ફેડ મે મહિના પછી એક કે બે વાર ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાએ સોનામાં એક ટકાનો ઘટાડો થયો

22 April, 2023 02:20 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ મે મહિના પછી એક કે બે વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાએ સોનામાં શુક્રવારે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

ફેડ મે મહિના પછી એક કે બે વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાએ સોનામાં શુક્રવારે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૪૬ રૂપિયા ઘટ્યાં હતાં 

વિદેશી પ્રવાહ 

ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી લાવવા ફેડના મોટા ભાગના મેમ્બરો મક્કમ હોવાથી મે મહિના પછી જૂન-જુલાઈમાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધશે એવી ધારણા બજારમાં ફરતી થતાં સોનામાં વેચવાલી વધી હતી અને શુક્રવારે સોનું એક ટકા ઘટ્યું હતું. શુક્રવારે એક તબક્કે સોનું ઘટીને ૧૯૮૧.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૮૯થી ૧૯૯૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું ઘટ્યું હતું; પણ ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકામાં નવું બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૫મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત બીજે સપ્તાહે પાંચ હજાર વધીને ૨.૪૫ લાખે પહોંચી હતી જે છેલ્લા એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી અને માર્કેટની ૨.૪૦ લાખની ધારણા કરતાં ઊંચી રહી હતી. જોકે એ​ક્ઝિ​સ્ટિંગ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૭૦૨૧ ઘટીને ૨.૨૮ લાખે પહોંચી હતી 
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ૧૦૧.૮ના લેવલે સ્ટેડી હતો. સતત પાંચ સપ્તાહ ઘટ્યા બાદ ડૉલર ઇન્ડેક્સ ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં નજીવો વધ્યો હતો. ફેડના જુદા-જુદા ઑફિશ્યલ્સે ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણ કરતી કમેન્ટ કરતાં એની અસરે ડૉલર સુધર્યો હતો છતાં અમેરિકન ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા હોવાથી ડૉલરની ખરીદીનું આકર્ષણ ઓછું છે.

યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૪૫.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૪૭.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮ પૉઇન્ટની હતી. યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગમાં છેલ્લા ૨૩ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર ઘટીને છેલ્લા ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે એમ્પ્લૉયમેન્ટ ૨૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. 
યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં પંચાવન પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથ છેલ્લા એક

વર્ષનો સૌથી સ્ટ્રૉન્ગ રહ્યો હતો. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર સતત ત્રીજે મહિને વધતાં ઓવરઑલ સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો. સર્વિસ સેક્ટરમાં જૉબ ગ્રોથ છેલ્લાં ૧૭ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. 
યુરો એરિયાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૬૪.૭ ટકા હોવાથી અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૫૩.૭ પૉઇન્ટની ધારણાથી ઘણો ઊંચો રહ્યો હતો. ઇન્ફ્લેશન પ્રેશર ઘટતાં ઇનપુટ કૉસ્ટ ઇન્ફ્લેશન ૧૪ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથને વધારે બૂસ્ટ મળ્યો હતો. 
બ્રિટનના રીટેલ સેલ્સમાં માર્ચમાં ૦.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેના વિશે માર્કેટની ધારણા ૦.૫ ટકા ઘટાડાની હતી અને ફેબ્રુઆરીમાં રીટેલ સેલ્સમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નૉન ફૂડ સ્ટોર, ડિપાર્ટમેન્ટ સ્ટોર અને ક્લોથિંગ સ્ટોરના સેલ્સમાં માર્ચમાં ૩.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ફૂડ સ્ટોરના સેલ્સમાં ૦.૭ ટકાનો અને ઑનલાઇન ટ્રેડના સેલ્સમાં ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે ફ્યુઅલ સ્ટેશનના સેલ્સમાં ૦.૨ ટકાનો વધારો અને રીટેલ સ્ટોરના સેલ્સમાં ૦.૬ ટકાનો વધારો થયો હતો. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં વધીને છ મહિનાની ઊંચી સપાટીએ ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૪૯.૨ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત છઠ્ઠા મહિને ઘટ્યો હતો છતાં મન્થ્લી ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં અનએમ્પ્લૉયમેન્ટ અનચેજન્ડ છે, પણ બૅકલૉગ ધીમે-ધીમે ઘટી રહ્યું છે અને ઇનપુટ કૉસ્ટનું ઇન્ફ્લેશન ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હોવાથી ગ્રોથ વધી રહ્યો છે.

જપાનનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૫ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત આઠમા મહિને વધ્યો હતો અને સર્વિસ સેક્ટરનો ગ્રોથનું રીડિંગ છેલ્લાં આઠ વર્ષનું બીજા ક્રમનું હાઇએસ્ટ રહ્યું હતું. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડરનો ગ્રોથ ઑલ ટાઇમ હાઈ રહ્યો હતો. જોકે બૅકલૉગ સતત વધી રહ્યું હોવાથી ગ્રોથને થોડી અસર પહોંચી હતી. 
જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૨.૫ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૨.૯ પૉઇન્ટ હતો. જોકે વાર્ષિક ધોરણે  પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને વધ્યો હતો, કારણ કે પ્રાઇવેટ સેક્ટરનું આઉટપુટ સતત વધી રહ્યું છે. નવા ઑર્ડરનો વધારો દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો અને એમ્પ્લૉયમેન્ટમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. જપાનનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૩.૩ ટકા હતું. ફ્યુઅલ, લાઇટ અને વૉટર ચાર્જમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો જે માર્ચમાં ૨.૮ ટકા ઘટ્યા હતા અને ટ્રાન્સપોર્ટ કૉસ્ટ છ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. જપાનનું ફૂડ ઇન્ફ્લેશન માર્ચમાં ૭.૮ ટકા વધીને સાડાબેતાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું જે સતત ૧૯મા મહિને વધ્યું હતું.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની માર્ચ મહિનાની મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરો લાંબા સમય સુધી ઇન્ફ્લેશન ઊંચું રહેવાનો અંદાજ મૂકી રહ્યા છે અને આથી મે મહિનાની મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ૨૦૨૩ના અંત પહેલાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે મોટા ભાગના પૉલિસીમેકર સહમત છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઇમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી અને છેલ્લી છ મીટિંગમાં ચાર વખત ૫૦ બેસિસ પૉઇન્ટ અને બે વખત ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ઝીરોથી ૩.૫૦ ટકાએ પહોંચાડ્યો છે. ફેડે માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી અને હાલ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ પાંચ ટકાએ પહોંચાડી દીધા છે. આથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પાસે ફેડ કરતાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વધારે જગ્યા હોવાથી આગામી ત્રણથી ચાર મહિના ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ડિસિઝન પર સોનામાં તેજીની ગતિ નક્કી થશે.

 

business news gujarati mid-day