29 October, 2024 08:20 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
સોનાની તેજીને હવે ચાઇનીઝ ડ્રૅગનનું ગ્રહણ લાગ્યું છે. ચીનનો સોનાનો વપરાશ ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં ૧૧.૮ ટકા ઘટ્યો હતો. ચીનના સોનાના વપરાશમાં ૫૩.૯ ટકા હિસ્સો ધરાવતો જ્વેલરી વપરાશ ૨૭.૫૩ ટકા અને કૉઇન્સ-બારનો વપરાશ ૨૭.૪ ટકા ઘટ્યો હતો, જ્યારે ચીનનું ગોલ્ડ પ્રોડક્શન ૨૦૨૪ના નવ મહિનામાં ગયા વર્ષથી ૩.૨ ટકા વધ્યું હતું. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ બન્ને વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ પણ ડાઉન થયું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૮૬ રૂપિયા વધ્યો હતો. વિદેશી માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યા છતાં ભારતમાં દિવાળીના તહેવારોની ઘરાકીની અસરે સોનું-ચાંદી વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન પ્રેસિડેન્શ્યલ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પના જીતવાના ચાન્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૪.૨૭૬ ટકાએ પહોંચ્યાં હતાં. ટ્રમ્પ જીતે તો ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ મોટા પ્રમાણમાં વધશે અને ફેડ આક્રમક રેટ-કટ નહીં લાવી શકે એવી સંભાવનાઓ વધતાં યીલ્ડ વધ્યાં હતાં. ટ્રેઝરી યીલ્ડના વધારાને પગલે ડૉલર ઇન્ડેક્સ પણ સોમવારે ૦.૩૦ ટકા વધીને ૧૦૪.૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. જૅપનીઝ જનરલ ઇલેક્શનમાં રૂલિંગ પાર્ટીએ મૅજોરિટી ગુમાવી હોવાથી યેન ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ સપ્ટેમ્બરમાં ૨૭.૧ ટકા ઘટ્યો હતો જે ઑગસ્ટમાં ૧૭.૮ ટકા ઘટ્યો હતો, ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૩.૫ ટકા ઘટ્યો હતો જે જાન્યુઆરીથી ઑગસ્ટ દરમ્યાન ૦.૪ ટકા વધ્યો હતો. ચીનની નબળી પડતી ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ વધુ એક સ્ટેપ લઈને રિઝર્વ રીપર્ચેઝ ઑપરેશન શરૂ કર્યું હતું અને હવેથી આ ઑપરેશન દર મહિને હાથ ધરાશે જેનાથી બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી સતત વધતી રહેશે. પીપલ્સ બૅન્ક દર મહિને સેન્ટ્રલ અને લોકલ ગવર્નમેન્ટ બૉન્ડ રીપર્ચેઝ કરશે.
ચાલુ સપ્તાહે અમેરિકાના અનેક ઇકૉનૉમિક ડેટા જાહેર થશે. સૌથી મહત્ત્વના ડેટા ઑક્ટોબર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે. સપ્ટેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા ૧.૨૩ લાખ આવવાની ધારણા છે. જો ધારણા પ્રમાણે પે-રોલ ડેટા આવશે તો ઇકૉનૉમિક કન્ડિશનની સ્થિતિ વધુ ખરાબ માનવામાં આવશે અને જૉબમાર્કેટ નબળી હોવાની ચર્ચાને મહોર લાગશે, કારણ કે સપ્ટેમ્બરમાં નૉન ફાર્મ પે-રોલ ડેટા સતત ચોથા મહિને વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૫૪ લાખ આવ્યા હતા. નૉન ફાર્મ પે-રોલ ડેટા ઉપરાંત જૉબ ઓપનિંગ ડેટા અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ પણ જાહેર થશે. ચાલુ સપ્તાહે અમેરિકાના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટનો ઍડ્વાન્સ એસ્ટિમેટ જાહેર થશે. ઉપરાંત મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ઑક્ટોબર મહિનાના ગ્રોથડેટા અને પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ડેટા તથા કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા જાહેર થશે. આ તમામ ડેટા અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશનનો ચિતાર રજૂ કરશે જેને કારણે ફેડને ૬ નવેમ્બરે યોજાનારી મીટિંગમાં રેટ-કટનો નિર્ણય લેવામાં મદદ મળી શકે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વિશ્વની અમેરિકા-ચીન પછીની ત્રીજા ક્રમની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા જપાનમાં હાલની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને એની સહયોગી પાર્ટીએ જનરલ ઇલેક્શનમાં મૅજોરિટી ગુમાવતાં હવે સત્તાપલટો નિશ્ચિત બન્યો છે. જપાનની ઇકૉનૉમિક કન્ડિશન એની કરન્સી યેન સતત ડેપ્રિસિયેટ થઈ રહી હોવાથી નબળી પડી રહી છે ત્યારે પૉલિટિકલ અનિશ્ચિતતાને કારણે જપાનની આગામી પૉલિસી બહુ જ મહત્ત્વની સાબિત થશે. ચાલુ સપ્તાહે ગુરુવારે બૅન્ક ઑફ જપાનની પૉલિસી-મીટિંગ યોજાશે, જેમાં મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેશે, પણ ચાલુ વર્ષે જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવી બે વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે ત્યારે જો જપાનની ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાં કોઈ નવા ફેરફારનો સંકેત મીટિંગમાં આવશે તો ડૉલર અને સોના-ચાંદીના ભાવિ પર એની મોટી અસર થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૨૪૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૩૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૦૮૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)