અમેરિકાના એમ્પ્લૉયમેન્ટ ડેટા નબળા આવતાં ડૉલરના ઘટાડાને પગલે સોનામાં સતત વધારો

31 December, 2022 02:00 PM IST  |  Mumbai | Mayur Mehta

ચાઇનીઝ સ્ટૉક માર્કેટ ૨૦૨૨માં ૧૫થી ૨૫ ટકા ઘટતાં ઇન્વેસ્ટરો સોના તરફ ડાઇવર્ટ થવાના​ ચાન્સિસ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના એમ્પ્લૉયમેન્ટ ડેટા નબળા આવતાં ડૉલરની નબળાઈને કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. સોનું ૨૦૨૨ના અંતે સ્ટ્રૉન્ગ નોટ સાથે બંધ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૫૨ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા સતત વધી રહી હોવાથી એમ્પ્લૉયમેન્ટ ડેટા સતત નબળા પડી રહ્યા હોવાથી એની અસરે ફેડ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં સાવચેતી રાખશે એવી શક્યતાને પગલે ડૉલર ઘટતાં શુક્રવારે સોનું વધ્યું હતું અને બીજા સપ્તાહે વધારો જોવા મળ્યો હતો. ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સના સતત ઘટાડાને પગલે ઇન્વેસ્ટરો ૨૦૨૩માં બુલિયન તરફ ડાઇવર્ટ થાય એવી શક્યતાઓ પણ ચર્ચાવાની શરૂ થતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનુ વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ વધ્યાં હતાં, પણ પૅલેડિયમ ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચાઇનીઝ ઇકૉનૉમી કોરોનાને કારણે ૨૦૨૨માં સૌથી વધુ તૂટી હતી. કોરોનાના વધુપડતાં નિયંત્રણોને કારણે બિઝનેસ ઍ​ક્ટિવિટી મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત બની હતી અને એને કારણે સૌથી મોટી અસર સ્ટૉકમાર્કેટ પર જોવા મળી હતી. ચાઇનીઝ શાંઘાઇ સ્ટૉક ઇન્ડેક્સ ૨૦૨૨ દરમ્યાન ૧૫ ટકા અને શેનઝેન સ્ટૉક ઇન્ડેક્સ ૨૫ ટકા તૂટ્યો હતો. કોરોનાનાં નિયંત્રણોની સૌથી મોટી અસર પ્રૉપટી સેક્ટરને થઈ હતી. ૧૪૫ કરોડ રૂપિયાના દેશની કરોડરજ્જુ સમાન પ્રૉપટી માર્કેટમાં અનેક ડેવલપર્સ ડિફૉલ્ટ થતાં પ્રૉપટી સેક્ટરના શૅરો સૌથી વધુ તૂટ્યા હતા.

ચાઇનીઝ ઇકૉનૉમીને બેઠી કરવા હવે ગવર્મેન્ટ ઑથોરિટી અને પીપલ્સ બૅન્ક તનતોડ મહેનત કરી રહી છે. ચાઇનીઝ ઑથોરિટીએ કોરોનાનાં એક પછી એક તમામ નિયંત્રણો દૂર કરીને માર્કેટને રી-ઓપન કરી દીધી હતી અને વિદેશીઓની એન્ટ્રી માટેનાં નિયંત્રણો એકદમ હળવાં કરી દીધાં હતાં. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ચાલુ સપ્તાહે માર્કેટમાં રિવર્સ રેપો દ્વરા ૯૦૫ અબજ યુઆન ઠાલવ્યા હતા જે ૨૦૧૯ પછીની સૌથી મોટી સાપ્તાહિક નાણાં-ફાળવણી હતી. ગયા સપ્તાહે પીપલ્સ બૅન્કે ૭૦૪ અબજ યુઆન ઠાલવ્યા હતા.

અમેરિકામાં ફ્રેશ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૪મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૯ હજાર વધીને ૨.૨૫ લાખે પહોંચી હતી જે માર્કેટની ધારણા અનુસાર હતી, જ્યારે કાયમી બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ ૧૭.૧૦ લાખે પહોંચી હતી. અમેરિકામાં હાઉસિંગ સેક્ટર અને ઇન્ડ​સ્ટ્રિયલ સેક્ટર બાદ હવે જૉબ સેક્ટર પણ નબળું પડી રહ્યું હોવાથી રિસેશનની નજીક અમેરિકાને પહોંચાડ્યું છે.

ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ થર્ડ ક્વૉર્ટરના અંતે રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૩૬.૪ અબજ ડૉલરે પહોંચી હતી જે જીડીપી (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ)ની ૪.૪ ટકાએ પહોંચી હતી. એક વર્ષ અગાઉ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૯.૭ અબજ ડૉલર હતી. મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટ વધીને ૮૩.૫ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૪૪.૫ અબજ ડૉલર હતી. જોકે સર્વિસ સરપ્લસ વધીને ૩૪.૪ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૨૫.૬ અબજ ડૉલર હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

સોનાની માર્કેટમાં ૨૦૨૨નું વર્ષ ભારે ઊથલપાથલવાળું રહ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪મી ફેબ્રુઆરીએ યુદ્ધ ચાલુ થયા બાદ સોનાનું સેફ હેવન સ્ટેટસ અતિ મજબૂત બનતાં ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં સોનું વધીને ૨૦૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું હતું, પણ ત્યાર બાદ અમેરિકા સહિત અનેક દેશોમાં ઇન્ફ્લેશન સતત વધતું રહ્યું હતું. અમેરિકાનું ઇન્ફ્લેશન ૪૨ વર્ષની ઊંચાઈએ અને યુરોપિયન દેશોનું ઇન્ફ્લેશન ઑલટાઇમ હાઈ પહોંચતાં ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે શ્રેણીબદ્ધ ઇન્ટરેસ્ટ રેટના વધારા કર્યા હતા. અમેરિકન ફેડે માર્ચથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ કર્યું હતું, જેમાં ફેડરલ રિઝર્વે માર્ચમાં ૨૫, મેમાં ૫૦, જૂન-જુલાઈ-સપ્ટેમ્બર-નવેમ્બરમાં ચાર વખત ૭૫-૭૫ અને ડિસેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૦.૨૫-૦.૫૦ ટકાથી વધારીને ૪.૨૫-૪.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા. આમ કુલ સાત વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં ડૉલર ત્રીજા ક્વૉર્ટરમાં ૨૦ વર્ષની ઊંચાઈએ પહોચતાં સોનું ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ ૧૬૧૮ ડૉલરે પહોંચ્યું હતું. અમેરિકી ડૉલર ૨૦ વર્ષની ઊંચાઈએ ઝડપથી પાછો ફરતાં છેલ્લા ચાર મહિનામાં સોનું ૨૦૦ ડૉલર વધીને ૧૮૦૦ ડૉલરની સપાટીએ કુદાવીને ૨૦૨૨ના અંતે સોનું ૧૮૧૦થી ૧૮૧૫ ડૉલરે પહોંચ્યું છે. સોનું ૨૦૨૨ના આરંભે ૧૮૦૯.૦૫થી ૧૮૧૧.૪૦ ડૉલર હતું જે ૨૦૨૨ના અંતે પણ ૧૮૧૦થી ૧૮૧૫ ડૉલરની આસપાસ છે. આથી ૨૦૨૨ના વર્ષ દરમ્યાન આટલી મોટી વધ-ઘટ બાદ સોનાના ભાવ વાર્ષિક ધોરણે સ્થિર રહ્યા છે. ૨૦૨૨ દરમ્યાન સ્પૉટમાર્કેટમાં સોનું વધીને ૮મી માર્ચે ૨૦૩૯.૫૦ ડૉલર અને ઘટીને ૨૮મી સપ્ટેમ્બરે ૧૬૧૮.૨૦ ડૉલર થયું હતું. આખા વર્ષ દરમ્યાન સવાચારસો ડૉલરની ઊથલપાથલ જોવા મળી હતી. ૨૦૨૩માં સોનામાં આટલી મોટી ઊથલપાથલ જોવા મળે એવી શક્યતા ઓછી છે, કારણ કે ૨૦૨૩માં ઇકૉનૉમિક ઍ​​ક્ટિવિટી રિસેશન સામે ઝઝૂમવા સ્થિર થવાનો પ્રયાસ કરશે જે સોનાને ધીમી ગતિએ ઉપર લઈ જશે.

business news