24 March, 2025 06:53 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડે ૨૦૨૫માં બે વખત રેટ-કટ લાવવાનો સંકેત આપતાં સોનું ફરી નવી ૩૦૫૫.૮૦ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ પ્રૉફિટ-બુકિંગથી ઘટીને ૩૦૨૨.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. ચાંદી પણ ૩૪ ડૉલર સુધી વધીને પ્રૉફિટ-બુકિંગથી ૩૨.૯૨ ડૉલર સુધી ઘટી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૭૬ રૂપિયા ઘટ્યો હતો. ચાંદી એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લા બે દિવસમાં ૨૦૦૮ રૂપિયા ઘટી ગઈ હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વે પૉલિસી મીટિંગમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૨૫થી ૪.૫૦ ટકા જાળવી રાખ્યા હતા. ટ્રમ્પના ટૅરિફવધારા અને હાલ ચાલી રહેલાં યુદ્ધોને કારણે અનિશ્ચિતતાનો માહોલ હોવા છતાં ફેડે ચાલુ વર્ષે ૫૦ બેઝિસ પૉઇન્ટના રેટ-કટનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું. અમેરિકાનું ચાલુ વર્ષનું ગ્રોથરેટનું પ્રોજેક્શન ૨.૧ ટકાથી ઘટાડીને ૧.૭ ટકા અને ૨૦૨૬નું ગ્રોથ પ્રોજેક્શન બે ટકાથી ઘટાડીને ૧.૮ ટકા મૂક્યું હતું. પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સનું પ્રોજેક્શન ૨૦૨૫નું ૨.૫ ટકાથી વધારીને ૨.૭ ટકા અને ૨૦૨૬નું ૨.૧ ટકાથી વધારીને ૨.૨ ટકા મૂક્યું હતું. અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સનું પ્રોજેક્શન પણ ચાલુ વર્ષ માટે ૪.૩ ટકાથી વધારીને ૪.૪ ટકા મુકાયું હતું. ફેડરલ રિઝર્વે ચાલુ વર્ષે ૫૦ બેઝિસ પૉઇન્ટ રેટ-કટનું પ્રોજેક્શન રજૂ કરતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નવી નીચી સપાટીએ ૧૦૩.૩૨ પૉઇન્ટે પહોંચ્યો હતો.
ચીનની સેન્ટ્રલ બૅન્કે સતત પાંચમી વખત લોન પ્રાઇમ રેટ યથાવત્ રાખ્યા હતા. એક વર્ષના કૉર્પોરેટ અને હાઉસહોલ્ડ લોન પ્રાઇમ રેટ ૩.૧ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૬ ટકા જાળવી રાખ્યા હતા. ગયા વર્ષે જુલાઈ અને ઑક્ટોબરમાં બે વખત પ્રાઇમ લોન રેટ ઘટાડ્યા બાદ હાલ રેટ રેકૉર્ડબ્રેક લો સપાટીએ છે. ચીનનો યુથ અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં મન્થ્લી ૧૬.૧ ટકા અને વાર્ષિક ૧૬.૯ ટકા વધ્યો હતો. ઓવરઑલ અનએમ્પ્લૉયમેન્ટ રેટ વધીને બે વર્ષની ઊંચાઈએ ૫.૪ ટકાએ પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૫માં બે વખત ૨૫-૨૫ બેઝિસ પૉઇન્ટના રેટ-કટ લાવવાનું ડિસેમ્બરનું પ્રોજેક્શન માર્ચ સુધી યથાવત્ રાખ્યું છે જે ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ નીચા લાવવાની ગ્લોબલ અપીલનું પરિણામ છે. વળી ટૂંકા ગાળામાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૬ વખત અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા હોવાથી ફેડ માટે ટ્રેડ વૉરમાં અમેરિકાને શક્તિશાળી બનાવી રાખવા રેટ-કટ લાવવો જરૂરી બન્યો છે. ફેડે ગ્રોથ રેટનો ટાર્ગેટ ઘટાડીને ઇન્ફ્લેશન વધવાનું પ્રોજેક્શન મૂક્યું હોવાથી એનો પણ લાભ સોનાની તેજીને મળ્યો છે. ઇઝરાયલે ગાઝા પર ગ્રાઉન્ડ અટૅક ચાલુ કરતાં અને હુતી આતંકવાદીઓએ અમેરિકી સ્ટીમર પર અટૅક કરતાં અમેરિકાએ પણ ઈરાનને ચીમકી આપીને હુતી આતંકવાદીઓ પર વધુ અટૅક ચાલુ કર્યા હતા. આમ, સોનાની તેજીને હવે રેટ-કટ, જિયોપૉલિટિકલ ટેન્શન, ઇન્ફ્લેશનનો વધારો, ગ્રોથરેટનો ઘટાડો અને ટ્રેડ વૉરની અનિશ્ચિતતા વગેરે અનેક કારણોનો સપોર્ટ મળી રહ્યો હોવાથી સોનું સતત નવી ઊંચાઈઓ તરફ અગ્રેસર રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૫૦૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૮,૧૫૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૮,૩૯૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)