23 January, 2025 07:12 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે શપથવિધિ બાદ બોલ્ડ કન્ટ્રોવર્શિયલ જાહેરાતોનો પટારો ખોલતાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવાના જોખમ હેઠળ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૬૯.૧૦ ડૉલરે અને ચાંદી વધીને ૩૧.૦૩ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૪૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૧૫ રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ ૮૦ હજાર રૂપિયાની સપાટીને કુદાવી ગયો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ પૉલિસીની અનિશ્ચિતતાને પગલે ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. ટ્રમ્પે ચીનથી આયાત થતી ચીજો પર ૧ ફેબ્રુઆરીથી ૧૦ ટકા ટૅરિફ લાગુ કરવાનો ઑફિશ્યલ ઑર્ડર બહાર પાડ્યો હતો જેની જાહેરાત ચૂંટાયા બાદ તરત જ કરી હતી. ડૉલર ઇન્ડેક્સ ૧૦૭.૯૭ પૉઇન્ટથી ૧૦૮.૨૪ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો જે એક સપ્તાહ પહેલાં ૧૦૯.૨૧ પૉઇન્ટ હતો. ટ્રમ્પની પૉલિસીથી ઇન્ફ્લેશન વધવાનું જોખમ સતત વધી રહ્યું હોવાથી રેટ-કટના ચાન્સ પણ ઘટી રહ્યા છે જેને કારણે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ બન્ને ઘટી રહ્યાં છે.
ડોનલ્ડ ટ્રમ્પે પનામા કૅનલ પર કબજો જમાવવાની અને ગલ્ફ ઑફ મેક્સિકોને ગલ્ફ ઑફ અમેરિકા નામ આપવાની તેમ જ અમેરિકામાં માત્ર બે જ જેન્ડર, મેલ અને ફીમેલ જ રહેશે એવી જાહેરાત કરી હતી તેમ જ મેક્સિકો અને કૅનેડાને લગતી બૉર્ડર પર ગેરકાયદે વસતા નાગરિકોને દેશ બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ કરતાં સમગ્ર વિશ્વમાં કન્ટ્રોવર્શી વધી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ૩૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા ટ્રમ્પે રશિયા પર દબાણ વધાર્યું હતું. ટ્રમ્પે શપથગ્રહણ સમારોહમાં જ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે હવે અન્ય દેશોના યુદ્ધમાં અમેરિકન સેનાને મોકલવાની પૉલિસીનો પણ અંત લાવી દીધો હતો તેમ જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને પૅરિસ ક્લાઇમેટ-ચેન્જ મૂવમેન્ટમાંથી અમેરિકાની સામેલગીરી રદ કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટપદે શપથ લીધા બાદ ટ્રમ્પ ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે. ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી, પણ હજી સુધી એની જાહેરાત થઈ નથી. બાઇડન દ્વારા ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપનારી તમામ પૉલિસી ટ્રમ્પે રદ કરીને અમેરિકન ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરીને એનર્જી સેક્ટર માટે નૅશનલ ઇમર્જન્સી જાહેર કરી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં અમેરિકાના ગ્રોથ માટે અનેક જાહેરાતો થઈ હતી, પણ અમેરિકાની વધી રહેલી ડેબ્ટ બાબતે કોઈ જાહેરાત થઈ નહોતી. ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટપદે ચૂંટાયા બાદ તેના મિત્ર અને ટેસ્લાના ઇલૉન મસ્કે અમેરિકન ડેબ્ટ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે અનુરોધ કર્યો હતો, પણ ટ્રમ્પે આ બાબતે હજી સુધી એક શબ્દ ઉચ્ચાર્યો નથી. ટ્રમ્પની પૉલિસીથી ટૅરિફવૉર અને ઇન્ફ્લેશન વધવાના પૂરેપૂરા ચાન્સ હોવાથી આગામી દિવસોમાં અમેરિકાની વધી રહેલી ડેબ્ટને કારણે મોટી ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી થઈ શકે છે જેને વર્લ્ડના ૫૬ ટકા ઇકૉનૉમિસ્ટોએ સમર્થન આપ્યું હતું. સ્વિટ્ઝરલૅન્ડના દાઓસ ખાતે ચાર દિવસની ચીફ ઇકૉનૉમિસ્ટોની ચાર દિવસની કૉન્ફરન્સમાં ૨૦૨૫માં વર્લ્ડની ઇકૉનૉમિક કન્ડિશન નબળી પડવાની આગાહી કરીને ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી થવાનો સંકેત આપ્યો હતો. જોકે ૪૪ ટકા ઇકૉનૉમિસ્ટોને મતે શૉર્ટ ટર્મ બૂસ્ટ મળી શકે છે, પણ લૉન્ગ ટર્મ સ્થિતિ બગડવાના ચાન્સ છે. ખાસ કરીને વર્લ્ડના અમેરિકા સહિત અનેક દેશોમાં કન્ઝ્યુમર ડિમાન્ડ અને પ્રોડક્ટિવિટી ઘટવાની ધારણા છે. અમેરિકાની પબ્લિક ડેબ્ટ વધવાની ૯૭ ટકા અને ઇન્ફ્લેશન વધવાની ૯૪ ટકા શક્યતા બતાવાઈ હતી. ઇન્ફ્લેશનના વધારા સાથે ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાના ચાન્સથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ સતત વધતી રહેશે.