12 October, 2024 08:33 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૪ મહિનાની ઊંચાઈએ પહોચતાં ફરી જૉબ ડેટાની નબળાઈ વધી હતી જેને કારણે રેટ-કટના ચાન્સ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૮૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૬૧૦ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું સપ્ટેમ્બર મહિનાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ૨.૪ ટકા આવ્યું હતું જે ઑગસ્ટમાં ૨.૫ ટકા હતું. અમેરિકાનું ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠે મહિને ઘટીને ૪૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. માર્કેટની ધારણા ઇન્ફ્લેશન ઘટીને ૨.૩ ટકા આવવાની હતી એના કરતાં ઇન્ફ્લેશન ૦.૧ ટકા આવતાં અને સપ્ટેમ્બર મહિનાનું કોર ઇન્ફ્લેશન વધીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ત્રણ વર્ષની નીચી સપાટી ૩.૨ ટકા હતું. કોર ઇન્ફ્લેશન વધતાં ફેડ હવે પચાસ બેસિસ પૉઇન્ટનો મોટો રેટ-કટ લાવવાનું જોખમ લેશે નહીં.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ પાંચ ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૩૩ હજાર વધીને ૧૪ મહિનાની ઊંચાઈએ ૨.૫૮ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૩૦ લાખની હતી. છેલ્લાં બે સપ્તાહમાં મિશિગનમાં હેલેના વાવાઝોડાની અસરે ૧૦,૬૬૭ બેનિફિટ નંબર્સ વધ્યા હતા.
અમેરિકાનું કોર ઇન્ફ્લેશન વધતાં રેટ-કટના ચાન્સ ઘટતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૨.૯૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. વળી ઍટલાન્ટાના ફેડ પ્રેસિડન્ટ રાફેડ બોસ્ટિકે જણાવ્યું હતું કે કોર ઇન્ફ્લેશન વધતાં અને જૉબ ડેટા નબળા આવતાં નવેમ્બરમાં મહિનાની મીટિંગમાં ફેડે ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખવા જોઈએ. જોકે અમેરિકાના જૉબ ડેટા ઘટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ફરી રેટ-કટના ચાન્સ વધ્યા હતા જેને કારણે ડૉલર ઇન્ડેક્સ ઊંચા મથાળેથી ઘટ્યો હતો.
બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ ઑગસ્ટમાં ૦.૨ ટકા વધ્યો હતો જે જૂન અને જુલાઈ બે મહિના સ્ટેડી રહ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ૦.૫ ટકા અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૦.૧ ટકા વધતાં ઓવરઑલ ઇકૉનૉમિક ગ્રોથ વધ્યો હતો. બ્રિટનની ઇકૉનૉમી હવે રિસેશનના ભયમાંથી ધીમે-ધીમે બહાર નીકળી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાનું ઇન્ફ્લેશન ધારણા કરતાં ઓછું ઘટ્યું હોવાથી ફેડ માટે રેટ-કટનો નિર્ણય લેવો ફરી મુશ્કેલ બન્યો છે. ફેડના મેમ્બરોએ પણ હવે વધુ રેટ-કટ ન કરવાની સલાહ આપવાનું ચાલુ કરી દીધું છે, પણ જૉબમાર્કેટ ફરી મંદીની ગર્તામાં ધકેલાઈ જતાં રેટ-કટ માટે અનુકૂળતા વધી હતી તેમ જ જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ પણ ફરી મળવાનો શરૂ થયો હોવાથી સોનામાં તેજીની આગેકૂચ અટકી નથી. ઇઝરાયલનાં આક્રમક તેવર જોતાં સોનામાં હાલ ભાવ ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી. યુદ્ધ-સમાપ્તિની છેલ્લા બે મહિનામાં અનેક વખત વાતો થઈ રહી છે, પણ બન્ને પક્ષે એકબીજાને ખતમ કરવાનું ઝનૂન જોતાં યુદ્ધ-સમાપ્તિ પણ શક્ય દેખાતી નથી એવા સમયે સોના-ચાંદીમાં દરેક ઘટાડે ખરીદી કરવાથી હાલ ફાયદો દેખાઈ રહ્યો છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૪,૮૩૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૪,૫૩૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૩૫૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)