રશિયાની ન્યુક્લિયર અટૅકની ધમકીથી સેફ હેવન ડિમાન્ડ વધતાં સોના અને ચાંદી વધ્યાં

20 November, 2024 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં બે દિવસમાં સોનામાં ૨૧૩૪ રૂપિયા અને ચાંદીમાં ૩૮૫૩ રૂપિયાનો ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

યુક્રેને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅક કરતાં એના પ્રત્યુત્તરમાં રશિયાએ ન્યુ​ક્લિયર અટૅકની ધમકી આપતાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૬૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૬૬૭ રૂપિયા વધ્યો હતો. સોના-ચાંદી મુંબઈમાં સતત બીજે દિવસે વધ્યાં હતાં. છેલ્લા બે દિવસમાં સોનાનો ભાવ ૨૧૩૪ રૂપિયા અને ચાંદીનો ભાવ ૩૮૫૩ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ છેલ્લાં બે સેશનમાં ઘટ્યા બાદ મંગળવારે ૧૦૬.૩૫ પૉઇન્ટ આસપાસ સ્ટેડી રહ્યો હતો. ફેડની ડિસેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટના ચા​ન્સિસ ૬૨ ટકાથી ઘટીને ૫૯ ટકા થયા હતા અને ૨૦૨૫માં ફેડ ૧૦૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટ કરશે એવી ધારણા હતી એ હવે ઘટીને ૮૦ બેસિસ પૉઇન્ટની મુકાઈ રહી છે. જૅપનીઝ યેન અને યુરો સુધરતાં ડૉલરનો સુધારો મર્યાદિત રહ્યો હતો.

અમેરિકાનો હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ ૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૪ પૉઇન્ટની હતી. હાઉસિંગ સેક્ટરમાં કરન્ટ સેલ્સ ક​ન્ડિશનનો ઇન્ડેક્સ બે પૉઇન્ટ વધીને ૪૯ પૉઇન્ટે અને આગામી છ મહિનાના સેલ્સ એક્સપેક્ટેશનને બતાવતો ઇન્ડેક્સ સાત પૉઇન્ટ વધીને ૬૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના ૩૧ ટકા બિલ્ડરોએ નવેમ્બરમાં હોમપ્રાઇસમાં ઘટાડો કર્યો હતો તેમ જ નવેમ્બરમાં હોમપ્રાઇસ પાંચ ટકા ઘટી હતી.

ચીનમાં ફરી નવું ​સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ચર્ચા ચાલુ થઈ છે. હૉન્ગકૉન્ગમાં યોજાનારી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હાલની ઇકૉનૉમિક ક​ન્ડિશન વિશે ચર્ચા થવાની છે, જેમાં નવા ​સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર થવાની શક્યતાને પગલે ચીનના બન્ને સ્ટૉક ઇન્ડેક્સ મંગળવારે સુધર્યા હતા જે છેલ્લાં ત્રણ સેશનથી ઘટતા હતા તેમ જ બુધવારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા લોન પ્રાઇમ રેટમાં પણ ઘટાડો થવાની ચર્ચા જોરમાં છે.

યુરો એરિયાની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા વધી હતી અને ઇમ્પોર્ટ ૦.૬ ટકા ઘટી હતી જેને કારણે ટ્રેડ સરપ્લસ સપ્ટેમ્બરમાં વધીને ૧૨.૮ અબજ યુરો રહી હતી જે એક વર્ષ અગાઉ ૯.૮ અબજ યુરો હતી અને માર્કેટની ધારણા ૭.૯ અબજ યુરોની હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

સોના-ચાંદી સહિત વર્લ્ડની તમામ ફાઇનૅન્શિયલ માર્કેટ હવે પૉલિટિકલ અનસર્ટેનિટીથી શિફ્ટ થઈ હવે પૉલિસી અનસર્ટેનિટી તરફ જઈ રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ કૉર્પોરેટ ટૅક્સ અને ટૅરિફ વિશે શું નિર્ણય લેવાશે એનાં અનુમાનોની ચર્ચા જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ-હિઝબુલ્લા યુદ્ધ વિશે ટ્રમ્પનું સ્ટૅન્ડ કેવું હશે એ વિશે પણ અનુમાનો થવાનાં ચાલુ થઈ ચૂક્યાં છે. જ્યારે અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની પ્રોસેસ ચાલુ થઈ ત્યાંથી લઈને ચૂંટણીનાં પરિણામો સુધી સોનામાં અનસર્ટેનિટી પ્રીમિયમ બોલાયું હતું એ જ રીતે હવે પૉલિસી અનસર્ટેનિટીનું પ્રીમિયમ ૨૦ જાન્યુઆરી સુધી તો ઍટ લીસ્ટ બોલવાનું ચાલુ થશે. ત્યાર બાદ જ્યાં સુધી ડોનલ્ડ ટ્રમ્પ કોઈ મોટા ડિસિઝનની જાહેરાત નહીં કરે ત્યાં સુધી અનસર્ટેનિટીનું પ્રીમિયમ બોલાતું રહેશે. જિયોપૉલિટિકલ ટેન્શન, ઇકૉનૉમિક ક્રાઇસિસ અને કોઈ પણ પ્રકારની અનસર્ટેનિટી દરમ્યાન સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધે છે જે હવે ધીમે-ધીમે ચાલુ થતાં સોનાના ભાવ ઘટતા અટકશે અથવા નીચા મથાળેથી વધવાના ચાલુ થશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૮૭૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૫૬૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૦,૯૫૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market gold silver price gujarati mid-day