22 November, 2023 05:05 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકી ડૉલર અઢી મહિનાની અને બૉન્ડ યીલ્ડ બે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં ફરી તેજીની
આગેકૂચ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૮ રૂપિયા વધી હતી.
વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલર અને બૉન્ડ યીલ્ડના એકધારા ઘટાડાને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. ફેડ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે અને હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના કોઈ ચાન્સ દેખાતા ન હોવાથી સોનામાં સતત ખરીદી વધી રહી છે. સોનું મંગળવારે વધીને એક તબક્કે ૧૯૯૪.૯૦ સેન્ટ થયા બાદ સાંજે ૧૯૯૦થી ૧૯૯૧ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ એકધારો ઘટી રહ્યો છે. મંગળવારે સવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૧૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવી શક્યતાએ વધી રહી હોવાથી તેમ જ હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાના ચાન્સ દિવસે-દિવસે ઘટી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે. ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૨૪ ટકા ઘટીને ૪.૩૯ ટકાએ પહોંચ્યા હતા. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીએ કરન્સીનું મૂલ્ય વધારતાં ડૉલરના ઘટાડાને સપોર્ટ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગની મિનિટ્સમાં ૨૦૨૫ સુધી ઇન્ફ્લેશન ઊંચું રહેવાની આગાહી કરાઈ હોવાથી મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટના વધારાની જરૂરિયાત હોવાની કમેન્ટ કરતાં ઑસ્ટ્રેલિયન ડૉલર ત્રણ મહિનાની ઊંચાઈએ પહોચતાં અમેરિકન ડૉલર ઘટ્યો હતો.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સોમવારે યુઆનનું મૂલ્ય ૭.૧૬ ડૉલર સેટ કર્યું હતું, જેને પગલે યુઆન મંગળવારે વધીને ૭.૨ ડૉલર થયો હતો. ચાઇનીઝ કરન્સી ફુલ્લી કન્વર્ટિબલ ન હોવાથી પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાનું ઍડ્જસ્ટમેન્ટ નિયમિત સમયાંતરે આવે છે. સોમવારના રેટ કરતાં આ ઍડ્જસ્ટમેન્ટ ૦.૨ ટકા ઊંચું હોવાથી ચાઇનીઝ કૉર્પોરેટ ડૉલર કરન્સી રિસીટને યુઆનમાં ટ્રાન્સફર કરવા લાગ્યા હતા, જેને કારણે યુઆન વધુ મજબૂત બન્યો હતો.
અમેરિકન ડૉલરની નરમાઈને પગલે જૅપનીઝ યેન મજબૂત થઈને પાંચ સપ્તાહની ઊંચાઈએ ૧૪૯ના લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ
જપાને એકમોડેટિવ મૉનિટરી પૉલિસી રાખીને યીલ્ડ કર્વ કન્ટ્રોલ કરવા એકદમ નાનો ફેરફાર કરતાં યેનને મજબૂતી મળી હતી.
યુરો એરિયાનો ગ્રોથરેટ સતત ઘટી રહ્યો છે, પણ કાર રજિસ્ટ્રેશન ઑક્ટોબરમાં ૧૪.૬ ટકા વધ્યું હતું, જે સતત ૧૫મા મહિને વધ્યું હતું. ખાસ કરીને ફુલ્લી ઇલેક્ટ્રિક કારના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ફ્રાન્સમાં કાર રજિસ્ટ્રેશન ૨૧.૯ ટકા, ઇટલીમાં ૨૦ ટકા, સ્પેનમાં ૧૮.૧ ટકા અને જર્મનીમાં ૪.૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બૅટરી ઇલેક્ટ્રિક કારનું રજિસ્ટ્રેશન ઑક્ટોબરમાં ૩૬.૩ ટકા વધ્યું હતું. યુરો એરિયામાં ઇલેક્ટ્રિક કારનું રજિસ્ટ્રેશન પ્રથમ વખત ડીઝલ કારથી વધી ગયું હતું. ૨૦૨૩ના પ્રથમ દસ મહિનામાં યુરો એરિયામાં કાર રજિસ્ટ્રેશન ૧૬.૭ ટકા વધ્યું છે. યુરો એરિયામાં હંગેરી સિવાય દરેક દેશોમાં કાર રજિસ્ટ્રેશન વધ્યું હતું.
યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા જર્મનીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં સતત ચોથે મહિને ઘટીને ૧૧ ટકાએ પહોંચ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૧૪.૭ ટકા હતો. ઑક્ટોબરમાં એનર્જી પ્રાઇસ ૨૭.૯ ટકા અને ઇલેક્ટ્રિસિટી પ્રાઇસ ૩૬.૨ ટકા ઘટ્યા હતા. મેટલ, ફર્ટિલાઇઝર, વુડ દરેક આઇટમના ભાવ ઘટતાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન પર દબાણ વધ્યું હતું. મન્થ્લી બેઝ પર પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ૦.૧ ટકા ઘટ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા ઘટ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ૪૫મા દિવસે પ્રવેશ્યું છે ત્યારે ઇઝરાયલે હમાસને ભીડવવામાં હવે કંઈ બાકી રાખ્યું નથી ત્યારે હમાસના વડાએ ચારથી પાંચ દિવસ યુદ્ધવિરામની દરખાસ્ત ઇઝરાયલને કરી છે એનું હકારાત્મક પરિણામ આવવાની હમાસના વડાએ જાહેરાત કરી હોવાથી હવે યુદ્ધ ઝડપથી સમાપ્તિ તરફ જઈ રહ્યું છે. બાહરિન, ચાડ, ચીલી, કોલંબિયા, હોન્ડુરસ, જૉર્ડન, ટર્કીએ ઇઝરાયલથી ડિપ્લોમૅટને પાછા બોલાવી લીધા છે, જ્યારે બોલવિયા, બેલીઝ અને દક્ષિણ આફ્રિકાએ ડિપ્લોમૅટિક ગઠબંધન તોડી નાખ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી સોનામાં કોઈ મોટો ઘટાડો આવવાની શક્યતા નથી. સોનું હવે મોટા ભાગે ફેડના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણય પ્રમાણે ચાલશે. સી.એમ.ઈ. ફેડ વૉચ અનુસાર ફેડની ડિસેમ્બર અને જાન્યુઆરી મીટિંગમાં ઇન્ટરેસ્ટમાં વધારો થવાના કોઈ ચાન્સ નથી. આ બન્ને મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ૧૦૦ ટકા હોલ્ડ રાખશે. માર્ચ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સિસ ૭૨ ટકા અને ૨૫ બેસિસ પૉઇન્ટ ઘટાડાના ચાન્સિસ ૨૮ ટકા છે. મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સિસ ૪૦ ટકા, ૨૫ બેસિસ પૉઇન્ટ ઘટવાના ચાન્સિસ ૪૭.૪ ટકા અને ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટવાના ચાન્સિસ ૧૨.૩ ટકા છે. જૂન, જુલાઈ અને સપ્ટેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫થી ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટવાના ચાન્સિસ ૬૦ ટકાની ઉપર છે. હવે પછીની એક પણ મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરે એવા કોઈ ચાન્સિસ નથી. સોનું સોમવારે પ્રૉફિટ બુકિંગને કારણે ઘટ્યું હતું, પણ આ ઘટાડો ૧૨ કલાકથી વધુ ટકી શક્યો નથી, જે બતાવે છે કે સોનામાં તેજીનાં ફન્ડામેન્ટ્સ હવે અનેકગણાં મજબૂત બન્યાં હોવાથી કોઈ નવું કારણ આવશે ત્યારે સોનામાં મોટો ઉછાળો જોવા મળશે.