04 July, 2024 09:30 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલે ગાઝાના બીજા ક્રમના સૌથી મોટા શહેર ખાન યુનિસ પર માસ બૉમ્બાર્ડિંગની તૈયારી શરૂ કરતાં અઢી લાખની વસ્તી ધરાવતા આખા શહેરને ખાલી કરવાની વૉર્નિંગ જારી કરી હતી જેને પગલે મિડલ-ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું, પરિણામે સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડના સપોર્ટથી ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૩૪ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૬૮૩ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ સતત બીજે દિવસે અને છેલ્લા પાંચ દિવસમાંથી ચાર દિવસ વધ્યો હતો. ચાંદીનો ભાવ છેલ્લા પાંચ દિવસમાં ૨૭૫૩ રૂપિયા વધ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ બુધવારે ઘટીને ૧૦૫.૭૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મંગળવારે વધીને ૧૦૫.૯૩ પૉઇન્ટ થયો હતો. ફેડ-ચૅરમૅન જેરોમ પૉવેલે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાનું ઇન્ફ્લેશન હવે કાબૂમાં છે, પણ રેટકટ કરવા પહેલાં હજી વધુ પૉઝિટિવ ઇકૉનૉમિક ડેટાની જરૂર છે. ફેડ-ચૅરમૅનની કમેન્ટ બાદ ડૉલર ઘટ્યો હતો. જોકે જપાનીઝ યેન હજી સતત ઘટતો હોવાથી ડૉલરનો ઘટાડો મર્યાદિત હતો.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જુલાઈમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૪૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૪૦.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૧.૨ પૉઇન્ટની હતી. આગામી છ મહિનાની ઇકૉનૉમિક કન્ડિશનનો ઇન્ડેક્સ જુલાઈમાં ૧૦.૬ ટકા વધીને ૪૦.૭ પૉઇન્ટે અને પર્સનલ ફાઇનૅન્સ આઉટલુકનો ઇન્ડેક્સ ૮.૪ ટકા વધીને ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ગવર્નમેન્ટ પૉલિસી પર પબ્લિકના કૉન્ફિડન્સનો ઇન્ડેક્સ પણ ૯ ટકા વધીને ૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ મે મહિનામાં ૨.૨૧ લાખ વધીને ૮૧.૪૦ લાખે પહોંચ્યા હતા જે એપ્રિલમાં ૭૯.૧૯ લાખ હતા અને માર્કેટની ધારણા ૭૯.૧૦ લાખની હતી. ખાસ કરીને લોકલ ગવર્નમેન્ટ વેન્ચર, ડ્યુરેબલ ગુડ્ઝ મૅન્યુફૅક્ચરિંગ અને એજ્યુકેશન સેક્ટરમાં જૉબ-ઓપનિંગ વધતાં ઓવરઑલ જૉબ ઓપનિંગ વધ્યા હતા.
ચીનની પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હોવાનો રિપોર્ટ બે દિવસ અગાઉ આવ્યો હતો. હવે કેઝીનના રિપોર્ટ અનુસાર ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જૂનમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં દસ મહિનાની ઊંચાઈએ ૫૪ પૉઇન્ટ હતો. ચીનની સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના સામે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને ૫૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૪.૧ પૉઇન્ટ હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહ્યા છે. ખાસ કરીને સોલર પૅનલ અને અન્ય રિન્યુએબલ એનર્જી ટૂલ્સમાં ચાંદીનો વપરાશ સતત વધી રહ્યો હોવાથી ચાંદીનું ભવિષ્ય ઘણું જ સારું હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. ચાંદીના વપરાશ માટે ચીનની ઇકૉનૉમિક કન્ડિશનનું મહત્ત્વ અનેકગણું છે. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટામાં ઘટ્યો હતો, પણ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હોવાના રિપોર્ટની અસર પણ ચાંદીની તેજીમાં જોવા મળી છે. ભારત અને ચીનમાં ઇલેક્ટ્રૉનિક્સ વેહિકલનો વપરાશ જે રીતે કૂદકે ને ભૂસકે જે રીતે વધી રહ્યો છે એ જોતાં ચાંદીની તેજીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જ્વળ છે. ઇલેક્ટ્રિક વેહિકલની બૅટરીમાં ચાંદી મુખ્ય કમ્પોનન્ટ છે. ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં હાલ ૨૯.૬ ડૉલરથી ૨૯.૮ ડૉલરની રેન્જમાં છે.
ટેક્નિકલ ઍનલિસ્ટો ૨૦૨૫માં ચાંદીના ભાવ ૩૮થી ૩૯ ડૉલર સુધી વધવાની આગાહી કરી રહ્યા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૨૨૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૯૩૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૬૯૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)