ફેડે ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ ૨૦૨૩માં વધવાની શક્યતા બતાવતાં સોના અને ચાંદી ગગડ્યાં

16 December, 2022 03:08 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ વધારાનું પ્રોજેક્શન ૨૦૨૩ માટે ફેડે વધારતાં સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ગતિ વધવાની શક્યતા બતાવતાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૯૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૭૪ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ઇન્ફ્લેશન ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફેડ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ ધીમી પાડવાનો સંકેત આપશે એવી ધારણાને પગલે સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું હતું, પણ ફેડે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ગતિ વધી શકે એવી શક્યતા બતાવતાં તેમ જ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટનું પ્રોજેક્શન વધારતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગ મોટે પાયે વધતાં બન્નેના ભાવ ગગડ્યા હતા. સોના-ચાંદી ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

આ પણ વાંચો : અમેરિકન ઇન્ફ્લેશન અને ફેડના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયની રાહે સોના-ચાંદી રેન્જબાઉન્ડ

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડરલ રિઝર્વે અપેક્ષા પ્રમાણે ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને બેન્ચમાર્ક્સ ઇન્ટરેસ્ટ રેટને ૪.૨૫થી ૪.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા. હાલ અમેરિકન બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા છે. ફેડરલ રિઝર્વે સતત સાતમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે. માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ, મે મીટિંગમાં ૫૦ પૉઇન્ટ,  જૂન, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મીટિંગમાં સળંગ ચાર વખત ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ તથા ડિસેમ્બર મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા. ફેડની મીટિંગ બાદ જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારો આગામી ડેટાને આધારે થશે, પણ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારો ડિસેમ્બર કરતાં મોટો પણ હોઈ શકે છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાનું પ્રોજેક્શન ૨૦૨૩ માટે ૪.૬ ટકાનું મૂક્યું હતું જે વધારીને ૫.૧ ટકા કરાયું હતું, જેને પગલે ડૉલર ઇન્ડેક્સ સુધરીને ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો, જે ફેડની મીટિંગ અગાઉ ઘટીને ૧૦૩.૫ના લેવલે હતો. 

ચીનનું રીટેલ સેલ્સ નવેમ્બરમાં વાર્ષિક ૫.૯ ટકા ઘટ્યું હતું, જે ઑક્ટોબરમાં માત્ર ૦.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૭ ટકા ઘટાડાની હતી. રીટેલ સેલ્સ સતત બીજે મહિને ઘટ્યું હતું અને મે મહિના પછીનો આ સૌથી મોટો ઘટાડો હતો. કોરોનાનાં નિયંત્રણોને કારણે ચાઇનીઝ પબ્લિકનું કન્ઝમ્પ્શન મોટા પ્રમાણમાં ઘટી જતાં રીટેલ સેલ્સ પર મોટી અસર જોવા મળી હતી. કૉસ્મેસ્ટિક, ક્લોધિંગ, ફર્નિચર, હોમ અપ્લાયન્સિસ, ઑફિસ સપ્લાય, ઑટોમોબાઇલ્સ, ઑઇલ પ્રોડક્ટ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ્સ તમામ આઇટમોનું વેચાણ મોટેપાયે ઘટ્યું હતું. 

ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન નવેમ્બરમાં ૨.૨ ટકા વધ્યું હતું, જે ઑક્ટોબરમાં પાંચ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૬ ટકા વધારાની હતી. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો છેલ્લા છ મહિનાનો આ સૌથી ઓછો ગ્રોથ હતો. તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ લૉકડાઉનને કારણે ઘટ્યો હતો. ચીનની ઇકૉનૉમીમાં મહત્તમ હિસ્સો આપતા પ્રૉપર્ટી સેક્ટરમાં ઍક્ટિવિટી સાવ બંધ થઈ જતાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનને મોટી અસર થઈ હતી. 

