કરતાં ઓછું હતું. ઊંચા ઇન્ફ્લેશન અને મમૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવાથી રહેણાક મકાનોનું વેચાણ અમેરિકામાં સતત ઘટી રહ્યું છે. જોકે બિલ્ડિંગ પરમિટ મે મહિનામાં ૨.૮ ટકા વધીને ૧૩.૯૯ લાખ પર પહોંચી હતી જે માર્કેટની ૧૩.૮૬ લાખની ધારણાથી વધુ હતી. બિલ્ડિંગ પરમિટ વધી હોવા છતાં હજી પાંચ વર્ષની નીચી સપાટીએ છે.

ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ મે મહિનામાં ૦.૭ ટકા વધ્યો હતો જે એપ્રિલમાં ૦.૪ ટકા વધ્યો હતો. જાન્યુઆરીથી મે દરમ્યાન ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ગયા વર્ષથી ૩.૪ ટકા વધ્યો હતો, જે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૪.૩ ટકા વધ્યો હતો. ખાસ કરીને સરકારી કંપનીઓનો પ્રૉફિટ ૨.૪ ટકા ઘટ્યો હતો જ્યારે પ્રાઇવેટ કંપનીઓનો પ્રૉફિટ ૭.૬ ટકા વધ્યો હતો.

બૅન્ક ઑફ જપાન દ્વારા જુલાઈ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધારાની શક્યતા વધતાં જૅપનીઝ બૉન્ડ યીલ્ડ ૧.૧ ટકા વધીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. જૅપનીઝ યેન ડૉલર સામે ૪૦ વર્ષની નીચી સપાટીએ ૧૬૦ના લેવલે પહોંચતાં ફાઇનૅન્સ મિનિસ્ટરે દરમ્યાનગીરીની ખાતરી આપતાં હવે જુલાઈમાં રેટ વધારાની શક્યતા વધી હતી. જપાનનું રીટેલ સેલ્સ મે મહિનામાં ત્રણ ટકા વધ્યું હતું જે એપ્રિલમાં ૨.૪ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા બે ટકા વધારાની હતી. રીટેલ સેલ્સનો ગ્રોથ ધારણાથી સારો થતાં રેટ વધારાની શક્યતા વધી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

સોના-ચાંદીની તેજીમાં જિયોપૉલિટિકલ ટેન્શનની સાથે કરન્સી મૂવમેન્ટ બહુ અગત્યનો ભાગ ભજવશે. હાલ વિશ્વમાં અનેક દેશો વચ્ચે જિયોપૉલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, પણ ડૉલરની સતત વધી રહેલી મજબૂતીને કારણે સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી રહી છે. આગામી દિવસોમાં જો જપાનની સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો કરન્સી મૂવમેન્ટમાં યુટર્ન આવશે, કારણ કે ડૉલરની મજબૂતીમાં જૅપનીઝ યેનની નબળાઈનો ફાળો મોટો છે. બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા બાદ આગામી ચારથી પાંચ મહિના રેટ-કટની શક્યતા નથી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે જૂનમાં રેટ-કટ ટાળ્યો હતો. આ સંજોગોમાં જૅપનીઝ રેટના વધારાને કારણે યેન ડૉલર સામે મજબૂત બનશે તો સોનાની તેજીમાં જિયોપૉલિટિકલ ટેન્શનની સાથે ડૉલરની નબળાઈ ભળતાં તેજીને બમણો બૂસ્ટ મળશે. આથી આગામી દિવસોમાં બૅન્ક ઑફ જપાનની રેટ વધારાની મૂવમેન્ટ સોનાની તેજી માટે બહુ અગત્યની બની રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૩૯૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૧૦૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૭,૦૪૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price business news