11 June, 2024 07:35 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબ-ડેટાથી વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે સાડાત્રણ વર્ષનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૨૮૭.૩૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૩૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૬૦૭ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં મે મહિનામાં ૨.૭૨ લાખ નવી નોકરીઓ પે-રોલ ડેટામાં ઉમેરાઈ હતી જે એપ્રિલમાં ૧.૬૫ લાખ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૮૫ લાખની હતી. આમ પે-રોલ ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૩૬ ટકા વધીને એક મહિનાની ઊંચાઈએ ૧૦૫.૨૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એક સપ્તાહ અગાઉ ઘટીને ૧૦૪.૦૯ પૉઇન્ટ હતો. નૉન ફાર્મ પે-રોલ ડેટા બાદ જુલાઈમાં રેટકટના ચાન્સ ૨૦.૬ ટકા ઘટીને ૮.૯ ટકા અને સપ્ટેમ્બરના રેટકટના ચાન્સ ૬૮.૩ ટકાથી ઘટીને ૪૭.૧ ટકા થયા હતા. રેટકટના ચાન્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૧ ટકા વધીને ૪.૪૫ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકન અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ વધીને મે મહિનામાં સવાબે વર્ષની ઊંચાઈએ ચાર ટકાએ પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૩.૯ ટકા હતો. અમેરિકામાં બેરોજગારીમાં મે મહિનામાં ૧.૫૭ લાખનો વધારો થઈને બેરોજગારોની સંખ્યા ૬૬.૪૯ લાખે પહોંચી હતી, જ્યારે રોજગારી ધરાવતા લોકોની સંખ્યા ૪.૦૮ લાખ ઘટીને ૧૬.૧૧ કરોડે પહોંચી હતી. અમેરિકામાં વર્કરોના વેતનમાં પ્રતિ કલાક ૧૪ સેન્ટ એટલે કે ૦.૪ ટકાનો વધારો થયો હતો, જેમાં એપ્રિલમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો.
યુરોપિયન યુનિયનની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ફ્રાન્સની નૅશનલ રૅલી પાર્ટીને મોટો ફટકો પડતાં ફ્રાન્સના પ્રેસિડન્ટ એમ્યુઅલ માર્કનની સ્થિતિ કફોડી બનતાં મેક્રોને તાત્કાલિક ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આમ યુરો એરિયામાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થતાં યુરોનું મૂલ્ય ડૉલર સામે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. આમ ડૉલર ઇન્ડેક્સની યુરોની નબળાઈનો પણ સપોર્ટ મળ્યો હતો.
જપાનનો ગ્રોથરેટ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં વાર્ષિક ૧.૮ ટકા ઘટ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૪ ટકા વધ્યો હતો, પણ માર્કેટની ધારણા ૨.૧ ટકા ઘટાડાની હતી, જ્યારે ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો.
ચાલુ સપ્તાહે ફેડની બે દિવસીય મીટિંગ યોજાશે જેમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાની ધારણા છે. ફેડની મીટિંગ ઉપરાંત અમેરિકાના મે મહિનાના કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશનના ડેટા પણ જાહેર થશે. અમેરિકા ઉપરાંત ચીન, ભારત, બ્રાઝિલ અને રશિયાના મે મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે યોજાશે, જેમાં બૉન્ડ બાઇંગમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાવાની શક્યતા છે જેને કારણે જૅપનીઝ યેનને મજબૂતી મળશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના પે-રોલ ડેટા ધારણાથી ઘણા સારા આવતાં ફરી રેટકટના ચાન્સિસ ઘટી ગયા હતા. રેટકટના ચાન્સિસ ૨૦૨૪ના આરંભથી પળેપળ બદલાતા રહ્યા છે. ૨૦૨૪ના આરંભે માર્ચમાં રેટકટની ધારણા બાદ જૂનમાં અને હવે સપ્ટેમ્બરમાં રેટકટની જે ધારણા મુકાઈ હતી એ પણ હવે ધીમે-ધીમે ઘટી રહી છે અને હવે ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો ૨૦૨૪માં નવેમ્બરમાં માત્ર એક વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થશે એવું માની રહ્યા છે. ૨૦૦૨૩ના અંતે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ૨૦૨૪માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.