ચીનનું  ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ગયા વર્ષથી ૫.૩ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ગયા વર્ષથી ૫.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૫.૬ ટકાથી પણ ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ઓછું રહ્યું હતું. ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટના ડેટા અગાઉના ડેટાથી અને માર્કેટની ધારણાથી નબળા રહ્યા હતા. ખાસ કરીને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું હતું. 

ચીનમાં નવા રહેણાક મકાનોના ભાવ ટૉપ લેવલનાં ૭૦ સિટીમાં નવેમ્બરમાં વાર્ષિક ૧.૬ ટકા ઘટ્યા હતા જે સતત સાતમા મહિને ઘટ્યા હતા અને છેલ્લાં ૭ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મન્થ્લી બેઝ પર હોમ પ્રાઇસ નવેમ્બરમાં ૦.૨ ટકા ઘટી હતી જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા ઘટી હતી. મન્થ્લી રીતે હોમ પ્રાઇસ સતત ચોથા મહિને ઘટી હત‌ી. 

જપાનની એક્સપોર્ટ નવેમ્બરમાં ૨૦ ટકા વધી હતી જે ઑક્ટોબરમાં ૨૫.૩ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૧૯.૮ ટકા વધારાની હતી. જપાનની એક્સપોર્ટનો ગ્રોથ સતત ૨૧મા મહિને ઘટ્યો હતો અને છેલ્લા ચાર મહિનાનો આ સૌથી ઓછો ગ્રોથ હતો. જપાનની ઇમ્પોર્ટ નવેમ્બરમાં ૩૦.૩ ટકા વધી હતી જે ઑક્ટોબરમાં ૫૩.૫ ટકા વધી હતી. જપાનની ઇમ્પોર્ટ સતત ૧૯મા મહિને ડબલ ફીગરમાં જોવા મળી હતી. જપાનની યેનની સતત વધી રહેલી નબળાઈને કારણે ઇમ્પોર્ટ વધી રહી છે, કારણ કે જપાનમાં એક્સપોર્ટ કરનારાઓને ડૉલરમાં વધુ કમાણી થઈ રહી છે. જપાનની ઇમ્પોર્ટ સતત વધી રહી હોવાથી ટ્રેડ ડેફિસિટ નવેમ્બરમાં વધીને ૨૦૨૭.૪ અબજ યેનની સપાટીએ પહોંચી હતી, જે એક વર્ષ પહેલાં માત્ર ૯૭૩.૫ અબજ યેન હતી. 

આ પણ વાંચો : અમેરિકા-બ્રિટનનું ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઘટતાં સોનું ઊછળીને પાંચ મહિનાની ટોચે

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં બધાની ધારણા હતી કે ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારામાં ધીમે-ધીમે ઘટાડો કરશે, પણ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે આ તમામ ધારણાઓ ખોટી પાડીને ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારો ડિસેમ્બરથી મોટો પણ હોઈ શકે એવી શક્યતા બતાવી  હતી અને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટનું પ્રોજેક્શન ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કર્યું હતું.

ચીનની રીઓપનિંગ પછી અને ઑપેક પ્લસ (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાની તજવીજ ચાલુ થતાં ક્રૂડ તેલના ભાવ ફરી વધી શકે છે. અમેરિકા અને અન્ય દેશોમાં ઠંડી વધતાં નૅચરલ ગૅસના ભાવ પણ વધી શકે છે એની અસરે ઇન્ફ્લેશન વધુ ઘટશે એવું માની શકાય નહીં. રશિયા અને યુક્રેન વચ્ચે હજી યુદ્ધ ચાલુ છે એ પણ ભૂલવું ન જોઈએ. આમ, ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ ધીમી પડવાની શક્યતા પર ઠંડું પાણી રેડાઈ જતાં ડૉલર પણ ગમે ત્યારે રિબાઉન્ડ થઈ શકે છે, જે સોનાને ફરી નીચે લાવશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૩,૮૯૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૩,૬૭૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૬,૫૬૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market