14 January, 2025 07:31 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના જૉબ-ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર ઇન્ડેક્સ નવી ૨૭ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. જોકે અમેરિકાનું બુધવારે જાહેર થનારું ઇન્ફ્લેશન વધીને આવવાની ધારણા હોવાથી સોના-ચાંદીમાં ઘટાડો અટકીને ફરી ઉછાળો આવવાની ધારણા છે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં રૂપિયાની મંદીને કારણે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૦ રૂપિયા વધ્યો હતો, પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૬૮ રૂપિયા વધ્યો હતો. સોનું સતત ચોથે દિવસે વધ્યું હતું અને છેલ્લા ચાર દિવસમાં સોનું ૧૧૮૨ રૂપિયા ઊછળ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન જાન્યુઆરીમાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૨.૮ ટકા હતું, જ્યારે આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ત્રણ ટકા હતું. અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૭૩.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૭૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૭૩.૮ પૉઇન્ટની હતી. અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટામાં ડિસેમ્બરમાં ૨.૫૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે છેલ્લા નવ મહિનાની સૌથી વધુ હતી અને નવેમ્બરમાં ૨.૧૨ લાખ નોકરીઓ ઉમેરાઈ હતી તેમ જ માર્કેટની ધારણા ૧.૬૦ લાખની હતી. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ૪.૧ ટકાએ પહોંચ્યો હતો જે અગાઉના મહિને ૪.૨ ટકા હતો અને માર્કેટની ધારણા પણ ૪.૨ ટકાની હતી. અમેરિકામાં વેજિસ ગ્રોથ પણ ૦.૩ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં ૦.૪ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા પણ ૦.૪ ટકા વધારાની હતી.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને બે વર્ષની નવી ઊંચાઈએ ૧૧૦.૧૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડિસેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા ધારણાથી સ્ટ્રૉન્ગ આવતાં તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ રેટ પણ ઘટતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. અમેરિકાના ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો હવે જાન્યુઆરી અને માર્ચમાં યોજાનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ સ્ટેડી રહેવાની ધારણા મૂકી રહ્યા છે. જોકે અમેરિકાના ચાલુ સપ્તાહે જાહેર થનારા ઇન્ફ્લેશનના ડેટા પર બધાની નજર મંડાયેલી છે.
ચાલુ સપ્તાહે સૌથી અગત્યના અમેરિકાના ડિસેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે જાહેર થશે જે વધીને ૨.૮થી ૨.૯ ટકા આવવાની ધારણા છે. જોકે કોર ઇન્ફ્લેશન ૩.૩ ટકા જળવાયેલું રહેવાની ધારણા છે. ચીનના ચોથા ક્વૉર્ટરના ગ્રોથરેટના ડેટા, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ અને રીટેલ સેલ્સના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. આ ઉપરાંત ચાલુ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની ડિસેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે, જેમાં રેટ-કટના પ્રોજેક્શન વિશે પ્રકાશ પાડવામાં આવશે અને યુરો એરિયાના ઇન્ફ્લેશનના પણ ફાઇનલ ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાનું હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન છેલ્લા બે મહિનાથી એકધારું વધી રહ્યું છે ત્યારે ડિસેમ્બરમાં પણ વધુ વધવાનું પ્રોજેક્શન મુકાઈ રહ્યું છે. કન્ઝ્યુમર ઇન્ફ્લેશન માર્ચમાં ૩.૫ ટકાની હાઇએસ્ટ સપાટીથી સપ્ટેમ્બર સુધીમાં ઘટીને ૨.૪ ટકા થયા બાદ ઑક્ટોબરમાં ૨.૬ ટકા અને નવેમ્બરમાં ૨.૭ ટકા થયા બાદ ડિસેમ્બરમાં ૨.૮થી ૨.૯ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું છે. અમેરિકાએ રશિયન એનર્જી સેક્ટર પર મુકાયેલા પ્રતિબંધથી ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસ વાયદા એકાએક ઊછળ્યા છે ત્યારે ઇન્ફ્લેશન સતત વધતું રહેવાની આગાહી છે. સોનું ઇન્ફ્લેશનના વધારા સામેનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોવાથી ઇન્ફ્લેશનનો વધારો સોનાની તેજીને વધુ ભડકાવશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૮,૩૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૭,૯૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૯,૮૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)