અમેરિકન રેટકટ સપ્ટેમ્બરમાં આવવાના ચાન્સિસ વધતાં સોનું અને ચાંદી વધ્યાં

11 July, 2024 06:50 AM IST  |  Mumbai | Mayur Mehta

વર્લ્ડમાં ગોલ્ડ ETFમાં જૂનમાં સતત બીજે મહિને ઇનફ્લો વધ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન રેટકટ સપ્ટેમ્બરમાં આવવાની શક્યતાઓ સતત વધી રહી હોવાથી બુધવારે સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં વધ્યાં હતાં. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૩૭૫.૯૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૦૬ ડૉલરે પહોંચ્યાં હતાં. વર્લ્ડમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં જૂન મહિનામાં સતત બીજે મહિને ઇનફ્લો એટલે કે ઇન્વેસ્ટરોએ નાણાં ઠાલવ્યાં હતાં. જૂન મહિનામાં ગોલ્ડ ETFમાં ૧૭.૫ ટન એટલે કે ૧૪.૧ અબજ ડૉલરનો ઇનફ્લો વધ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૭૦ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૪ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે દિવસે વધીને ૧૦૫.૧૩ પૉઇન્ટે પહોંચ્યા બાદ બુધવારે સવારે ૧૦૫.૦૯ પૉઇન્ટ રહ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે સેનેટ સમક્ષ સેમીઍન્યુઅલ રિપોર્ટ આપતાં જણાવ્યું હતું કે રેટકટનો નિર્ણય લેતાં પહેલા ફેડને વધુ સપોર્ટિવ ડેટા મળવા જરૂરી છે. ફેડ રેટકટનો નિર્ણય સાવચેતીપૂર્વક લેવા માગે છે. અમેરિકન ઇકૉનૉમિક ઍક્ટિવિટી નબળી પડી રહી છે, પણ ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટથી ઘણું ઊંચું હોવાથી રેટકટનો નિર્ણય ઝડપથી લેવાથી જોખમ ઊભું થઈ શકે છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલના સાવચેતીભર્યા વલણથી ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો.

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જૂનમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૯૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૯૦.૫ પૉઇન્ટ હતો.

યુરો એરિયાનું હેડલાઇન ઇન્ફ્લેશન જૂનમાં પ્રિલિમિનરી રિપોર્ટ અનુસાર ૨.૫ ટકા રહ્યું હતું અને કોર ઇન્ફ્લેશન ૨.૯ ટકા રહ્યું હતું. ઇન્ફ્લેશન પ્રિલિમિનરી રિપોર્ટમાં ઊંચુ હોવાથી રેટકટની શક્યતા થોડી ઘટતાં યુરોનું મૂલ્ય ડૉલર સામે વધીને ચાર સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.

ચીનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન જૂનમાં ઘટીને ૦.૨ ટકાએ પહોંચ્યું હતું જે અગાઉના બે મહિના ૦.૩ ટકા હતું અને માર્કેટની ધારણા ૦.૪ ટકાથી અડધું રહ્યું હતું. ચીનનું ઇન્ફ્લેશન સતત પાંચમા મહિને નીચું રહ્યું હતું. ચીનમાં ઇકૉનૉમિક ગ્રોથ ધીમી ગતિએ વધી રહ્યો હોવા છતાં ડિફ્લેશનનું પ્રેશર ઓછું થતું નથી. ખાસ કરીને ફૂડ-પ્રાઇસ જૂનમાં ૨.૧ ટકા ઘટ્યા છે જે સતત બારમે મહિને ઘટ્યા હતા. ચીનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઘટવાની સાથે પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન પણ જૂનમાં ૦.૮ ટકા ઘટ્યું હતું જે મે મહિનામાં ૧.૪ ટકા ઘટ્યું હતુ અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન સતત એકવીસમા મહિને ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની કોઈ પણ કમેન્ટની અસર સોના-ચાંદીના ભાવ પર પડી રહી નથી, કારણ કે પૉવેલે જે જાહેરાત કરી હતી એ અનુસાર કંઈ થતું નથી. ૨૦૨૩ના નવેમ્બરમાં પૉવેલે ૨૦૨૪માં ત્રણ રેટકટ આવવાની જાહેરાત કરી હતી, પણ ૨૦૨૪ના જુલાઈ સુધી અમેરિકામાં એક પણ રેટકટ આવ્યો નથી. પૉવેલે સેનેટ સમક્ષ જાહેર કરેલા સેમીઍન્યુઅલ રિપોર્ટમાં રેટકટ વિશે સાવચેતી રાખવાની વાત કરી હતી, પણ અમેરિકાના ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો દૃઢપણે સપ્ટેમ્બરમાં રેટકટ આવવાની શક્યતા જોઈ રહ્યા હોવાથી પૉવેલની કમેન્ટ બાદ ડૉલર મજબૂત થયો હતો એની સાથે સોનું પણ વધ્યું હતું. ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધસમાપ્તિની મંત્રણા હવે ઝડપથી આગળ વધી રહી છે અને બન્ને પક્ષ કૂણા પડ્યા હોવાથી આ વખતે કોઈ પૉઝિટિવ ડેવલપમેન્ટ થવાની ધારણા છે, પણ હવે

સોના-ચાંદીની તેજીમાં રેટકટની સૌથી વધુ અસર જોવા મળશે. ઉપરાંત અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પની જીતના વધી રહેલા ચાન્સ પણ મહત્ત્વનો ભાગ ભજવશે. સપ્ટેમ્બરમાં રેટકટની આશા બુલંદ હોવાથી સોનાના ભાવ ધીમી ગતિએ વધતા રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૬૧૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૨,૩૨૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૭૯૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price